- વિચારબેંક

પેટ્રોલ-ડીઝલના ભાવ – રાજકારણ અને વાસ્તવિકતા

-સુધીર એસ. રાવલ

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તૂતૂ – મૈંમૈં તેની ચરમસીમા પર છે અને ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર બનીને રોજીંદા જીવનમાં એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવાની અનિવાર્યતા સામે ખિસ્સા ખાલી થતા રહેતા હોવાની વેદનાનો સતત અનુભવ કરી રહ્યો છે. દેશમાં સૌથી મોટો એવો આ વર્ગ વિકાસ કે પ્રગતિને માટે નહિં, પરંતુ મોટાભાગે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે, ત્યારે જે ખર્ચ તેને પ્રાથમિકતાપૂર્વક પેટ્રોલ-ડીઝલ માટે કરવો પડે તે કેટલો પીડાદાયક રહેતો હશે, તેની કલ્પનાનો અંદાજ કે સંવેદનાની અનુભૂતિ રાજકીય પક્ષોને કે સરકારોને નથી તે માનવુ રહ્યું. 

રાજકારણની વાત કરીએ તો બંધના એલાન એ રાજકીય પક્ષો માટે લોકોને જગાડવા-ઢંઢોળવા કે સાથે જોડવા ઉપરાંત લોકપ્રશ્નો અંગે માહિતગાર કરવા અર્થે જરૂરી હોઈ શકે, પરંતુ તે દરમિયાન હિંસક અથડામણો, જબર્જસ્તી કે સરકારી સંપત્તિને નુકસાન ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહિં. વળી પ્રત્યેક ‘બંધ’ને તક સમજી તેનો ગેરલાભ ઉઠાવી લેવા તત્પર તત્વો સાથે રાજકીય પક્ષોની સાંઠગાંઠ હોય કે ન હોય, છેવટે અનિચ્છનીય ઘટનાઓ ઘટી ગયા પછી ‘બંધ સફળ રહ્યુ કે નિષ્ફળ’ જેવા અર્થહીન મુદ્દે ચર્ચા ઉપરાંત મૂળ પ્રશ્ન બાજુએ રહી જાય અને પછીની પરિસ્થિતિ પર વકરી ઉઠતું રાજકારણ સભ્ય સમાજ માટે વધુ વેદનાગ્રસ્ત બનતુ હોય છે, તે નોંધવુ રહ્યું.  

આપણે આઝાદીના આંદોલનમાંથી સત્યાગ્રહ અને અસહકારનો મર્મ સમજી શક્યા નથી તે આજકાલના આંદોલનોમાં સમજવા મળે છે. બંધના એલાનના સ્વરૂપ પર વિચારીએ તો ખાસ કરીને 1974 પછી શરૂ થયેલા બંધના એલાન દિવસે દિવસે તેનુ સત્વ ગુમાવતા રહ્યા છે, તેનું કારણ તે દરમિયાન થતી પ્રવૃત્તિઓ અને તેનુ બદલાતુ જતુ સ્વરૂપ છે. લોકહિતના સ્થાને પક્ષીય રાજકારણ હાવી થતુ ગયુ છે. ભૂતકાળમાં જે વિપક્ષ બનીને રસ્તાઓ ઉપર ઉતરી પડતા તે લોકો આજે સત્તાસ્થાને છે અને જે લોકો સત્તા પર હતા તે લોકો આજે રસ્તા પર છે, એટલે અર્થહીન અને વિકૃત બનતા જતા બંધના એલાન માટે કોઈ એક પક્ષને દોષ દેવાને બદલે છેલ્લા ચાર દાયકા દરમિયાન ઉભરી ચૂકેલી આપણી રાજકીય સંસ્કૃતિ અને તેના માટે કારણભૂત એવા આપણે સૌ જવાબદાર ગણાવા જોઈએ. 

હવે કરીએ વાત પેટ્રોલ-ડીઝલના ભાવો અંગેની વાસ્તવિકતાની. કોઈપણ પ્રકારનો રાજકીય રંગ આપ્યા વગર સમગ્ર પ્રશ્ન પર વિચાર કરવો હોય કે સમજવો હોય તો આધારભૂત આંકડાઓનો અભ્યાસ કરવો પડે. ભારત સરકારના આંકડાઓ અને રેકોર્ડઝ શું કહે છે તે આજના તબક્કે જાણવું જરૂરી છે. સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની, વહિવટીતંત્ર દ્વારા થતો વહિવટ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે. સરકારો બદલાય એટલે ભૂતકાળના આંકડાઓ ફરી જાય એવુ હોતુ નથી. આ સંજોગોમાં રાજકીય સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવોનો વિવાદ ચર્ચાના એરણે છે, ત્યારે નવી સરકાર આવી ત્યાર પછીની પરિસ્થિતિ અને તે પહેલાની પરિસ્થિતિ શું રહી, તેના પર નજર કરીએ. 

વર્ષ-2014ના મે માસમાં કેન્દ્રમાં નવી એનડીએ સરકાર આવી. આ સરકારે સત્તારૂઢ થયા બાદ આજ સુધીમાં પેટ્રોલ-ડીઝલ પર કુલ બાર વખત સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વધારી છે. પેટ્રોલ પર 211 ટકા અને ડીઝલ પર 433 ટકાનો વધારો કર્યો છે. બીજી રીતે જોઈએ તો 52 મહિના દરમિયાન કેન્દ્ર સરકારે લોકોના ખિસ્સામાંથી 11 લાખ કરોડ રૂપિયા જેવી માતબર રકમ સેરવી લીધી છે. આ રકમને વિગતે જોઈએ તો વર્ષ-2014-15માં રૂપિયા 1,72,065 કરોડ, વર્ષ-2015-16માં રૂપિયા 2,53,615 કરોડ, વર્ષ-2016-17માં રૂપિયા 3,34,534 કરોડ અને વર્ષ-2017-18માં રૂપિયા 3,43,858 કરોડ રહી છે. જો આ ડ્યુટી ન નાંખવામાં આવી હોત તો પેટ્રોલ-ડીઝલનો ભાવ આજે જે છે તેના કરતા આશરે 10 થી 15 રૂપિયા જેટલો ઓછો હોત. 

બીજો મહત્વનો મુદ્દો એ છે કે આપણે ત્યાં એવી ચર્ચા ચાલે છે કે આંતરરાષ્ટ્રિય બજારમાં કાચા તેલના ભાવોના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે. સરકારનો અધિકૃત ખુલાસો પણ એવો છે કે પેટ્રોલ-ડીઝલના ભાવો પર સરકારનો કોઈ અંકૂશ નથી, એટલે કે ભાવ વધારા માટે કેન્દ્ર સરકાર જવાબદાર નથી. આની સામે આંકડાઓ સૂચવે છે કે જે સમયે નવી સરકાર સત્તારૂઢ થઈ ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં કાચા તેલનો ભાવ 107.09 યુએસ ડોલર પ્રતિ બેરલ  હતો, જે આજે 73 યુએસ ડોલર પ્રતિ બેરલ સુધીનો છે. આનો અર્થ એ થયો કે આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઈલ (કાચુ તેલ)ના ભાવમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા 52 મહિના દરમિયાન કાચા તેલનો સરેરાશ ભાવ 50 યુએસ ડોલર પ્રતિ બેરલનો રહ્યો છે, જે અગાઉની યુપીએ સરકારના કાર્યકાળના સમય કરતા 55 ટકા જેટલો ઓછો છે. આમ છતાં પેટ્રોલ-ડીઝલનો ભાવ આજે ભૂતકાળમાં ક્યારેય નહોતો એટલો છે, તે સૌની નજર સમક્ષ છે. 

એક મુદ્દો એવો છે જે આશ્ચર્યજનક અને અકળાવનારો છે. આપણા દેશમાં જ્યારે પેટ્રોલના ભાવ ક્રમશ: 80 થી 89 રૂપિયા પ્રતિ લિટર  (દિલ્હી અને મુંબઈને ધ્યાને લેતા) સુધીના અને ડીઝલના 73 થી 77 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચેલા હોય ત્યારે આરટીઆઈમાં મળેલા એક જવાબ અનુસાર એટલુ સ્પષ્ટ થયુ છે કે ભારત સરકાર 15  દેશોને પેટ્રોલ માત્ર રૂપિયા 34 પ્રતિ લીટર અને 29 દેશોને ડીઝલ માત્ર 37 રૂપિયા પ્રતિ લીટરના દરે વેચી રહી છે. આ દેશોમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરીકા, મલેશીયા અને ઈઝરાયેલ જેવા દેશો પણ સામેલ છે. સરકારનુ આવુ વલણ એ આપણી એક જૂની કહેવતની યાદ અપાવે છે કે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો ! 

આ સિવાય પેટ્રોલ-ડીઝલ પર જે ટેક્ષનુ સ્ટ્રક્ચર છે તે કેવું છે તે સમજીએ. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર જે એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે તે ઉપરાંત રાજ્યો પણ તેના પર વેટ ઉઘરાવે છે. આ વેટને જીએસટીમાં શા માટે દાખલ નથી કરાતો, તેનો જવાબ સરકાર આપી શકતી નથી. પક્ષીય રાજકારણથી પ્રેરીત વિવાદ સર્વ પક્ષે ઉગ્ર છે ત્યારે ઉદાહરણો પર નજર કરવી હોય તો ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વસુલાતો વેટ ક્રમશ: ઉત્તરપ્રદેશમાં 26.90% અને 16.84%, છત્તીસગઢમાં 26.87% અને 25.74%, ગુજરાતમાં 25.45% અને 25.55%, મહારાષ્ટ્રમા 39.12%, અને 24.78%, રાજસ્થાનમાં હમણાં જ 4%નો ઘટાડો કર્યા પછી 26.80% અને 20.09%, મધ્યપ્રદેશમાં 35.78% અને 23.22%, ઝારખંડમાં 25.72% અને 23.21% તથા આસામમાં 30.90% અને 22.79% છે. આજ રીતે કોંગ્રેસ તથા અન્ય પક્ષો શાસિત રાજ્યોમાં કેટલાક ઉદાહરણો પર નજર કરીએ તો આંધ્રપ્રદેશમાં 35.77% અને 28.08%, પંજાબમાં 35.12% અને 16.74%, કેરળમાં 30.37% અને 23.81% અને પશ્ચિમ બંગાળમાં 25.25% અને 17.54% છે. આનો અર્થ એ છે કે પ્રજાને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર એમ બંને દ્વારા વસુલાતા ટેક્ષના કારણે બેવડો માર પડે છે. પેટ્રોલ-ડીઝલ પર વસુલાતા વેટને જીએસટીમાં આવરી લેવામા આવે તો આ પરિસ્થિતિ ટાળી શકાય તેમ છે. 

રસોઈ ગેસની વાત કરીએ તો નવી સરકાર આવી ત્યારે 14.02 કિલોગ્રામના સબસીડી વગરના રસોઈ ગેસના એક સીલીન્ડરની કિંમત રૂપિયા 414 હતી જે આજે રૂપિયા 754 સુધી પહોંચી છે. એ જ રીતે સબસીડીવાળા ગેસ સીલીન્ડરની કિંમત રૂપિયા 412 હતી તે વધીને આજે રૂપિયા 496 પ્રતિ સીલીન્ડર થયેલી છે. સરકારી પબ્લિક ડીસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હેઠળ કેરોસીનનો ભાવ રૂપિયા 14.96 પ્રતિ લીટર હતો, જે આજે રૂપિયા 26.61 પ્રતિ લીટર છે. 

કોંગ્રેસનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર ‘નફાખોર કંપની’ની માફક વહિવટ કરે છે અને પ્રજાની સમસ્યા પ્રત્યે જરાપણ સંવેદનશીલ નથી. વિચારવાનુ એ છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે કોઈપણ સરકારને અપ્રિય બનવુ કઈ રીતે પોસાય ? શું કેન્દ્ર સરકારનો કોઈ લાંબાગાળાનો વ્યૂહ છે, જેમાં સરકારને નજીકના ભવિષ્યમાં જ કાશ્મીર જેવા સંવેદનશીલ પ્રશ્નના ઉકેલ માટે અઢળક નાણાંની જરૂર પડવાની શક્યતા હોય ? આવુ જો હોય તો, બની શકે કે સરકાર અત્યારે પોતાની પર ધોવાતા માછલા અને આક્ષેપોના પ્રહારને સહન કરતી રહે, પરંતુ દેશના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની ઘડીએ સરકારની તિજોરીમાં ભરપૂર નાણાં જો જમા થઈ ચૂક્યા હોય તો કટોકટીના સમયે જરૂરી નાણાં માટે ક્યાંય હાથ લાંબો કરવો ન પડે અને આવી પરિસ્થિતિના સર્જન માટે સરકાર ઘણી વહેલાસર સંકલ્પબદ્ધ બની ચૂકી હોય. 

જે હોય તે, પેટ્રોલ-ડીઝલના ભાવોથી પ્રજા પરેશાન તો છે જ તેને કોઈ અવગણી શકે તેમ નથી. આમ છતાં આ પ્રશ્ન માત્ર સરકારની લોકનિષ્ઠાનો જ નહિં, પરંતુ કાર્યદક્ષતાનો પણ છે, તે પણ સમજવુ રહ્યું.

0Shares