- VICHAR BANK

કરપ્શન બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનની દિશામાં છે સીબીઆઈ ?

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનને ભારત આખુ સીબીઆઈના ટૂંકા નામથી ઓળખે છે. આ સીબીઆઈ એટલે ભારતની ઉચ્ચત્તમ પ્રકારની કહી શકાય એવી વિશાળ સત્તાઓ ધરાવતી તપાસ સંસ્થા છે, જે વહિવટી તંત્રમાં ઉચ્ચ સ્થાને વ્યાપેલા ભ્રષ્ટાચારની વિરૂદ્ધ લડાઈ લડવાના ઉમદા હેતુ સાથે 1લી એપ્રિલ 1963થી અસ્તિત્વમાં આવી છે. આમ તો તેના મૂળીયા છેક 1941 સુધી લંબાય છે કારણ કે, તે સમયે બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં બ્રિટીશ હકુમત હેઠળની ભારત સરકારે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ (SPE)ની સ્થાપના કરેલી. આ એસપીઈનું કામ યુદ્ધના સમયે વોર એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં થયેલા ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાનો હતો. આગળ જતા કેન્દ્ર સરકારના અન્ય અધિકારીઓ સામે પણ તપાસ કરવાની જરૂરત જણાતા ધી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ’(DSPE)ને 1946માં લાવવામાં આવ્યો. આ કાયદાની દેખરેખ ગૃહ મંત્રાલયને સોંપાઈ અને તપાસનો વ્યાપ ભારત સરકારના બધા જ વિભાગો સુધી લંબાવી દેવાયો. એટલું જ નહિં, કેન્દ્ર શાસિત પ્રદેશ ઉપરાંત રાજ્ય સરકારની સંમતિના કિસ્સાઓમાં રાજ્ય સરકારોના વહિવટી તંત્રને પણ સામેલ કરી દેવાયા. આ ડીએસપીઈ એ જ ગૃહ મંત્રાલયના 1963ના એક ઠરાવ પછી સ્વચ્છ જાહેરજીવનનો આગ્રહ સેવતા નાગરિકોમાં શ્રદ્ધાના એક કેન્દ્ર તરીકે સીબીઆઈના નામે સ્થાપિત થયેલી છે. આ સીબીઆઈના ફાઉન્ડર ડાયરેક્ટર એવા ડી.પી.કોહલીએ રાજ્ય સરકારોના એન્ટી કરપ્શન ઓફીસર્સ અને સીબીઆઈના ઓફીસરોની ચોથી બોયોનિયલ જોઈન્ટ કોન્ફરન્સમાં ભારપૂર્વક કહેલું કે, ‘વહિવટીતંત્રમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડવા માટે દેશની જનતા તમારી સૌની પાસે અત્યંત ઉચ્ચ પ્રકારની કાર્યનિષ્ઠા તથા કાર્યદક્ષતાની અપેક્ષા રાખે છે. જનતાનો આ વિશ્વાસ તમારે હંમેશા ટકાવી રાખવો પડશે. સીબીઆઈના કાર્યને આગળ વધારવા માટે તમારે હંમેશા તટસ્થતા તથા કાર્યનિષ્ઠાને માર્ગદર્શક પરિબળ તરીકે નજર સમક્ષ રાખવા પડશે. પ્રત્યેક કિસ્સાઓમાં, પ્રત્યેક સંજોગોમાં, હરહંમેશ ફરજ પ્રત્યેની વફાદારી સૌ પ્રથમ સ્થાને મુકવી પડશે.

        આ ડી.પી.કોહલી પોતે સંનિષ્ઠ, કાર્યદક્ષ, ઈમાનદાર અને વિઝનરી ઓફીસર હતા. તેમના પછી આવેલા ડાયરેક્ટરોમાં સર્વશ્રી એફ.વી.આરુલ, ડી.સેન, એસ.એન.માથુર, સી.વી.નરસિંહમ, જ્હોન લોબો, આર.ડી. સિંઘ, જે.એસ.બાવા, એમ.જી.કાત્રે, એ.પી. મુખર્જી, આર.શેખર, વિજય કરણ, એસ.કે.દત્તા, વિજય રામારાવ, જોગીંદર સિંઘ, આર.સી. શર્મા, ડી.આર. કાર્તિકેય (કાર્યકારી), ટી.એન.મિશ્રા (કાર્યકારી), આર.કે. રાઘવન, પી.સી. શર્મા, યુ.એસ. મિશ્રા, વિજય શંકર, અશ્વિનીકુમાર, એ.પી. સિંઘ, રણજીત સિન્હા, અનિલ કુમાર સિન્હા અને છેલ્લે આજના આલોક કુમાર વર્માએ સીબીઆઈના વડા તરીકે સંનિષ્ઠ ફરજો બજાવ્યાનો એક લાંબો ઈતિહાસ છે. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ બાદ કરતા સીબીઆઈની પોતાની એક અલગ ઓળખ અને વિશિષ્ટ કાર્યશૈલી સ્થાપિત થયેલી છે.

        હા, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સીબીઆઈનો રાજકીય ઉપયોગ થવા લાગ્યો છે અને પરિણામે તેની પ્રતિષ્ઠા પણ ખરડાઈ છે. રાજકીય સ્તરે ચાલતી રાજકીય ખટપટમાં હિસાબ-કિતાબ પતાવવા માટે સીબીઆઈનો દૂરૂપયોગ થાય છે, તેવા આક્ષેપો સાવ પાયાવિહીન નથી હોતા તેના પ્રમાણો અદાલતોની ટિપ્પણીઓ દ્વારા પણ સમજાય છે. આમ છતાં હાલ જે ઘટનાઓ સીબીઆઈના તંત્રમાંથી જ જે રીતે બહાર આવી રહી છે, તે જોતા લાગે છે કે, સીબીઆઈ કે જે ભ્રષ્ટાચાર સામે લડવા માટે સર્જાઈ છે, ભ્રષ્ટાચાર કરનારાઓ ભલે ગમે તેવા શક્તિશાળી પદ પર બેઠા હોય, છતાં તેણે પણ કોઈનાથી ડરવુ પડે તેવી વડાપ્રધાનની ત્રીજી આંખ કહી શકાય તેવી શક્તિશાળી સંસ્થા પોતે જ ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં લિપ્ત નથીને ? તેવો લોકમાનસમાં પ્રશ્ન જાગે તે સ્વાભાવિક છે.

        સીબીઆઈએ એક લાંચ કેસમાં તેના જ ડીએસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરી છે. સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથે સંકળાયેલા અંદાજે સવા ત્રણ કરોડ રૂપિયાની લાંચના કેસમાં આ દેવેન્દ્ર કુમારની ધરપકડ કરાઈ છે. સીબીઆઈની ટીમ દ્વારા અસ્થાના કેસ સાથે સંકળાયેલી વિગતો મેળવવા અને પૂછપરછ માટે સીબીઆઈ હેડક્વાટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સીબીઆઈના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેટ દેવેન્દ્ર કુમારને ત્યાંથી 8 મોબાઈલ અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. દેવેન્દ્ર કુમાર અગાઉ અસ્થાનાના નેતૃત્વવાળી એસઆઈટીમાં ડીએસપી હતા. મીટ વેપારી મોઈન કુરેશીના કેસની તપાસ તેમની પાસે હતી. એમના ઉપર આરોપ એ છે કે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને ફસાવવા દેવેન્દ્ર કુમારે હૈદરાબાદના એક વેપારી સતીષબાબુ સનાનું ખોટુ નિવેદન નોંધ્યુ હતુ. સીબીઆઈએ 15-ઓક્ટોબરે રાકેશ અસ્થાના, દેવેન્દ્ર કુમાર અને બીજા કેટલાક વિરૂદ્ધ લાંચનો કેસ નોંધ્યો છે. આ કેસ નોંધાયાની પહેલાં 24-ઓગસ્ટે રાકેશ અસ્થાનાએ તેમના ઉપરી આલોક વર્મા વિરૂદ્ધ સેન્ટ્રલ વિજીલન્સ કમિશનને પત્ર લખી સના પાસેથી બે કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો છે. સીબીઆઈનું માનવુ છે કે સનાનું ખોટુ નિવેદન નોંધવા પાછળ દેવેન્દ્ર કુમારનો આશય આલોક વર્મા વિરૂદ્ધ અસ્થાનાએ સીવીસી સમક્ષ કરેલા આધારહિન આરોપોની પુષ્ટિ કરાવવાનો હતો. હવે સીબીઆઈના સ્પેશિયલ ડીરેક્ટર રાકેશ અસ્થાનાએ ધરપકડથી બચવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. જે અહેવાલો બહાર આવી રહ્યા છે તેમાં સીબીઆઈએ એક જ દિવસમાં સીબીઆઈના જ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે મંજૂરી મેળવીને 15મી ઓક્ટોબરના રોજ સીબીઆઈના જુદા જુદા ટેબલો ઉપર મંજૂરી મેળવીને સાંજે 8 વાગે લાંચનો ગુનો નોંધ્યો હતો. એટલું જ નહિં, તે ફરિયાદની નકલ વેબ સાઈટ ઉપર 21મીની મોડી સાંજે ચઢાવી હતી. સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાલના જણાવ્યા મુજબ સ્પેશિયલ ડાયરેક્ટર અસ્થાના, એજન્સીના અધિકારી દેવેન્દ્ર કુમાર, લાંચની લેવડ-દેવડમાં મુખ્ય ભૂમિકા ભજવનારા મનોજ પ્રસાદ અને તેમના ભાઈ સોમેશ વિરૂદ્ધ જે કેસ નોંધાયો છે, તેમાં ગુપ્તચર એજન્સી રૉના સ્પેશિયલ ડાયરેક્ટર સામંત કુમાર ગોયલનું નામ પણ નોંધવામાં આવ્યું છે, પરંતુ તેમને આરોપી  બનાવવામાં આવ્યા નથી. આ કેસ સતીષ સાના નામની વ્યક્તિના આરોપોના આધારે નોંધવામાં આવ્યો છે. સાના પોતે મોઈન કુરેશી સંબંધિત મામલામા તપાસનો સામનો કરી રહ્યા છે. ચર્ચા એવી છે કે સાના એ જ વ્યક્તિ છે જેણે મધ્યસ્થી બનીને મોઈન કુરેશીને ક્લીનચીટ અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી. સીબીઆઈએ આ મામલામાં અન્ય એક વચેટિયા મનોજ પ્રસાદની ગત 16 ઓક્ટોબરે દુબઈથી પરત ફરતી વખતે ધરપકડ કરેલી અને આરોપ એવો છે કે મનોજ અને તેના ભાઈ સોમેશે લાંચમાં અપાયેલી રકમની વ્યવસ્થા કરવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી. અહેવાલો અનુસાર મેજીસ્ટ્રેટ સામે મનોજના કબૂલાતનામા બાદ જ રાકેશ અસ્થાના વિરૂદ્ધ બે કરોડની લાંચ લેવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

        અહિંયા ઉલ્લેખ કરવો જોઈએ કે રાકેશ અસ્થાના ગુજરાત કેડરની 1984 બેચના આઈપીએસ અધિકારી છે અને ઓગસ્ટ વેસ્ટલેન્ડ હેલીકોપ્ટરની ખરીદીમાં દલાલી, વિજય માલ્યા કેસ સહિત અનેક મોટા મામલાઓની તપાસ કરી રહેલી સીબીઆઈની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના પ્રમુખ છે, જે મોઈન કુરેશી વિરૂદ્ધ પણ તપાસ કરી રહી હતી. મોઈન ઉપર લાગેલા આરોપોની તપાસ એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ પણ કરી રહ્યું છે. આ મામલામાં ગત 24મી ઓગસ્ટે કેબીનેટ સેક્રેટરીને પત્ર લખીને કેટલીક જાણકારી આપી હતી જેમાં તેમને લાગતુ હતુ કે સીબીઆઈના વડા આલોક વર્માએ ભ્રષ્ટાચાર કર્યો હોવો જોઈએ. અસ્થાનાએ મોઈન ખાન મામલામાં વર્મા ઉપર બે કરોડ લેવાનો આરોપ મુક્યો હતો અને આ  રકમની લેવડ-દેવડ સતીષ સાના મારફત કરવામાં આવી હતી. કેબીનેટ સેક્રેટરીએ આ ફરીયાદ કરતા પત્રને સીવીસી પાસે તપાસ માટે મોકલી આપેલો. ત્યારબાદ અસ્થાનાએ સીવીસીને 19મી ઓક્ટોબરે એક પત્ર દ્વારા જણાવ્યું કે તેઓ મોઈન કુરેશી ક્લીનચીટ મામલે તપાસ આગળ વધારવા માટે સાનાની ધરપકડ કરવા માંગે છે. તેમના જણાવ્યા અનુસાર આ મામલે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને ગત 20મી સપ્ટેમ્બરે પત્ર લખ્યો હતો, જેનો કોઈ જવાબ આવ્યો નથી. સીવીસીને લખેલા પત્રમાં અસ્થાનાએ એ તમામ પુરાવાનો ઉલ્લેખ પણ કર્યો જે તેમણે કેબીનેટ સેક્રેટરીને લખેલા પત્રમાં કર્યો હતો.

        ઉચ્ચ વર્તુળોમાં એવી ચર્ચા છે કે આલોક વર્મા વિરૂદ્ધ શિકંજો કસવા માટે અસ્થાના સતીષ સાના વિરૂદ્ધ આકરા પગલાં લેવા ઈચ્છી રહ્યા હતા અને એટલે જ ગત પહેલી ઓક્ટોબરે સાનાની પૂછપરછ પણ કરી હતી ,પરંતુ  સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા વિરૂદ્ધ ખાસ કોઈ માહિતી હાથ લાગેલી નહીં. આ મામલામાં સતીશ શર્મા તરફથી દાખલ કરવામાં આવેલી ફરીયાદમાં એવું જણાવેલું છે કે મનોજે મોઈન કુરેશી સાથે સંકળાયેલા મામલાને ખતમ કરવા માટે પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. મનોજ દુબઈમાં ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે કામ કરે છે, જ્યારે તેનો ભાઈ સોમેશ રાકેશ અસ્થાનાની સંપત્તિના રોકાણના મામલાને સંભાળતો હતો. સીબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે લાંચના આ મામલામાં ડીસેમ્બર-2017થી -ઓક્ટોબર-2018 દરમિયાન પાંચ વખત નાંણાની લેવડ-દેવડ થઈ છે.

        સવાલ એ છે કે સીબીઆઈની સંસ્થાના જ નંબર વન અને નંબર ટુ વચ્ચે જે જંગ જામ્યો છે, તેમાં ક્યા આક્ષેપો સાચા છે ? કોણ કેટલું દોષી છે ? તે તો ગંભીર બાબત છે જ અને તે સત્ય બહાર આવવુ જ જોઈએ, કારણ કે વાડ જ ચીભડા ગળે છે તેવી છાપ જો સીબીઆઈની બની જશે તો સ્વચ્છ જાહેરજીવન માટે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જેની ધાક વહિવટીતંત્ર અને ખાસ કરીને ઉચ્ચ સ્થાને બેઠેલા અધિકારીઓ પર હોવી જોઈએ તે ખતમ થઈ જશે. પરંતુ સમગ્ર કિસ્સો અને ઘટનાક્રમનુ અવલોકન કરતા વધુ ચિંતાજનક અને ગંભીર સવાલ એ ખડો થાય છે કે શું આ હિમશીલાની ટોચ તો નથીને ? આનો જવાબ સમય જ આપશે.

0Shares