- વિચારબેંક

સંસદમાં જેટલી-માલ્યાની મુલાકાતના સંયોગ-વિયોગનો વિવાદ

-સુધીર એસ. રાવલ

આપણે ત્યાં ‘શેરને માથે સવા શેર’ની કહેવત પ્રખ્યાત છે. બીજી એવા સારાંશવાળી કહેવત પણ છે કે જે વધુ ચતુર હોય તે સાવ ફાલતુ બાબતમાં ક્યાંક ફસાઈ જાય ! એવી પણ કહેવત છે કે ‘સમય સમય બલવાન, નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ’. આ ઉક્તિઓ આજકાલ ભારતના નાણાંમંત્રી અરૂણ જેટલીના કિસ્સામાં બરાબર વ્યક્ત થતી જોવા મળે છે. દેશની બેંકોમાંથી 9000 કરોડ રૂપિયાની લોન લઈને લંડન ફરાર થઈ ગયેલા વિજય માલ્યાએ તાજેતરમાં લંડનની વેસ્ટ મીન્સ્ટર અદાલતની બહાર કેમેરા સામે નાનકડી બાઈટ આપીને ભારતના રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો છે. તેમણે માત્ર એટલું જ કહ્યું કે હું ભાગીને નથી આવ્યો, ભારત છોડતા પહેલાં મેં નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરેલી ! દુનિયાભરમાં મશહૂર એવી કિંગફીશર એરલાઈન્સ અને શરાબના માલેતૂંજાર વ્યાપારી ઉપરાંત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂકેલા એવા વિજય માલ્યાના આવા બે ટૂક શબ્દો સત્તાપક્ષની ભાગેડૂ ‘મહારથીઓ’ સાથેની સાંઠગાંઠના વિપક્ષોના આક્ષેપોમાં ચેતનાનો સંચાર કરી દેવા સક્ષમ હતા. સુશીલ મોદીએ પોતાના સંબંધો સુષ્મા સ્વરાજ અને વસુંધરા રાજે સિંધિયા સાથે જાહેર કર્યા હોય,  નિરવ મોદીએ ભાગતા પહેલાં વડાપ્રધાન સાથે ફોટો પડાવ્યો હોય, મેહૂલ ચોકસીનું નામ વડાપ્રધાને તેમના પ્રવચનમાં ઉચ્ચાર્યું હોય અને એવામાં માલ્યા આવુ નિવેદન કરે, ત્યારે ભ્રષ્ટાચારનો એકપણ દાગ ન લાગ્યો હોવાનો દાવો કરતી સરકારને ઘેરવા માટે બગાસુ ખાતા મોંમાં પતાસુ આવી ગયુ હોય તેવી સુવર્ણ તક રાહુલ ગાંધી એન્ડ કંપનીને હાથ લાગી ગઈ છે. અલબત્ત નાણાંમંત્રી અરૂણ જેટલીએ સત્તાવાર ટ્વીટ કરીને કહ્યું છે કે નાણાંમંત્રી તરીકે મેં વિજય માલ્યા સાથે કોઈ મીટીંગ કરી નથી. સંસદની લોબીમાં હું ચાલતો હતો ત્યારે વિજય માલ્યાએ તક ઝડપીને પોતે રાજ્યસભાના સાંસદ હોવાનો ગેરલાભ ઉઠાવી મારી સાથે વાત કરી હતી. તેણે જ્યારે કહ્યું કે ‘મેં સેટલમેન્ટની ઓફર કરી છે’ ત્યારે મેં સ્પષ્ટ કહેલું કે ‘એ માટે તમે મારો નહીં પરંતુ બેંકનો સંપર્ક કરો’. આની સામે કોંગ્રેસના સાંસદ પી. એલ. પુનીયાનું કહેવું છે કે ‘નાણામંત્રી જૂઠ્ઠુ બોલી રહ્યા છે મેં તેમને સેન્ટ્રલ હોલમાં માલ્યા સાથે લાંબી બેઠક કરતા જોયા છે. આ બેઠક માલ્યા લંડન ગયા તેના બે દિવસ પહેલા થયેલી. સીસીટીવી કેમેરામા તપાસ કરાવો અને હું જૂઠ્ઠો સાબિત થાઉ તો સક્રિય રાજકારણ છોડી દેવા તૈયાર છું.’ અધુરામાં પૂરું ભાજપના જ તેજ તરરાર સાંસદ એવા સુબ્રમણીયમ સ્વામીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો છે કે ‘એવી કઈ શક્તિશાળી વ્યક્તિ છે જેના કારણે માલ્યા વિરૂદ્ધની લૂકઆઉટ નોટીસને હળવી કરી દેવાઈ અને માલ્યા ભાગવામાં સફળ રહ્યા?’ 

હવે સમગ્ર મામલાએ ગંભીર સ્વરૂપ અખત્યાર કર્યું છે. કોંગ્રેસે નાણામંત્રીનું રાજીનામું અને ઉંડી તપાસ માંગી છે. દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને સત્ય શું છે, તે જાણવાની ઉત્કંઠા લોકોમાં વધી છે. એટલું જ નહિં, જો ખરેખર નાણાંમંત્રી માલ્યાના દેશ છોડી જવાની યોજનાથી વાકેફ હોય તો શા માટે તેમણે માલ્યાને અટકાવવા સરકારી પગલાં ન લીધા, તેની ગંભીર નોંધ લઈ સાચા અર્થમાં યોગ્ય તપાસ થાય તેવો આક્રોશભર્યો સૂર પણ વ્યક્ત થઈ રહ્યો છે.  

હકીકત એવી છે કે 24-ઓક્ટોબર-2015થી વિજય માલ્યાની વિરૂદ્ધ લૂકઆઉટ નોટીસ જાહેર કરાઈ હતી, આ લૂકઆઉટ નોટીસને બ્લોક કરાવીને તેને બદલે રીપોર્ટમાં તબદીલ કરાઈ. આ કઈ રીતે શક્ય બન્યું તે પેચીદો સવાલ છે. ભાજપના જ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ત્રણ મહિના પહેલાં પોતાની એક ટ્વીટમાં ખોંખારો ખાઈને દાવો કરેલો કે વિજય માલ્યા દેશ છોડીને જઈ શકે તેમ નથી કારણ કે તેમની વિરૂધ્ધ એરપોર્ટ પર લૂકઆઉટ નોટીસ જાહેર થઈ ચૂકી છે. હવે જ્યારે માલ્યા ભાગવામાં સફળ થયા છે ત્યારે સ્વામીએ આક્રોશમય બનીને અરૂણ જેટલી તરફ જ આંગળી ચીંધી છે. સુબ્રમણ્યમ સ્વામી જો કે અરૂણ જેટલીના વિરોધી રહ્યા છે, પરંતુ વિરોધીઓ સામે પ્રહાર કરતા પહેલાં માહિતી આપવામાં ઘણે અંશે આધારભૂત સાબિત થયા છે. તેમનું ખાનગી માહિતી તંત્ર ભલભલાને જાગતા રહેવા મજબૂર કરતુ હોય છે. હવે અરૂણ જેટલી સાચા ?, વિજય માલ્યા સાચા ?, પી.એલ. પુનિયા સાચા કે સુબ્રમણ્યમ સ્વામી સાચા ?, તેવા સવાલોની આસપાસ રાજકારણ ગરમાઈ રહ્યુ છે અને મૂળ સવાલ જે બેંકોના નાણાં વસૂલવાનો છે તેની ચર્ચા બાજુએ હડસેલાઈ ચૂકી છે. 

રાહુલ ગાંધીએ સરકારને છ સવાલો પૂછ્યા છે. પ્રથમ, અરૂણ જેટલીએ  પોતાને જાણ હોવા છતાં વિજય માલ્યાને પલાયન કેમ થવા દીધા ? કે પછી જેટલીને વડાપ્રધાન મોદીએ આદેશ આપ્યો હતો ? બીજો સવાલ, અરૂણ જેટલી તેમની તમામ મુલાકાતો પર બ્લોગ લખે છે, તો પછી તેમણે માલ્યા સાથેની મુલાકાત પર બ્લોગ શા માટે ન લખ્યો ? ત્રીજો સવાલ, નાણામંત્રી એક ભાગેડૂ સાથે વાત કરે છે. ભાગેડૂ તેમને કહે છે કે હું લંડન જઈ રહ્યો છું, પરંતુ નાણાંમંત્રી સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ કે પોલીસને શા માટે જાણ કરતા નથી ? ચોથો સવાલ, જો માલ્યા સાથે નાણાંમંત્રીને સંસદના કોરીડોરમાં મુલાકાત થઈ હતી તો શા માટે તે બાબતની જાણ તપાસ એજન્સીઓને તેમણે ન કરી ? પાંચમો સવાલ, શા માટે વિજય માલ્યા વિદેશ જાય તે પહેલાં તેમણે ધરપકડનો આદેશ ન આપ્યો ? છઠ્ઠો સવાલ, નાણાંમંત્રી અને વિજય માલ્યા વચ્ચે શું વાત થઈ હતી તેની તેઓ દેશને જાણ કરે. 
આની સામે કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયેલે જવાબ વાળ્યો છે કે રાહુલ ગાંધી જુઠ્ઠાણામાં જુગલબંધી કરી રહ્યા છે, કોંગ્રેસ જુઠ્ઠાણાનું પોટલું છે, શા માટે યુપીએ સરકારે માલ્યાને લોન આપેલી ? કોંગ્રેસી સાંસદ પુનીયા જેટલી અને માલ્યાની મુલાકાતથી જો વાકેફ હતા તો અત્યાર સુધી તેમણે મૌન કેમ સેવ્યું ? 

વિજય માલ્યાનું કહેવું છે કે પોતે દરેક વિવાદનું નિરાકરણ લાવવા માંગે છે પણ તેની વાતને ધ્યાને લેવાતી નથી. જેટલું દેવું છે તેના કરતાં બમણી રકમની સંપત્તિ બેંક પાસે છે, તે પણ હકીકત છે. તેને રાજકારણના અખાડામાં રાજકીય પક્ષોએ ફૂટબોલ બનાવી દીધો છે !  વિજય માલ્યાએ અગાઉ કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ 15000 કરોડની સંપત્તિ મૂકી દીધી છે અને રાજકીય પક્ષોને પોતે પસંદ ન હોવાના કારણે નિયત સાફ હોવા છતાં તેને ગુનેગાર બનાવી દેવાયા છે તેવી રજૂઆત કરી છે. 

ઘોડો નાસી ગયા પછી તબેલાને તાળુ મારવામાં એક્કા એવા આપણાં બેંક અને સરકારના અધિકારીઓએ વિજય માલ્યાને ભારત પાછો લાવવા ‘મલ્લયુદ્ધ’ આદર્યું છે ત્યારે વિજય માલ્યાના પ્રત્યાપર્ણની સુનાવણી કરી રહેલી વેસ્ટ મિન્સ્ટર કોર્ટમાં આમને-સામનેની દલીલો પુરી થઈ ચૂકી છે. ભારતની જેલમાં પુરાતા પહેલાં તે જેલો કેવી હોવી જોઈએ, તેની પર પણ દલીલો થઈ છે ! ભારતમાં વિજય માલ્યાને લાવીને તેને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાની વાત છે અને તે જેલ કેવી છે તેનો વિડીયો પણ લંડનની અદાલતમાં ન્યાયાધીશે જોઈ લીધો છે. આ વિડીયો એટલા માટે રજૂ કરવામાં આવેલો કે માલ્યાએ ભારતની જેલોને લઈને વાંધો ઉઠાવેલો. અદાલત આગામી 10-ડીસેમ્બર સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવશે તેવી આશા છે. 
ભારતના રાજકારણમાં ભૂતકાળમાં હર્ષદ મહેતા, કેતન પારેખ, સુશીલ મોદી, ચેતન સાંડેસરા, નીતિન સાંડેસરા, જતીન મહેતા, નિલેશ પારેખ, ઉમેશ પારેખ, સભ્ય સેઠ, રાજીવ ગોયલ અને અલકા ગોયલ, આવી આર્થિક ગુનેગારોની યાદી ઘણી લાંબી છે. આર્થિક ગોટાળાઓના કારણે દેશના અર્થતંત્રને પારાવાર નુકસાન થયું છે. આમ છતાં દર વખતે કોણ ગુનેગાર, તંત્ર ક્યાં નિષ્ફળ, કોનુ ષડયંત્ર, કઈ પધ્ધતિ જવાબદાર જેવી અનેક પ્રકારની ચર્ચાઓના અંતે પણ બોધપાઠ લેવામાં આવતો હોય તેવું જણાતું નથી. દરવખતે ‘નવી ગિલ્લી નવો દાવ’ની માફક ચારેકોર રાજકારણ રમાયા કરે છે. 

એક વાત ચોક્કસ છે કે આર્થિક ગુનેગારોની પહોંચ જબરી હોય છે. સત્તાસ્થાને બેઠેલા લોકો અને બેંકોના વગદાર અધિકારીઓ સાથેનો ઘરોબો ન હોય તેવા કોઈ ક્યારેય વિજય માલ્યા, નિરવ મોદી કે મેહુલ ચોકસીની માફક રફૂચક્કર થઈ જઈ શકે નહિં. ક્યારેક કોંગ્રેસ ફસાય તો ક્યારેક ભાજપ ફસાય, પરંતુ એટલું નક્કી કે સત્તા પર આરૂઢ થઈને બેઠેલાઓ કોઈ સાફ-સુથરા રહી શકતા નથી, તે આવા ઉદાહરણોમાં સ્પષ્ટ સમજાય છે. સત્તાની રાજરમતમાં કોંગ્રેસ ફસાય ત્યારે ભાજપ આક્રમક બની જાય અને ભાજપ ફસાય ત્યારે કોંગ્રેસ આક્રમક બની જાય, પણ છેવટે તો પ્રજા હારતી હોય છે. વિજય માલ્યાના કિસ્સામાં પણ આવું જ કંઈક હાલ પુરતુ જોવા મળી રહ્યુ છે.   
 

0Shares