- વિચારબેંક

વિદેશની ધરતી પર ‘રણે ચડેલા રથી’ રાહુલ કેટલાં યોગ્ય ?

-સુધીર એસ. રાવલ

આજ-કાલ દેશમાં રાહુલ ગાંધીના જર્મની અને યુકે પ્રવાસ દરમિયાન તેમણે કરેલા પ્રવચનોની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. વિદેશની ધરતી પર જઈને રણે ચડેલા રથીની માફક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જે રીતે ખાસ કરીને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ અને કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ આક્રમણ શરૂ કર્યું છે, તે જોતા જણાય છે કે આ પ્રહારાત્મક અભિયાન કોંગ્રેસે નિર્ધારિત કરેલી લાંબાગાળાની રણનીતિના એક મહત્વના હિસ્સાનો પ્રારંભિક તબક્કો છે. રાહુલના પ્રતિસ્પર્ધીઓ કે રાજકીય વિરોધીઓ ભલે તેમને કોઈક પપ્પુ કહે, નાદાન ગણાવે કે અપરિપકવ સાબિત કરવા પ્રયત્ન કરે, રાહુલ ગાંધી અસરકારક રીતે જે જે મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે, તેના પર ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ અને મહત્વના નેતાઓએ જે રીતે વિનાવિલંબે આકરી પ્રતિક્રિયાઓ આપવી પડે છે, તે સૂચવે છે કે રાહુલને હળવાશથી લેવાનુ ભાજપને જરાપણ પોસાય તેમ નથી. 

શું રાહુલ ગાંધી વગર વિચાર્યે બોલે છે ? શું રાષ્ટ્રના રાજકારણમાં તેઓને સાચે જ ઓછી ગતાગમ પડે છે ? શા માટે તેઓ વિદેશની ધરતી પર જઈને દેશના પ્રશ્નોની ચર્ચા ખુલ્લેઆમ કરી રહ્યા છે ? આવા પ્રશ્નો જનસામાન્યના મનમાં ઉદ્દભવે તે સ્વાભાવિક છે. પારિવારીક બેકગ્રાઉન્ડના કારણે કોંગ્રેસ જેવી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીની કમાન યુવા વયે સંભાળવાની આવી હોવાથી તેમની કાર્યદક્ષતા અંગે લોકોની વિશેષ નજર હોય તેમા કંઈ ખોટુ પણ નથી. વળી સામે જ્યારે સત્તાધીન અને સક્ષમ ભાજપ અને એક સમર્થ નેતૃત્વ વચ્ચે બળાબળના પારખા થવાના હોય ત્યારે ભારત જેવા વિશાળ દેશની લોકશાહી માટે આવા પ્રશ્નો વધુ મહત્વના બની રહે છે. 

રાહુલ ગાંધી માટે વર્તમાન રાજકારણના આટા-પાટા સમજવાનુ, ઈતિહાસના અભ્યાસ સાથે ભવિષ્યને નજર સમક્ષ રાખી કોંગ્રેસની પોતાની વિચારધારાને વળગી રહી આગળ એ રીતે વધવુ, જેમા જનકલ્યાણ પણ હોય અને લોકમત પણ તરફેણમાં લાવી શકાતો હોય, એ સાચે જ પડકારરૂપ હોવાથી રણનીતિકારોની એક અત્યંત વિશ્વાસુ અને વિચારશીલ ટીમ પડદા પાછળ સતત સક્રિય છે, તેવું સ્પષ્ટ સમજાય છે અને કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધી કોંગ્રેસના રણનીતિકારોના દિશાદર્શન અને સલાહ અનુસાર એક ચોક્કસ રીતે વિચારાયેલા અને ઘડેલા નીતિમાર્ગ પર જ ચાલી રહ્યા છે. ભૂતકાળના અનુભવોના અભ્યાસ પરથી એક તારણ સ્પષ્ટ છે કે રાજકીય પક્ષો માટે ચૂંટણી જીતવા માટે જાત-જાતની વ્યૂહરચનાઓ પર કામ કરવું પડતુ હોય છે. નાણાંના પ્રભાવની બોલબાલા વચ્ચે કોર્પોરેટ જગત ઉપરાંત હવેના સમયમાં બિનનિવાસી ભારતીયોનું મહત્વ પણ અદકેરૂ છે. બિનનિવાસી ભારતીયોની શક્તિશાળી લોબી સત્તાના રાજકારણ સાથે ખાસ્સો ઘરોબો ધરાવે છે, તે હવે કોઈનાથી છાનુ નથી. આ લોકોની વચ્ચે જઈને દેશની સમસ્યાઓની ચર્ચા કરવી અને વાસ્તવિકતાનો પરિચય કરાવવો એ વિરોધ પક્ષ માટે તેની સંપૂર્ણ રણનીતિનો એક હિસ્સો છે. 

કોંગ્રેસની રણનીતિ પર વિચાર કરીએ તો થોડાંક મહિનાઓ પહેલાં રાહુલ ગાંધી કહેતા કે દાયકાઓથી કોંગ્રેસની નીતિ પ્રેમ, શાંતિ, ભાઈચારો, સદ્દભાવના, શાલીનતા, સૌજન્યતા, પદની ગરીમા જેવા સકારાત્મક પાસાઓ પર કેન્દ્રિત અને આધારિત છે અને કોંગ્રેસને તે માર્ગે આગળ વધારવાનો તેઓએ વારંવાર મનસૂબો પણ જાહેર કરેલો અને તેમની સભાઓમાં પણ આવુ સંભળાતુ. તેમનો આક્ષેપ પ્રથમથી જ એવો રહ્યો છે કે સંઘ અને ભાજપ આ દેશમાં નફરત, વૈમનસ્ય, ઉશ્કેરણી, ભાગલાવાદી, કોમવાદી અને નકારાત્મક વિચારસરણીનું રાજકારણ ખેલી રહ્યા છે અને દેશના હિતમાં લોકકલ્યાણ માટે સકારાત્મક રાજનીતિ જ તેનો ઉપાય હોવાથી વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસ એ માર્ગે જ ચાલશે. આ તબક્કે એવું લાગતુ હતુ કે દેશના રાજકારણમાં નીતિમત્તા, આદર્શો અને મૂલ્યોનું મહત્વ સમજતા વર્ગ માટે ક્યારેક તો ફરી ખુશીના દિવસો આવશે. 

અલબત્ત અનુભવોએ કોંગ્રેસના રણનીતિકારોને વિચારસરણીની એ દિશા બદલવા મજબૂર કર્યા હોય તેવું આ તબક્કે જણાય છે. ચૂંટણીના મેદાનમાં એક તરફ રાહુલ શાલીનતા, સૌજન્યતા અને ભદ્રતાનો આગ્રહ સેવી રહ્યા હોય અને સામેની છાવણીમાંથી અભદ્ર ભાષા સાથેની ટિપ્પણીઓ, શાબ્દિક પ્રહારો અને આધારહિન કુપ્રચારથી કોંગ્રેસને નવી પેઢીના લોકમાનસ પરથી ઉતારી પાડવાની પ્રવૃત્તિઓ રોક-ટોક વિના ચાલી રહી હોય તો શું પરિણામ આવે ? ગાંધીજી કહેતા કે કોઈ ગાલ પર એક લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો ! શું આજના સમયમાં આવું કરી શકાય ? કોંગ્રેસના રણનીતિકારોએ ‘લોહા લોહે કો કાટતા હૈ’ના રણનીતિમાર્ગ પર ચાલવા કોંગ્રેસ પ્રમુખને હવે તૈયાર કરી દીધા હોય તેવું દેખાય છે. ‘જેવા સાથે તેવા’નો વ્યવહાર જ વર્તમાન રાજકારણમાં વિજયની કૂંચી છે, તેવી સલાહને રાહુલે સ્વીકારી લીધી છે, તેવું તેમની વિદેશયાત્રા દરમિયાનની વર્તણૂંક અને નિવેદનોમાં સિધ્ધ થાય છે. 

રાહુલે કરેલા નિવેદનો અને આક્ષેપો પર નજર કરીએ તો કેટલીક મહત્વની બાબતો ઉજાગર થાય છે. લંડનમાં પોતાનું લક્ષ્ય વડાપ્રધાન પદ નથી, તેવી સ્પષ્ટતા કરીને વિપક્ષી રાજકારણના ઘણાં વાદળોને વિખેરી નાખ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણી ભાજપ અને બિનભાજપી પક્ષો વચ્ચેની સ્પર્ધા હશે, તેવું કહીને તેમણે એનડીએ સરકારની ગેરહાજરીમાં મોરચા સરકારમાં કોંગ્રેસની ભૂમિકા કેવી રહી શકે છે, તેનો સંદેશ પાઠવ્યો હતો. તેમની ટોચની પ્રાથમિકતા ભાજપને હરાવવાની છે, કારણ કે ભાજપ અને સંઘ દેશની સ્વાયત્ત સંસ્થાઓને ખતમ કરી રહી છે. રીઝર્વ બેંક, ચૂંટણીપંચ, ન્યાયતંત્ર અને મીડિયા સ્વતંત્ર ન રહ્યા હોવાની બાબત પર વિશેષ મહત્વ આપીને તેમણે બિનનિવાસી ભારતીયોને ભારતની પરિસ્થિતિથી કોંગ્રેસ શા માટે ચિંતિત છે, તે અંગે પોતાના મંતવ્યો દ્વારા અવગત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. રફાલ વિમાનોનો ફ્રાન્સ સરકાર સાથે થયેલો સોદો ભ્રષ્ટાચારથી ભરપૂર છે તે આક્ષેપને દોહરાવ્યો હતો. મહિલા અનામત બીલ પસાર કરવા માટે કોંગ્રેસ ઉત્સુક છે પરંતુ કેન્દ્ર સરકારને રસ નથી, તે મુદ્દાને લઈને પણ માહિતી આપી હતી. નોટબંધી અને જીએસટીના અણઘડ અમલ બાદ દેશમાં પેદા થયેલી આર્થિક પરિસ્થિતિના કારણે બેરોજગારી વધતી રહી છે તેના ઉદાહરણમાં ચીન સાથે ભારતને સરખાવ્યા કર્યુ, તેમાં આંકડાઓ આપતા રાહુલે એ જ વાતની ત્યાં પુનરોક્તિ કરી કે ચીન એક દિવસમાં 50,000 રોજગારીનુ સર્જન કરે છે, જ્યારે ભારતમાં 450 રોજગારીનુ જ સર્જન થાય છે. ભારત-ચીન સરહદે ડોકલામ પ્રદેશમાં ચીનના સૈન્યની ઘૂસણખોરી અંગે રાહુલનું કહેવુ છે કે આ સમસ્યાને કેન્દ્ર સરકારે એક ઘટના તરીકે જોવાને બદલે સતત ચાલતી પ્રક્રિયાની રીતે જોવાનો દ્રષ્ટ્રિકોણ દાખવ્યો હોત તો આજે પણ જે રીતે ચીનના સૈનિકો ડોકલામ પ્રદેશમાંથી હટ્યા નથી, તે હટી ગયા હોત. એટલું જ નહિં, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના હિસ્સામાં માત્ર વિઝાનું કામ જ છે, તેવું કહીને ભારતની વિદેશનીતિ પર તેમણે નિષ્ફળ હોવાના પ્રહારો કર્યા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે તેમણે સતત એ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યે રાખ્યો કે કેન્દ્ર સરકારની પાકિસ્તાન સંદર્ભે જે નીતિ અમલમાં છે તેમાં સાતત્ય જોવા મળતુ નથી અને ટુકડે-ટુકડે અમલમા રહેલી નીતિમાં દૂરંદેશીનો અભાવ છે. વડાપ્રધાન કાર્યાલય પર સત્તાના કેન્દ્રીકરણનો આરોપ કરીને એવું કહ્યું કે કોંગ્રેસના શાસનમાં સત્તાના વિકેન્દ્રીકરણના કારણે દેશ મજબૂત થયો અને પ્રગતિ કરી.

રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહારોમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવો અને વિરોધીઓને ખાસ્સો ચચરી જાય તેવો આક્ષેપ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને મુસ્લિમ બ્રધરહૂડ સાથે સરખાવનારો હતો. મુસ્લિમ બ્રધરહૂડ આરબ જગતનું એક કટ્ટરપંથી મુસ્લિમ સંગઠન છે, જેનો મુદ્રાલેખ ‘ઇસ્લામ જ એકમાત્ર સમાધાન છે’. આ સંગઠનની સ્થાપના 1928માં ઈજીપ્તમાં હસન-અલ-બન્ના દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન ઘણું પ્રભાવશાળી ઈસ્લામિક સંગઠન છે. ઈજીપ્તમાંથી બ્રિટીશ હકૂમતને ખસેડવા માટે હસન-અલ-બન્નાએ ધર્મનો સહારો લઈને ઈજીપ્તવાસીઓને એક કરવા મુસ્લિમ બ્રધરહૂડની સ્થાપના કરી હતી. શરૂઆતમાં આ સંસ્થાનો ઉદ્દેશ્ય ધાર્મિક અને શૈક્ષણિક હતો, પરંતુ સંસ્થા મોટી થતા તેની રાજકીય મહત્વકાંક્ષા વધતી ગઈ અને તેના પર હિંસક કાર્યવાહી કરવાના આક્ષેપો પણ થવા લાગ્યા. 

વર્ષ-2011માં મુસ્લિમ બ્રધરહૂડની રાજકીય પાંખ ધ ફ્રિડમ એન્ડ જસ્ટિસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને ઈજીપ્તમાં યોજાયેલી 2012ની ચૂંટણીઓમાં મુસ્લિમ બ્રધરહૂડના નેતા મહંમ્મદ મોરસીનો પ્રમુખ તરીકે વિજય થયો અને તેઓ સત્તા પર પણ આવ્યા. મુસ્લિમ બ્રધરહૂડને ઈજીપ્તની સત્તા મળતા જ તેમણે એક પછી એક પોતાના એજન્ડા પ્રમાણે કામગીરી શરૂ કરી જે ઈસ્લામિક કટ્ટરવાદથી પ્રેરિત હતા, પરંતુ ઈજીપ્તની પ્રજાને પસંદ ન પડતા દેશમાં ખાસ્સો વિરોધ પેદા થયો અને સૈન્યએ મુસ્લિમ બ્રધરહૂડના નેતાને મહંમ્મદ મોરસીને સત્તા પરથી હટાવી દીધા. આ ઘટના બાદ ત્યાં ભયંકર હત્યાકાંડ પણ થયો અને ઈજીપ્તની સરકારે મુસ્લિમ બ્રધરહૂડને આંતકવાદી સંગઠન તરીકે જાહેર કરી દીધું. 

આ સંદર્ભમાં આરએસએસ અને મુસ્લિમ બ્રધરહૂડની વિચારધારા, કાર્યશૈલી અને પ્રવૃત્તિઓ વચ્ચેની સરખામણી અયોગ્ય તથા અતિશયોક્તિભરી હોવાથી ભાજપની છાવણી તરફથી તેના પ્રત્યાઘાતો પણ સ્વાભાવિક રીતે જ આકરા જોવા મળ્યા છે. ચૂંટણીજંગ શરૂ થઈ ગયો છે એટલે સંયમ-નિયમની અપેક્ષાનો અર્થ રહ્યો નથી. ‘મારે તેની તલવાર’ અને ‘જો જીતા વહી સિકંદર’ એ જ નીતિમાર્ગ અને એ જ ધ્યેય.. ! દેખતે હૈ આગે આગે હોતા હૈ ક્યા.. ?!

0Shares