- VICHAR BANK

સુપ્રીમકોર્ટની સક્રિયતા પછી વિવાદો વધશે કે ઘટશે ?

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દિપક મિશ્રા હવે નિવૃત થઈ ગયા છે. સુપ્રીમકોર્ટના ઈતિહાસમાં કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યા હોય તેવા આ ન્યાયાધીશે જતા જતા મહત્વના કેટલાક કેસોનો નિકાલ એ રીતે કર્યો છે જેમાં રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય અખબારોના મથાળે તેમના સમાચારોને સ્થાન મળ્યુ છે. દિપક મિશ્રા ભારતના 45માં મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે 29 ઓગસ્ટ 2017ના રોજ ચાર્જ સંભાળેલો. તેમની અગાઉ જસ્ટીસ કેહરના ફાળે માત્ર 7 મહિનાનો સમય આવેલો પરંતુ દિપક મિશ્રા એક વર્ષ કરતા વધારે સમય સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન વધારેમાં વધારે બંધારણીય બેંચ સાથે રહીને જનસામાન્યને સ્પર્શતા મહત્વના ઘણાં કિસ્સાઓમાં તેઓએ સુનાવણી કરીને લાંબા સમય સુધી પડતર રહ્યા હોય તેવા જટીલ કેસો પર પણ ચૂકાદાઓ આપ્યા છે.

છેલ્લા એક મહિનાના સમયગાળા દરમિયાન જ સનસનાટી ફેલાવે તેવા ચૂકાદાઓમાં સમલૈંગિક સંબંધોને માન્યતા, લગ્નેત્તર સંબંધને સ્વીકૃતિ , સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશની છૂટ, અયોધ્યા રામ મંદિર કેસમાં આસ્થાનો મુદ્દાનો અસ્વીકાર અને આધાર કાર્ડની સર્વત્ર અનિવાર્યતા સામે રૂક-જાવ જેવા આદેશો આપીને દેશના વાતાવરણમાં અનેક રીતે ગરમાટો લાવી દીધો છે. કેટલીક સ્પષ્ટતાઓ થઈ છે તો કેટલીક ગૂંચવણો વધી છે. વિવાદો ઘટવાને બદલે વધ્યા હોવાના એંધાણ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. સમલૈંગિકતાને લગતી કલમ 377માં અકુદરતી સેક્સ સંબંધોને ગુનો ગણવામાં આવેલ, જેમાં 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ હતી.  આ કાયદો 1861નો અંગ્રેજોનો કાયદો હતો તેને સુપ્રીમકોર્ટે દૂર કરી દઈને સમલૈંગિક સંબંધોને કાયદેસર ઠરાવી દીધો છે. સેક્સને લગતો બીજો એક કાયદો જે એડલ્ટરી લૉ થી ઓળખાય છે તે આઈપીસીની કલમ-497ને સુપ્રીમકોર્ટે ગેરબંધારણીય ગણાવી દીધી છે. પાંચ જજની બંધારણીય બેંચે જે ચૂકાદો આપ્યો તેમાં કોઈ પરિણીત મહિલા કે પુરૂષ પોતાના પાર્ટનર ઉપરાંત અન્ય કોઈ સાથે સંબંધ બનાવે તો તે હવે ગુનો નહિં ગણાય. પહેલા માત્ર પુરૂષ પર કેસ ચાલતો હતો અને મહિલાને માત્ર પીડિતા માનવામાં આવતી હતી. હવે કોર્ટે લગ્નેત્તર સંબંધને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. સુપ્રીમકોર્ટના આ ચૂકાદાના ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે. ભારતીય સમાજની વિશિષ્ટતા અને આધારશીલા કહી શકાય તેવી લગ્નસંસ્થાના પાયા આ ચૂકાદાના કારણે હચમચી ઉઠ્યા છે અને ભવિષ્યમાં તેના ગંભીર પરિણામો આવવાની ચર્ચાએ સમગ્ર દેશમા જોર પકડ્યું છે. લગ્નની પવિત્રતાની વિરૂધ્ધ એવા આ ચૂકાદા સામે દેશભરની મહિલા સંસ્થાઓમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમિનના વડા અસાઉદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી હતી કે, સમલૈંગિકતા ગુનો નથી. વ્યભિચાર ગુનો નથી તો પછી ટ્રિપલ તલાક કેવી રીતે ગુનો હોઈ શકે ? ટ્રિપલ તલાકનો ચૂકાદો પણ મહિલા વિરોધી છે અને એ પણ સમાનતાના અધિકારનો ભંગ કરે છે.  ભારતીય સંસ્કૃતિ મુજબ જોઈએ તો વ્યભિચારને કાયદેસર બનાવી દેવાથી મહિલાના સન્માનની રક્ષા તો નથી જ થતી, પરંતુ સલામતી પણ નથી રહેતી. પતિ-પત્નિ વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ ઉપર કુઠરાઘાત કહી શકાય તેવા આ ચૂકાદાને કાયદેસર કહેવા કરતા અનૈતિક કહેવો વધુ યોગ્ય છે. આ વિષય પર લાંબી ચર્ચા થઈ શકે તેમ છે અને સંભવત: કાયદાના સ્તરે પણ આની સામે પ્રશ્નાર્થો ઉઠવાની શક્યતાઓ વધારે છે.

આ ઉપરાંત કેરળના સબરીમાલા ખાતેના ભગવાન ઐયપ્પા મંદિરમાં હવે દરેક વય જૂથની મહિલાઓ પ્રવેશી શકશે અને પૂજા પણ કરી શકશે. આ અગાઉ દસ થી પચાસ વર્ષની મહિલાઓ માટે આ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. સદીઓ જૂની આ પ્રથા માટે કેરળમાં 1965માં બનેલા હિન્દુ પૂજા સ્થળ (પ્રવેશ અધિકાર) કાયદાના નિયમ-3 બીને પણ અદાલતે રદ્દ કરી દીધો છે. આ કેસમાં પાંચ જજોની બંધારણીય બેંચના ચાર પુરૂષ ન્યાયાધીશોએ મહિલાઓની તરફેણમાં ચૂકાદો આપ્યો પરંતુ એક મહિલા જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ વિરૂધ્ધમાં મત આપ્યો હતો. તેમનુ કહેવુ હતુ કે ધર્મ નિરપેક્ષતાનો માહોલ કાયમ રાખવા માટે કોર્ટે ગહન ધાર્મિક અર્થો સાથે સંકળાયેલા મુદ્દાઓને છેડવા જોઈએ નહિં.

એક અન્ય મહત્વના ચૂકાદામાં સુપ્રીમકોર્ટની પાંચ ન્યાયાધીશની બંધારણીય બેંચે આધાર એક્ટ-2016માં કેટલાક સુધારા કર્યા બાદ તેને માન્યતા આપી છે. કોર્ટે પાન અને આઈ-ટી રીટર્નને આધાર સાથે જોડવાના સરકારના નિર્ણયને યોગ્ય ઠરાવ્યો હતો, પરંતુ બેંકખાતા, મોબાઈલ નંબર અને શાળામાં પ્રવેશ માટે આધારની જરૂરીયાત નથી તેવુ નિર્ધારીત કરીને આધાર બાબતે જાગેલા વિવાદો પર દિશા દર્શન કર્યુ હતુ.

આ ઉપરાંત અયોધ્યા રામ જન્મભૂમિ મામલે ચાલી રહેલા કેસોમાં મહત્વની સ્પષ્ટતા કરી હતી કે મસ્જીદમાં નમાઝ પઢવી તે ઈસ્લામનુ અભિન્ન અંગ નથી. હવે બાબરી મસ્જીદ ધ્વંસના કેસમા જમીનના ટાઈટલ અંગે જ સુનાવણી થશે. આના કારણે હિન્દુ-મુસ્લિમ બંને પક્ષે જે રીતે આસ્થા કેન્દ્ર સ્થાને છે તેના પર સવાલો ઉઠ્યા છે. આમ સુપ્રીમકોર્ટમાંથી વિદાય લેતા મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની સક્રિયતા દેશમાં પ્રવર્તતા વિવાદોને વધારશે કે ઘટાડશે તે જોવુ રહ્યું.

 

0Shares