- VICHAR BANK

એસ-400 મિસાઈલ સીસ્ટમથી ભારતે આપ્યો અમેરીકાને આંચકો

      અમેરીકા એક એવો દેશ છે જે હંમેશા ઈચ્છે છે કે જગતનાં બધા દેશો પર તેનુ પ્રભુત્વ રહે, પરંતુ તે દર વખતે શક્ય હોતુ નથી. નબળા દેશો અને તેના જ પીઠુ હોય તેવા દેશો પર તો તેનુ વર્ચસ્વ કાયમ રહે તે સ્વાભાવિક છે, પરંતુ ‘ભારત એ કેટેગરીમાં હરગીઝ નથી અને ન હોઈ શકે’. તેવો  મજબૂત સંદેશ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજધાની દિલ્હીમાં યોજાયેલી 19મી ભારત-રશિયા વાર્ષિક દ્રિપક્ષીય બેઠકમાં રશિયાના પ્રમુખ બ્લાદિમીર પુતિનની  ઉપસ્થિતિમાં એસ-400 મિસાઈલ સીસ્ટમ માટે રૂ।. 40,000 કરોડનો સમજૂતિ કરાર કરીને મક્કમ રીતે આપી દીધો છે. ઈરાનમાંથી ક્રુડ ઓઈલ નહિ ખરીદવા માટે ભારત પર દબાણ કર્યા પછી ભારત સરકાર તેની સામે ઝૂકી હોવાથી ઉભી થયેલી છાપમાંથી ઝડપથી બહાર નીકળી જઈને ભારતે અમેરીકાને તેની મર્યાદા નહિં ઓળંગવાનો જે સંદેશ પાઠવ્યો છે, તેનાં આંતરાષ્ટ્રિય પ્રત્યાઘાતો પડ્યા છે. ભારતની શાખ વધી છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંમત, રાષ્ટ્રનું સ્વાભિમાન અને સામર્થ્ય અંગેનો આત્મવિશ્વાસ તથા લોલમલોલ ઢીલી ઢીલી નીતિ-રીતિથી દૂર એવી સ્પષ્ટ કાર્યશૈલીનો એક સંદેશ જે રીતે અમેરીકા પહોંચ્યો છે તેનાંથી રશિયા સાથે છેલ્લા થોડા સમયથી વધી રહેલી દૂરી અને અવિશ્વાસના વાતાવરણમાં તો સુધારો થયો જ છે, પરંતુ તેની સાથે ચીન પણ આડકતરી રીતે દબાણમાં આવ્યુ છે. ચીન અને અમેરીકા સ્પષ્ટ રીતે સામ સામે છે, તેથી ચીન ઈચ્છે કે ભારત અમેરીકાનું જ મિત્ર હોય તો સંવેદનશીલ મુદ્દાઓ મામલે રશિયાનો સાથ ચીનને મળે અને ખાસ કરીને એશિયા ખંડને લગતી વ્યૂહાત્મક બાબતોમાં ભારતને એકલુ પાડી શકાય. હવે રશિયા સાથે થયેલ કરાર પછી ચીને પણ સમસમીને ખામોશ બનીને જોયા સિવાય બીજુ કરવાનું રહેતુ નથી, તે બાબત ઉભરીને આવી છે. 

એસ-400 એ એક સાથે વધુ મિસાઈલ છોડી શકે તેવી સીસ્ટમ છે. સરહદી વિસ્તારમાં તેને ગોઠવવામાં આવે છે. યુધ્ધના સમયે જ્યારે દુશ્મન દેશ તરફથી કોઈ ફાઈટર વિમાન આવતુ હોય કે મિસાઈલ આવતી હોય ત્યારે આ એસ-400 મિસાઈલ સીસ્ટમ તેના ભાથામાંથી એક પછી એક મિસાઈલ છોડે છે. તે એક સાથે 36 લક્ષ્ય વીંધી શકે છે, જે યુધ્ધના મેદાનમાં અતિ ખતરનાક સાબિત થાય છે. આના કારણે દુશ્મન દેશે એસ-400 થી થરથર કાંપવાની નોબત આવે છે. 

એસ-400 સીસ્ટમ હેઠળ એક સાથે 72 મિસાઈલ્સને એક સાથે રવાના કરી શકાય છે. યુધ્ધ સમયે ચારેબાજુ હાહાકાર મચેલો હોય છે. આવા સમયે પ્રહાર કરવાના સ્થળોની સંખ્યા વધુ અને પ્રાથમિકતા બધે જ તીવ્ર અને સરખી હોય છે, ત્યારે એસ-400 સિસ્ટમમાંથી ધનાધન છૂટતી મિસાઈલો દુશ્મન કેમ્પમાં અંધાધૂંધી સર્જે છે અને પોતાનાં દેશને ઘણો લાભ કરાવી આપે છે. ભારતને આ સિસ્ટમ મળતા લગભગ 24 મહિના જેટલો સમય લાગશે, પરંતુ  કરાર પછી ભારતીય સૈન્યની ત્રણેય પાંખોમાં વધુ ચેતનાનો સંચાર થયો હોય તે સમજાય તેમ છે.

એસ-400 મિસાઈલ સીસ્ટમ રશિયાની મોસ્ટ એડવાન્સ સીસ્ટમ માનવામાં આવે છે. ચીન આ પ્રકારની સીસ્ટમ રશિયા પાસેથી ખરીદનારો પ્રથમ દેશ હતો. હવે ભારત પણ તેની બરોબરી કરી રહ્યું છે તે મહત્વની બાબત છે. ભારતની પુતિનની મુલાકાત દરમિયાન સંયુક્ત પત્રકાર પરિષદને પણ વડાપ્રધાને નરેન્દ્ર મોદી અને પુતિને સંબોધી હતી. આ વખતે બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં આઠ કરારો કરવામાં આવ્યા, જેમાં એસ-400 એર ડીફેન્સ મિસાઈલ સીસ્ટમની ખરીદી, માનવ સંસાધનને લઈને પ્રાકૃતિક સંસાધનનો  વિકાસ, સૌર ઉર્જા અને પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્વક ઉપયોગ, વ્યાપાર અને મૂડીરોકાણ અંગે સહકાર, રેલવેનો વિકાસ, ભારતની સંસ્થા ઈસરો અને રશિયાની સ્પેશ એજન્સી વચ્ચે ગગનયાન અંગે સમજૂતિ, ટેકનોલોજીની મદદથી વાઘોનુ રક્ષણ અને આતંકવાદ તથા ડ્રગ્સ સામે સંયુક્ત જંગ માટેના કરારો થયા છે. આતંકવાદ સામે જંગની બાબતમાં હવે ભારત તથા રશિયા એકબીજાને આતંકવાદીઓની ગુપ્ત માહિતી આપશે, જેથી બંને દેશોને સુરક્ષા મામલે લાભ થશે. 

બ્લાદિમીર પુતિન દુનિયાનાં મુસ્રદ્દી રાજપુરૂષોમાં ટોચે હોવાનું સમજાય છે તેમની રાજનીતિ, માત્ર ઘરઆંગણે જ નહિ, પરંતુ આંતરરાષ્ટ્રિય સ્તરે પણ કામિયાબ રહી છે. પુતિને ભારત આંગણે આવીને કહ્યું છે કે અમે ભારત સાથે વ્યાપાર અને સંરક્ષણ ક્ષેત્રે સાથે મળીને કાર્ય કરીશું. એક અંદાજ પ્રમાણે આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે 30 બીલીયન ડોલર સુધીનો વ્યાપાર થશે. રશિયા સાથેના કરારથી ભારતને ગેસ ઉત્પાદનમાં પણ સવલતો સસ્તા ભાવે મળવાની આશા જાગી છે. પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્લાદિવોસ્તોક ફોરમાં મહેમાન બનવા પણ આમંત્રણ આપીને ભારત-રૂસની જૂની મૈત્રીને આગળ વધારવા તથા નવી ઉંચાઈએ લઈ જવા રશિયા સંકલ્પિત છે, તેનો અહેસાસ કરાવ્યો હતો. 

રશિયા અને ભારત વચ્ચે એસ-400 મિસાઈલ સીસ્ટમના કરાર બાદ અમેરીકાએ પોતાના અગાઉના વલણમાં પલટી મારીને એક નિવેદન જારી કરી કહી દીધુ કે “રશિયા પર સંરક્ષણ ક્ષેત્રે જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા, તેનો હેતુ રશિયાનાં મિત્ર દેશો કે બિઝનેસ પાર્ટનર દેશોને નુકશાન પહોંચાડવાનો નહોતો. અમારો મૂળ હેતુ રશિયાની અંદર આવી ગયેલા ઘમંડને ઉતારવાનો હતો. અમે ઈચ્છીએ છીએ કે રશિયાને સંરક્ષણ ક્ષેત્રે આવક ઓછી થવી જોઈએ અને અન્ય દેશોએ એમાં સહકારઆપવો જોઈએ !”

અમેરીકાનો સૂર બદલાયો છે તે મજબૂરીના કારણે છે. ભારત આ ઉપરાંત ચાર નવેમ્બરથી અમેરીકાના પ્રતિબંધો અમલી બનવા છતાં ઈરાન પાસેથી 90 લાખ બેરલ ઓઈલ ખરીદવાનું છે. આવુ ઓઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવુ છે અને સાચુ એટલા માટે લાગે છે કે વ્હાઈટ હાઉસના એક તાજેતરનાં નિવેદનમાં કહેવાયુ છે કે ભારત જેવા દેશો માટે ઈરાનનાં ઓઈલનો વિકલ્પ શોધવા માટે અમેરીકા તનતોડ પ્રયત્નો કરી રહ્યું છે. અલબત્ત ભારત ગમે તેમ કરીને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલની આયાત બંધ કરે તે માટે અમેરીકા ભારતને ગમે તે હદે સહકાર આપવા કે મદદ કરવા ઉત્સુક છે. 

આમ ભારત હવે અમેરીકા તથા રશિયા એમ બંને દેશો માટે અત્યંત મહત્વનો દેશ બની રહ્યો છે. સામાન્ય રીતે સંરક્ષણ સોદાઓ હોય કે અન્ય વિદેશી બાબતો હોય, ભારતીય સૈન્યની દાયકાઓથી પરંપરા રહી છે કે તે જાહેરમાં કે મીડિયામાં નિવેદનો કરવાથી દૂર રહે છે. આ પરંપરા ઘણી મહત્વની પણ છે કારણ કે નાગરિક શાસનમાં સલામતિના સંદર્ભમાં સૈન્યની સત્તાકાંક્ષા ન વધે તે સૈધ્ધાંતિક રીતે સલાહભર્યુ છે અને ભારતમાં આજ સુધી તેનું પાલન પણ થતુ જોવા મળ્યુ છે, તે ભારતનું સદ્દભાગ્ય છે. જો કે ભારતીય લશ્કરના વર્તમાન વડા બિપિન રાવત કદાચ જુદા રસ્તે ચાલી રહ્યા હોય તેવુ જણાય છે. તેમનાં નિવેદનો આવાર-નવાર મીડિયામાં જોવા સાંભળવા મળે છે. રશિયા સાથે સંરક્ષણ સોદા બદલ અમેરીકા પ્રતિબંધની આશંકાઓ વચ્ચે એમણે કહ્યું છે કે ‘ભારત રશિયા પાસેથી હજુ કામોવ હેલીકોપ્ટર, અન્ય શસ્ત્ર પ્રણાલિ અને ટેકનીક ખરીદવાનું છે. સંરક્ષણ ખરીદીમાં આપણી સ્વતંત્ર નીતિ છે. રશિયા ભારતીય સૈન્ય સાથે સહયોગ વધારવા ઈચ્છે છે કારણ કે તેને ખબર છે કે ભારતીય સૈન્ય મજબૂત છે’.

આમ રશિયા-ભારત વચ્ચે એક નવા અધ્યાયની મજબૂત શરૂઆત થઈ ચૂકી છે, જે આવનારા સમયમાં ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે ભારતને વધુ મજબૂત બનાવશે તેવી આશા રાખી શકાય. હા, અહિયા પણ રીલાયન્સ ડીફેન્સની હાજરી છે ત્યારે રાફેલનો પડછાયો અહિયા કેટલી અસર કરે છે તે પણ જોવુ રહ્યું. કુલ મળીને એસ-400 મિસાઈલ ડીફેન્સ સીસ્ટમ માટે ભારતના રશિયા સાથેના કરારથી વિશ્વના જગતકાજી બની રહેવા મથતા અમેરીકાને જે આંચકો લાગ્યો છે, તેનાથી પણ  ભારતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. 
 

0Shares