- VICHAR BANK

લોકસભાની ચૂંટણી પહેલાં વિપક્ષી એકતાનો સંઘ કાશીએ પહોંચશે ?

લોકસભા 2019ની ચૂંટણીની પહેલાંની સેમીફાઈનલ કહી શકાય તેવી પાંચ રાજ્યોની ચૂંટણીના નગારા વાગવા લાગ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીઓની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે. છત્તીસગઢમાં બે તબક્કમાં 12 અને 20 નવેમ્બરે, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે, રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડીસેમ્બરે મતદાન થવાનુ છે. જનાદેશ શું આવ્યો તેની ખબર 11મી ડીસેમ્બરે પડી જશે. હાલની સ્થિતિએ જોઈએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જેવા મહત્વના રાજ્યોમાં ભાજપની સરકાર છે, જ્યારે મિઝોરમમાં કોંગ્રેસની અને તેલંગાણામાં ટીઆરએસની સરકાર છે. બેઠકોની દ્રષ્ટિએ મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે, રાજસ્થાનમાં 200, તેલંગાણામાં 119, છત્તીસગઢમાં 90 અને મિઝોરમમાં 40 બેઠકો છે.

આ રાજ્યોના ચૂંટણી મેદાન પર નજર કરીએ તો જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ, ભાજપ, કોંગ્રેસ સહિત મોટા રાજકીય પક્ષોના સ્ટાર કેમ્પેઈનરો અને સ્થાનિક નેતાઓ સામાન્ય જનતા વચ્ચે ફરી રહ્યા છે. મતદારોને પ્રભાવિત કરવા માટે તથા લલચાવવા માટે જાત-જાતની તરકીબો અજમાવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં આદીવાસી અને ટીમરુના પાનના સંગ્રાહકોને જુતા-ચપ્પલ, સાડી અને પાણીની કુપ્પી વહેંચવામાં જ સરકારે 100 કરોડ ઉડાડી દીધા છે ! વિજળી બીલના દેવાદારોને મહિને ફિક્સ રૂપિયા 200 ના દરે વિજળી આપવાની જાહેરાત કરી છે, જેમાં સરકારી તિજોરીમાંથી રૂપિયા 5200 કરોડ ઓછા થઈ ગયા છે! રાજસ્થાનમાં વસુંધરા રાજે સરકારે 1 કરોડથી વધુ ગરીબ લોકોને મફતમાં મોબાઈલ ફોન આપવાની જાહેરાત કરી છે ! આમાં સરકારી તિજોરીમાંથી 1000 કરોડ જવાનો અંદાજ છે. ફોન માટે રૂ।. 500નો પહેલો હપ્તો ભામાશા યોજના હેઠળ મહિલા સરપંચોના ખાતામા જમા થશે અને ફોનના રીચાર્જીંગ પણ સરકાર જ કરાવશે !

આવું જ છત્તીસગઢમાં પણ ચાલી રહ્યું છે. રમણસિંહ સરકાર અંદાજે 55 લાખ લોકોને સ્માટ ફોન આપવાની છે, જેમાં 1632 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી સ્વાહા થઈ જશે. જીઓના સસ્તા સીમ તેનાથી પણ સસ્તા કરીને અપાશે. સંચારક્રાંતિ યોજના હેઠળ 21 લાખથી વધુ મહિલાઓને એન્ડ્રોઈડ ફોન અપાઈ ચૂક્યા છે અને બાકીની મહિલાઓ-યુવતીઓને હજુ આપવાનુ ચાલુ છે. તેલંગાણામાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પણ ખેરાત કરવામાં પાછા પડે તેમ નથી. તેમની સરકારે આ વર્ષ ચૂંટણીનુ વર્ષ હોવાથી શરૂઆતમાં જ 220 કરોડ રૂપિયાની સાડીઓ મફત વહેંચી દીધી છે અને બઠુકમ્મા ફેસ્ટિવલમા 96 લાખ સાડીઓ વહેંચવાની તૈયારી કરી દીધેલી, પરંતુ તેમના કમનસીબે ચૂંટણી પંચે હવે બ્રેક મારી દીધી છે. પરિણામે તેલંગાણા રાજ્યની તિજોરીના 280 કરોડ રૂપિયા બચી ગયા છે. ઉત્તર-પૂર્વ ભારતના મિઝોરમમાં મફત વસ્તુઓની લહાણી કરીને લોકોને લલચાવાનો આવો ટ્રેન્ડ હજુ પ્રારંભિક તબક્કામાં છે. આમ છતાં ત્યાં પણ સરકારની તિજોરીમાંથી ચૂંટણીના સમયમાં નાણાં વેડફાય છે તે હકીકત છે.

રાજકીય પક્ષોની આ થઈ લોકોને લલચાવવાની સ્ટ્રેટેજી. બીજી સ્ટ્રેટેજી અન્ય નાના-મોટા રાજકીય પક્ષોને પોતાની તરફ લલચાવીને ખેંચવાની, ન લલચાય તો બ્લેકમેઈલ કરવાની, પ્રેશર ટેકનિક અજમાવવાની, નેતાઓની ખરીદ-વેચાણ સંઘની માફક પક્ષપલ્ટાઓ કરાવવાની, સામ-દામ-દંડ-ભેદની નીતિ યેનકેન પ્રકારેણ અખત્યાર કરવાની, એ આજના ચૂંટણી જંગના રાજકારણની તાસીર છે. આમાં ક્યા રાજકીય પક્ષને અપવાદ ગણવો તે સમજવામાં લોકોને સફળતા મળી રહી નથી. પરિણામે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ ક્યો ?’ના બદલે મતદારોને સૌથી ઓછો ખરાબ વિકલ્પ ક્યો ?’માંથી જ પસંદગી કરવાની રહે તેવો ઘાટ છે. અલબત્ત રાજકીય પક્ષોમાં વ્યક્તિગત સ્તરે સારા ઉમેદવારોને શોધી કાઢવાનું કપરું કાર્ય હવે મતદારોના લલાટે લખાયું છે, એટલે કહી શકાય કે ચૂંટણીમાં નેતાઓ કે ઉમેદવારોની પરીક્ષાની સાથે સાથે મતદારોની પણ અઘરી પરીક્ષા થવાની છે.

હાલ દેશમાં જે પ્રકારે ભારતીય જનતા પક્ષનો પ્રભાવ વધતો રહ્યો છે તેની સામે વિપક્ષો સૌ એક બની તેનો સામનો કરવાનો વ્યૂહ ગોઠવવાની ફિરાકમાં છે. ભાજપના નિકટત્તમ પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના રાહુલ ગાંધી આજકાલ આક્રમક બની જે રીતે ચૂંટણી મેદાનમાં સભાઓ ગજાવી રહ્યા છે, તે જોતા લાગે છે કે કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને દેશભરમાં પથરાયેલા કોંગ્રેસીજનો, કાર્યકર્તાઓ તથા નેતાઓમાં રાહુલના નેતૃત્વનો સ્વીકાર સહજ બની રહ્યો છે. કોંગ્રેસનો વ્યૂહ પણ એવો જણાય છે કે એકવાર કોંગ્રેસમાં ચેતનાનો સંચાર થઈ જાય તો બીજા પક્ષો તેની સાથે જોડાવા સામેથી હાથ લંબાવશે, એ નિશ્ચિત છે. મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં કોંગ્રેસે માયાવતીના બહુજન સમાજવાદી પક્ષ સાથે જોડાણ અંગે ખાસ ઉમળકો ન દાખવતા માયાવતી ફુંગરાયા છે અને તેમણે જાહેરાત કરી દીધી છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં જો સંતોષકારક બેઠકો અંગે સમજૂતી ન થઈ શકવાની હોય તો અમે કોંગ્રેસ સામે ભીખ માંગવાને બદલે એકલા હાથે ચૂંટણી લડવાનું પસંદ કરીશું.

માયાવતીના આ નિવેદન પછી ભાજપ વિરૂદ્ધ ઓલ એવા મહાગઠબંધનની કવાયતને મોટો ફટકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે આ તો માયાવતી છે, તેમને પ્રેશર ટેકનીક બરાબર આવડે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં તેણે પોતાની આગવી સ્ટાઈલ અપનાવી છે. કર્ણાટકમાં જે રીતે તેમણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ્યારે મુખ્ય જંગ હતો ત્યારે જેડીએસ સાથે જોડાણ કરેલું અને તેના કારણે બંને મુખ્ય પક્ષો સત્તાથી દૂર રહ્યા અને ત્રિશંકુ પરિસ્થિતિ પેદા કરીને પોતાની નકારાત્મક વેલ્યુ સિદ્ધ કરેલી. હું તો ન ખાઉ, પણ બીજા કોઈનેય ન ખાવા દઉં જેવો અભિગમ મુખ્ય પક્ષોને અકળાવનારો સાબિત થતો હોય છે. કારણ કે તેમાં નાના પક્ષ કરતા મોટા પક્ષને ગુમાવવાનું વધારે હોય છે. કર્ણાટકમાં માયાવતીએ આવી રાજરમત રમીને પોતાનો પ્રસાર કર્યો છે અને અત્યારે કુમારસ્વામી સરકારમાં તેમનો એક માત્ર વિજેતા ઉમેદવાર મંત્રી પણ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ માયાવતીની બહુજન સમાજપાર્ટીએ કોંગ્રેસને પરેશાન કરેલી. વિજય હાથવેંતમાં હતો ત્યારે જ માયાવતીના કારણે કોંગ્રેસને 20 જેટલી બેઠકોમાં મોટો ફટકો પડ્યો હતો. જે 20 બેઠકો કોંગ્રેસને 2000 કરતા ઓછા મતોથી ગુમાવવી પડેલી તે તમામ બેઠકો ઉપર બહુજન સમાજપાર્ટીને 2000 કરતા વધુ મતો મળેલા. આનો અર્થ એ કે જો કોંગ્રેસે માયાવતી સાથે સમજૂતિ કરી હોત તો ગુજરાતમાં આજે કોંગ્રેસની સરકાર બની ચુકી હોત.

કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં પોતાનુ ખાસ જોર ન હોવાથી માયાવતી સાથે જોડાણ ઈચ્છે છે, પરંતુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં એટલા માટે જોડાણ ઈચ્છતી નથી કે તેને લાગે છે કે આ રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે અને માયાવતીના પક્ષનુ ખાસ વજૂદ નથી. કોંગ્રેસના આ વલણના કારણે છત્તીસગઢમાં માયાવતીએ અજીત જોગીની પાર્ટી સાથે જોડાણ કરી દીધુ છે. તે જાણે કે આનાથી પોતાના બહુજન સમાજ પક્ષને તો ખાસ લાભ થવાનો નથી, પરંતુ કોંગ્રેસને સારું એવું નુકસાન થઈ શકે છે ! રાજકારણમાં આવી કુટીલ રાજરમત એ હોંશિયારી ગણાય છે અને પોતાનાથી વધુ શક્તિશાળી સત્તાને નમાવવા માટે આવી ટેકનીક અજમાવાય છે.

કોંગ્રેસ માટે સમાજવાદી અને બહુજન સમાજપાર્ટીના સાથ વગર લોકસભા ચૂંટણીમાં આગળ વધવુ મુશ્કેલ પડી શકે છે કારણ કે કેન્દ્રમાં સત્તા મેળવવી હોય તો સૌથી વધુ મહત્વનું રાજ્ય ઉત્તરપ્રદેશ ગણાય છે. ગઈ લોકસભા ચૂંટણીમાં માયાવતીને એક પણ બેઠક ભલે નહોતી મળી પરંતુ તેના પક્ષને મળેલા મતોની ટકાવારીમાં ખાસ ઘટાડો થયો નહોતો. લોકસભાની ચૂંટણીમાં માયાવતીના પક્ષને 21% મત મળેલા અને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ 21% મત મળેલા. ભારતીય જનતા પક્ષનો વાવટો ઉત્તરપ્રદેશમાં લહેરાયા પછી પેટાચૂંટણીમાં માયાવતીએ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી સાથે સમજૂતી કરતા ભાજપને આસાનીથી પરાજીત કરી દીધાનો ઈતિહાસ હજુ તાજો જ છે. આમ વિશાળ વોટબેંક ઉપર માયાવતીનો કબજો જે રીતે છે તે જોતા કોંગ્રેસ હોય કે ભાજપ, તેને માયાવતીના સાથથી ઘણો મોટો ફરક પડી શકે છે.

બીજી તરફ એક મહાગઠબંધનની પ્રક્રિયા ચાલુ છે, જેમાં મમતા બેનર્જીની મહત્વાકાંક્ષા મહિલા નેતૃત્વ પુરુ પાડવાની છે પરંતુ તેમાં પણ ઘણી અડચણો છે. શરદ પવારનુ રાજકારણ હંમેશા રહસ્યમય રહ્યું છે. તારીક અનવર કોંગ્રેસ તરફ સરક્યા છે તો પવાર રાફેલ મુદ્દે વડાપ્રધાનને ક્લીન ચીટ આપી ચૂક્યા છે. લાલુ યાદવ જેલમાં છે અને તેના પુત્ર તેજસ્વી યાદવ હજુ નવા-સવા છે. તામિલનાડુ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો તથા બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના મોટા ભાગના રાજ્યોમાં વત્તે-ઓછે અંશે પ્રભાવ ધરાવતા પ્રાદેશિક પક્ષો પણ હજુ સુધી એક મતે એક પ્લેટફોર્મ પર આવી ગયા હોવાનો ભાસ થતો નથી, ત્યારે એવું લાગે છે કે કર્ણાટકમાં કુમારસ્વામીની શપથવિધી સમયે વિપક્ષી એકતાનો જે સિનારીયો જોવા મળેલો તેમાં ગાબડાઓ પડવા લાગ્યા છે.

જો કે સામે પક્ષે ભારતીય જનતા પક્ષ માટે પણ રોજે રોજ જુદા-જુદા પ્રકારના આંતરિક તેમજ બાહ્ય પડકારો સામે આવી રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણીના સમીકરણો કેવા ઘડાય છે તેમાં આ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઘણો મહત્વનો ભાગ ભજવશે અને વિપક્ષી એકતાનો સંઘ કાશીએ પહોંચશે કે નહીં તે પણ ત્યાર પછી જ નક્કી થશે.

0Shares