- વિચારબેંક

રાફેલ સોદો દેશ અને સરકાર બંનેને મોંઘો પડી રહ્યો છે ?

માત્ર ભારતમાં નહિં, આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પણ વર્ષ-2015માં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલો રાફેલ લડાકુ વિમાનોનો સોદો વિવાદાસ્પદ બની ગયો છે. ઘરઆંગણે કેન્દ્ર સરકાર દિવસે દિવસે રક્ષણાત્મક સ્થિતિમાં આવતી જાય છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હવે શબ્દો ચોર્યા વગર આક્રમક શાબ્દિક પ્રહારો કરવા લાગ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના રણદીપ સૂરજેવાલા તથા આનંદ શર્મા જેવા નેતાઓ આધારભૂત માહિતી સાથે તર્કબદ્ધ આક્ષેપો કરીને લગભગ રોજ નવા-નવા તથ્યો લોકો સમક્ષ લાવી સનસનાટી ફેલાવી રહ્યા છે. સરકાર પક્ષે અરૂણ જેટલી, પિયુષ ગોયેલ, રવિશંકર પ્રસાદ અને નિર્મલા સીતારમણ જેવા આજ સુધી ધુરંધર ગણાતા મંત્રીઓ પણ રાફેલ મામલે  વિરોધ પક્ષના આક્ષેપો સામે સંતોષકારક બચાવ કરી શક્યા નથી. વર્ષ-2015માં જ્યારે આ સોદો થયેલો તે સમયે ભારત સરકારમાં સંરક્ષણ મંત્રી તરીકે મનોહર પારીકર હતા, પરંતુ આજે તેઓ ગોવાના મુખ્યપ્રધાન છે અને તેઓનું સ્વાસ્થય ચિંતાજનક સ્થિતિમાં હોવાથી આ બાબતે તેમનુ કહેવું શું છે તે જાણવા કોઈ પ્રયત્ન કરી શકાય તેમ નથી. ટીવી ચેનલોમાં જે ચર્ચાઓ થઈ રહી છે, તેમાં મોટાભાગે વાહિયાત સ્તરની દલીલો સાંભળીને સમજાય છે કે રાફેલ મુદ્દો હવે બોફોર્સના રસ્તે છે. વિપક્ષોની વાત હવે સંરક્ષણ મંત્રીના રાજીનામાં અને સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવા સુધી પહોંચી છે, જ્યારે કેન્દ્ર સરકાર વડાપ્રધાનનાં મૌનને અનુસરી રહી છે!

સવાલ એ છે કે શા માટે રાફેલ સોદામાં આટલી બધી બબાલ મચી રહી છે. ક્યા કારણો એવા છે જે ભારતને નુકસાનકર્તા છે ? કઈ બાબતો એવી છે જેમાં ભારત સરકારે કાયદાકીય પ્રક્રિયાઓ વિરૂધ્ધ જઈને નિર્ણયો કર્યા છે ? આ ઉપરાંત તે નિર્ણયોની દૂરગામી અસર ભારત પર કેવી પડી શકે છે ? કિંમતની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ, એમ બંને રીતે આ સોદો જો મોંઘો સાબિત થાય તેવો હોય તો શા માટે સરકારે આ રીતે, આ દિશામાં આગળ વધવા નિર્ધાર્યું ? કેટલીક વિગતો સમજવા જેવી છે. 

રાફેલ જેટ ફાઈટર વિમાનની ખૂબીઓ પણ ઘણી છે અને મર્યાદાઓ પણ છે, પરંતુ જે રીતે વિવાદ ઉઠ્યો છે તે જોતા એવું પણ લાગે છે કે આમાં ટેકનિકલ અને નાણાંકીય બાબતોની સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે સક્રિય એવી અત્યંત શક્તિશાળી આંતરરાષ્ટ્રિય લોબી, સંરક્ષણ દલાલો અને શસ્ત્ર ઉત્પાદન કરતી મહાકાય કંપનીઓ વચ્ચેની ગળાકાપ વ્યાપારી સ્પર્ધા પણ કારણભૂત હોઈ શકે છે, જે ભૂતકાળમાં બોફોર્સ તોપના સોદામાં જોવા મળ્યુ હતુ. રાફેલના કિસ્સામાં ભારત સરકારે જ્યારે વર્ષ-2015માં આગળ વધવાનો નિર્ણય જાહેર કરેલો ત્યારે જ ભારતીજ જનતા પક્ષના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને વિમાનની ખરીદીમાં આગળ ન વધવા ચેતવણી આપી દીધેલી અને વડાપ્રધાન ન માને તો મામલો અદાલતમાં લઈ જવા સુધીની ચીમકી ઉચ્ચારેલી, પરંતુ ત્યારબાદ તેઓની આક્રમકતા પણ અકળ કારણોસર હવાઈ ગઈ છે. તે સમયે વડાપ્રધાને ફ્રાન્સમાં જે અધિકૃત નિવેદન કરેલું તેને યાદ કરીએ તો તેમાં તેઓએ જણાવેલું કે ‘આ ખરીદી ભારત અને ફ્રાન્સની સરકારો વચ્ચે એક અલગ પ્રક્રિયા હેઠળ કેટલીક શરતોનાં ફેરફાર પછી શક્ય એટલી ઝડપથી અમલમાં લાવવામાં આવશે’!  આ ‘અલગ પ્રક્રિયા’ અને સમજૂતિ થઈ ગયા બાદ ‘કેટલીક શરતોના ફેરફાર પછી શક્ય એટલી ઝડપથી અમલમાં લાવવામાં આવશે’ એ આ સમગ્ર વિવાદનું મૂળ છે. 

આ સમજૂતિ બાદ ત્રણ વર્ષે ભારતમાં ખળભળાટ મચાવી રહેલા રાફેલ વિવાદ અંગે ફ્રાન્સના તત્કાલિન પ્રમુખ ફ્રાન્સુઆ ઓલાંદેએ ધડાકો કરીને ઘટસ્ફોટ કર્યો છે કે રાફેલ સોદા માટે ભારત સરકારે અનિલ અંબાણીની કંપની રીલાયન્સ ડીફેન્સનું નામ સૂચવ્યુ હતું. ભારત સરકાર ઈચ્છતી હતી કે અનિલ અંબાણીની કંપનીને રાફેલના ઉત્પાદનનું કામ સોંપવામાં આવે. ભારત સરકારનું કહેવું છે કે તેણે ફ્રાન્સની સરકારને કોઈ ભલામણ કરી નથી. આ મામલો બે કંપનીઓ વચ્ચેનો આંતરીક મામલો હતો, જેમાં ફ્રાન્સની કંપની દાસોલ્ટ અને અનિલ અંબાણીની કંપનીએ પોતાની રીતે વાતચીત કરીને આ કોન્ટ્રાક્ટ માટે કરાર કર્યા છે. અનિલ અંબાણીની કંપનીની સ્થાપના રાફેલ સોદો થયો તેના થોડા દિવસ પહેલાં જ કરવામાં આવી હતી. આમ સંરક્ષણ શસ્ત્રોના ઉત્પાદનમાં તેને કોઈ અનુભવ ન હોવાથી તેની સીધી અસર ભારતની સંરક્ષણ બાબતો પર થાય તે ચિંતા અવગણવા જેવી ન હોવાથી વિપક્ષોએ તેને ગંભીરતાપૂર્વક લીધી છે. આ ઉપરાંત ભારતની સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડ કે જે આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે તેને કોન્ટ્રાક્ટ આપવાને બદલે મોદી સરકારે રીલાયન્સને કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેમાં અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે 500 કરોડનું રાફેલ વિમાન 1600 કરોડમાં ખરીદવાનું નક્કી કરીને સરકારે મોટુ કૌભાંડ આચર્યું છે, તેઓ વિપક્ષનો આરોપ છે.
ફ્રાન્સના તે સમયના પ્રમુખ ઓલાંદે પણ જો કે તેમના દેશમાં મૂડીવાદી હોવાના આક્ષેપનો સામનો કરી રહ્યા છે. તેઓ જ્યારે ભારત આવેલા ત્યારે અનિલ અંબાણીની રીલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ઓલાંદેની પાર્ટનર અભિનેત્રી જુલી ગયેટ સાથે કરાર થયેલા. આ કરાર એક ફિલ્મ બનાવવા માટે થયેલા જેના કારણે તેઓ ફ્રાન્સમાં મૂડીપતિઓ માટે કામ કરી રહ્યા હોવાના આક્ષેપો થયેલા. 

રાફેલ લડાકુ વિમાન ફ્રાન્સની દાસોલ્ટ એવિએશન કંપની બનાવે છે. ચીન અને પાકિસ્તાન સામે સંરક્ષણ માટે ભારતને તેની જરૂર 2001ની સાલથી હતી. રાફેલ લડાકુ વિમાન બ્રહ્મોસ જેવી 6 સુપરસોનિક ક્રુઝ મિસાઈલ એક સાથે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. આકાશમાંથી આકાશમાં અને આકાશથી જમીન પર એવા પ્રકારના હુમલાઓ માટે તે સક્ષમ છે. જમીનથી ખૂબ નજીક એટલે કે બેહદ ઓછી ઉંચાઈએ ઉડીને તે હવામાં મિસાઈલનો પ્રહાર કરી શકે છે. તે તેની વિશિષ્ટતા છે.

તેની ઝડપ પ્રતિ કલાક 2130 કિલોમીટર સુધીની છે અને 36000થી 55000 ફુટ સુધીની ઉંચાઈએ ઉડી શકે છે. આ વિમાનો 1312 ફુટના સાવ નાના રન-વે પરથી માત્ર 1 મીનીટમાં આટલી ઉંચાઈએ પહોંચી જઈ શકે છે. વિમાનમાં ઓક્સિજન જનરેશન સિસ્ટમ હોવાથી તેમાં પ્રવાહી ઓક્સિજન ભરવાની જરૂર પડતી નથી. પ્રહાર માટે પોતાના લક્ષ્યને તે ઈલેક્ટ્રોનિક સ્કેનિંગ રડારથી થ્રીડી મેંપીંગ કરીને સમયસર શોધી લે છે. આ વિમાન એક સાથે 3700 કિલોમીટર સુધી સતત ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે. આનો અર્થ એ કે, જો આ વિમાનોની એક ટૂકડી તેનુ મિશન પાર પાડવા માટે નિકળે તો આખુ પાકિસ્તાન અને બૈજીંગ સહિત અડધુ ચીન એની હદમાં આવી જાય. રાફેલ 5000 કિલોગ્રામ વજન સુધીના બોમ્બ કે મિસાઈલ ઉંચકીને આકાશમાં સતત 10 કલાક સુધી ઊડી શકે છે. એની વિશેષતા એ છે કે, તે એરબસની સાથે કોઈપણ એરક્રાફ્ટ કેરિયરથી ઊડી શકે છે. સૈન્યમાં જમીન પરનાં થાણાં કે વિમાનવાહક જહાજ પરથી પણ ઉડાણ ભરી શકે છે. ભારત માટે આ બાબત એટલા માટે મહત્વની છે કે, આપણા નૌકાદળ પાસે બે વિમાનવાહક જહાજ છે. રાફેલને તેના પર તૈનાત કરી શકાય તેમ છે. 
ભારતને રાફેલ લડાકુ વિમાનોની જરૂર શા માટે પડી તે પણ સમજવા જેવું છે. 1990ના દસકામાં ભારતની આર્થિક સ્થિતિ કંગાળ જેવી હોવાથી તે સમયે નવા લડાકુ વિમાનો ખરીદવાની તેની સ્થિતિ નહોતી. આથી તે સમયે આપણે મીગ-21, મીગ-27, મીરાઝ અને જગુઆર જેવાં વિમાનોના અપગ્રેડેશનથી જ કામ ચલાવી લેવું પડેલું. છેલ્લે 1996માં સુખોઈ-30 વિમાનો ભારતે ખરીદેલા છે. 2007માં તત્કાલીન કેન્દ્ર સરકારે મલ્ટિરોલ નવા લડાકુ વિમાનો ખરીદવા માટે ટેન્ડર બહાર પાડેલાં.

અમેરિકાએ એફ-16, એફએ-18, રશિયાએ મીગ-35, સ્વીડને ગ્રીપીન, ફ્રાન્સે રાફેલ અને યુરોપિયન સંઘે યુરોફાઈટર ટાઈફન વેચવા માટે ટેન્ડરો ભરેલાં. 27 એપ્રિલ, 2011ના રોજ અંતિમ સ્પર્ધામાં યુરોફાઈટર અને રાફેલ જ રહ્યાં હતાં. 31 જાન્યઆરી, 2012ના રોજ ઓછી બોલી લગાવવા માટે અને ભારતની જરૂરિયાતો અનુસારનાં માપદંડો મુજબ રાફેલની પસંદગી થઈ હતી, પરંતુ ત્યારબાદ એક યા બીજા કારણોસર આ મામલો આગળ વધ્યો ન હતો. 

હવે રાફેલ સોદો જ્યારે વિવાદમાં સપડાયો છે ત્યારે તે ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ છે, આમછતાં આંતરરાષ્ટ્રિય સરહદોની રક્ષા કરવા માટે જરૂરી પગલાંઓ સમયસર લેવાય અને સશસ્ત્ર સોદાઓમાં ટેકનીકલ બાબતો સાથે સમાધાન કર્યા સિવાય ભ્રષ્ટાચારવિહિન સોદાઓ થાય તેવું ભારતની પ્રજા ઈચ્છે છે એ ધ્યાને રાખવુ રહ્યું. અત્યારનું ચિત્ર જોતા તો એવું લાગી રહ્યું છે કે ફ્રાન્સ સરકાર સાથે ભારત સરકારના રાફેલ લડાકુ વિમાનનો સોદો દેશ અને સરકાર, એમ બંનેને મોંઘો પડી રહ્યો છે.   

0Shares