- VICHAR BANK

અવિશ્વાસ પ્રસ્તાવનો જય-પરાજય અને નાગરીકોને વગર વાંકે દંડ !

-સુધીર એસ. રાવલ

સપ્તાહની મહત્વની ઘટના સ્વાભાવિક રીતે જ સંસદમાં નરેન્દ્ર મોદી સરકાર વિરૂધ્ધ લાવવામાં આવેલા અને પરાજીત થયેલા વિપક્ષોના અવિશ્વાસ પ્રસ્તાવની હતી. આમ તો સંસદના ચોમાસુ સત્રના આરંભે જ આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા માટે સ્પીકર સુમિત્રા મહાજને જે ત્વરાથી બે જ દિવસનો સમય આપીને મંજૂરી આપી દીધી, ત્યારે જ રાજકીય રણનીતિ સ્પષ્ટ થઈ ગયેલી, જેમા સ્પીકરની નિષ્પક્ષતા કે લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા કરતા સરકારની ઈચ્છા અને સજ્જતાનુ પ્રતિબિંબ વધારે જણાતુ હતુ. વિપક્ષોએ ધાર્યુ હશે કે અગાઉના સત્રની માફક આ સત્રમા પણ અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા સરકાર થવા દેશે નહી, પરંતુ દર વખતે જે જોવા મળે છે તેમ આ વખતે પણ તેલગુ દેશમ પાર્ટી જેવા કેટલાકને બાદ કરતા ચર્ચા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષો સરકારને ઘેરી શકે તે રીતે તૈયાર નહોતા તે સાબિત થઈ ગયુ. એક તબક્કે એવું લાગતુ હતુ કે 2019ની લોકસભાની ચૂટણી નજીક છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાને સામ-સામી બંને છાવણી લોકસભાના ગૃહમાં એક સુવર્ણ તક તરીકે લેશે, પરંતુ દિવસ દરમિયાન સતત 12 કલાક ચાલેલી મેરેથોન ચર્ચા દરમિયાન બંને પક્ષે જોઈએ તો જોશ ભલે હતો, પરંતુ સંસદની ગરિમાને અનુરૂપ ઠોસ કશું સાંભળવા મળ્યુ નહિ. પોતાની પ્રથમ ટર્મમાં નરેન્દ્ર મોદી સરકાર સામે પ્રથમવાર લવાયેલા અવિશ્વાસ પ્રસ્તાવની વિરૂધ્ધમાં 325 મત અને તરફેણમાં 126 મત પડ્યા હતા. કુલ 451 સાંસદોએ મતદાન કર્યુ હતુ. 

બંધારણીય રીતે જોઈએ તો અવિશ્વાસ પ્રસ્તાવનો આપણા બંધારણમાં ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ બંધારણના અનુચ્છેદ-118 હેઠળ દરેક ગૃહ પોતાની પ્રક્રિયા પોતે જ નિર્ધારિત કરી શકે છે તે મુજબ નિયમ-198માં એવી જોગવાઈ છે કે કોઈપણ સંસદ સભ્ય લોકસભા સ્પીકરને વર્તમાન સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી શકે છે. આ પ્રકારની નોટીસને કમ સે કમ 50 સાંસદોનુ સમર્થન હોવુ જરૂરી છે. સ્પીકર દ્વારા તેનો સ્વીકાર થયા પછી 10 દિવસની અવધિ દરમિયાન ચર્ચા કરાવવામાં આવે છે. આ વખતે તેલગુ દેશમ પાર્ટી અને કોંગ્રેસના સંસદ સભ્ય તરફથી સ્પીકરને નોટીસ મળેલી અને તેલગુ દેશમ પાર્ટીના સાંસદ દ્વારા અપાયેલી નોટીસનો સ્પીકરે નિયમાનુસાર સ્વીકાર કરેલો.

સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ જવાહરલાલ નહેરુના કાર્યકાળથી આવતા રહ્યા છે. સૌ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ 1963માં જે. બી. કૃપલાણીએ જવાહરલાલ નહેરુની સરકાર સામે રજૂ કરેલો હતો. તે સમયે તે પ્રસ્તાવની તરફેણમાં માત્ર 62 મત પડ્યા હતા અને તેની વિરૂદ્ધ 347 મત પડ્યા હતા. આ રીતે નહેરુની સરકારને આંચ આવી નહોતી. લાલબહાદુર શાસ્ત્રીએ તેમના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ત્રણ વખત વિપક્ષોના આવા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડેલો, પરંતુ ત્રણેય વખતે વિપક્ષોને કરારી હાર સાંપડેલી. શાસ્ત્રીજીના રશિયા પ્રવાસ દરમિયાન આકસ્મિત મૃત્યુ બાદ તેમના બચેલા કાર્યકાળની કમાન ઈન્દિરા ગાંધીએ સંભાળેલી. એ દરમિયાન ઈન્દિરા ગાંધીની સામે પણ બે વખત અવિશ્વાસ પ્રસ્તાવ આવેલો. ભારતના સંસદીય ઈતિહાસમાં સૌથી વધુ વખત કોઈની સામે જો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તો તે ઈન્દિરા ગાંધી છે. ઈન્દિરા ગાંધીએ પોતાના શાસનકાળ દરમિયાન 15 વખત વિપક્ષોના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરેલો છે અને દરેક વખતે વિપક્ષો પરાજીત થયાનો ઈતિહાસ છે.  વિપક્ષ તરફથી સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો રેકોર્ડ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ રહેલા જ્યોતિ બસુના નામે છે. તેમણે પોતાના ચારેય અવિશ્વાસ પ્રસ્તાવ ઈન્દિરા ગાંધી સામે જ રજૂ કર્યા હતા. 

અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા વિપક્ષને વિજય પ્રાપ્ત થયો હોય અને સરકારનુ પતન થયુ હોય તેવો પ્રથમ કિસ્સો તપાસીએ તો તે 1978માં મોરારજી દેસાઈની સરકાર સામેનો હતો. જનતા પક્ષના વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઈ સામે તેમના અઢી વર્ષના શાસન દરમિયાન બે વાર અવિશ્વાસનો પ્રસ્તાવ આવેલો. પ્રથમવાર તેમને કોઈ મુશ્કેલી પડી ન હતી, પરંતુ બીજીવાર તેમના પોતાના જ પક્ષમાં જે મતભેદો હતા તેનો તેમને ખ્યાલ હોવાથી મત વિભાજનની પ્રક્રિયા પહેલા જ તેમણે પોતાનુ રાજીનામુ આપી દીધેલુ. 1990માં વી. પી. સિંહ અને 1997માં દેવગૌડાની નબળી મોરચા સરકારો અવિશ્વાસ પ્રસ્તાવ સામે અપેક્ષા મુજબ પરાજીત થયેલી.  અટલ બિહારી વાજપેયી સામે 1999માં બે વાર અવિશ્વાસ પ્રસ્તાવ આવેલો, જેમા એકવાર પોતે એક મત ઓછો મળતા પોતાની સરકારને બચાવી નહોતા શક્યા, પરંતુ બીજીવાર તેમણે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને પરાજીત કરેલો. આશ્ચર્યની વાત એ છે કે 1991થી 1996 દરમિયાન પી. નરસિંહ રાવની સરકાર પાસે પોતાની સ્પષ્ટ બહુમતિ ન હોવા છતાં તેમની સામે એક પણ વાર અવિશ્વાસ પ્રસ્તાવ આવેલો નથી. 2008માં ડૉ. મનમોહનસિંહની યુપીએ સરકાર વિરુદ્ધ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માકિર્સસ્ટ) દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થયેલો, પરંતુ સરકારને પરાજીત કરી શકાઈ નહોતી. આમ અવિશ્વાસ પ્રસ્તાવ એ આપણા સંસદીય ઈતિહાસમાં સરકારની કામગીરીના મૂલ્યાંકન માટે પારાશીશી બની શકી હોય તેવુ નથી. હા, અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન દરેક પક્ષોને પોત-પોતાની વાત ગૃહમાં રજૂ કરવાની તક મળી રહે છે. એટલુ જ નહિ, દેશમાં પ્રર્વતમાન રાજકારણ, સંજોગો, સમસ્યાઓ અને મહત્વની ઘટનાઓ પર વ્યાપકપણે થયેલી ચર્ચા ઘણી મહત્વની સાબિત થતી હોય છે. 
આ વખતની અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા એ રીતે વિશેષ મહત્વની હતી કે ત્રીસ વર્ષ પછી કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતિવાળી એક મજબૂત સરકાર સામેનો આ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ હતો. વિપક્ષો દેખીતી રીતે એક જણાતા હતા. સરકારના દાવાઓ આ ચાર વર્ષ દરમિયાન ડીજીટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, સ્વચ્છતા અભિયાન, સહિત અનેક પ્રકારની નૂતન પહેલો સાથેના ‘ન્યૂ ઈન્ડિયા’ના નિર્માણના રહ્યા છે, જ્યારે વિપક્ષોના સરકાર સામેના આક્ષેપોમાં સરકાર દ્વારા ખોટા વચનો, જુઠ્ઠાણાઓ, ધ્રુવીકરણનુ રાજકારણ, ટોળાશાહી (મોબ લિન્ચીંગ), લોકશાહી સામે ખતરો, વૈમનસ્યનુ રાજકારણ, સરકારી સંસ્થાઓના દૂરૂપયોગની આસપાસ રહ્યા છે. આમ છતાં દિવસ દરમિયાનની ચર્ચાઓ પર નજર કરીએ તો તેલગુ દેશમ પાર્ટીના આંધ્ર પ્રદેશના મુદ્દા સિવાય અન્ય કોઈ પક્ષે નક્કર મુદ્દાઓ અને આંકડાઓની હકીકત સાથે પોતાની વાત રજૂ કરવાની તસ્દી લીધી હોય તેવુ જોવા મળ્યુ નહિં. 

કોંગ્રેસના રાહુલ ગાંધી શું બોલશે તેના પર કદાચ પ્રથમવાર સમગ્ર દેશનુ ધ્યાન હતુ. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી વિપક્ષોની એકતા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની આક્રમકતા વિશેષ સ્વરૂપે લોકનજરે ચડેલી હતી. દલિતો, ખેડૂતો, નાના વ્યાપારીઓ અને મહિલાઓની સલામતિ જેવા વિષયો પર મોદી સરકારને પડકારવાનુ સાહસ રાહુલ ગાંધીએ જે રીતે અસરકારક અને પ્રભાવશાળી બનીને કર્યુ, તેનાથી વિપક્ષો અને સામાન્ય જનતામાં તેમના પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હતો. સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિમાં કોંગ્રેસે જબર્દસ્ત હોમવર્ક કર્યુ હશે તેવી સર્વત્ર અપેક્ષા પણ વર્તાતી હતી. રાહુલે શરૂઆત સારી કરી પરંતુ આખા પ્રવચનમાં એકના એક મુદ્દાઓ જ છવાયેલા રહ્યા, જે તેઓ સતત સંસદની બહાર અને ચૂંટણી સભાઓમાં પણ કહેતા રહ્યા છે. ફ્રાન્સ સાથેના રફાલ વિમાનના સોદા અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે તેમની થયેલી વાત જો સાચી હોય તો તે અત્યંત ગંભીર હોવા છતાં આધારહીન આક્ષેપમાં ખપી ગઈ. નફરત સામે પોતે પ્રેમનો સંદેશ લઈને નિકળેલા મશાલચી છે, તેવો સંદેશ પાઠવવા રાહુલ ગાંધીએ સંસદના ગૃહમાં મોદી સરકાર સામે આક્રમકતાપૂર્વક આક્ષેપો કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટવાની જે ચેષ્ટા કરી, તે સૌજન્યસભર સાહસ હોવા ઉપરાંત જાહેરજીવનમાં સક્રિય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પરસ્પરના આદરની જાળવણીના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણઁ હોવા છતાં, મિત્ર સામે જોઈને આંખ મારવાની અસભ્ય હરકત બાદ આખરે તે કૃત્રિમતા, અપરિપકવતા અને નાટકનુ પ્રદર્શન માત્ર બનીને રહી ગઈ, તે વધારે અફસોસજનક રહ્યું. એક મજબૂત શાસનની સામે પડકાર બનવા માંગતા અને કેટલેક અંશે ઉભરી રહેલા નેતા કે જે વિપક્ષો અને દેશની જનતા માટે આશા બનીને ઉભરી રહ્યા હોય, તેવા સમયે સંસદની ગરીમા કે કેમેરાની સભાનતા બાબતે આટલું બાલીશ વર્તન તે કોંગ્રેસ પક્ષ માટે પણ વજ્રઘાત સમાન કહી શકાય. આનાથી નફરતના નકારાત્મક રાજકારણ સામે રાહુલ ગાંધીએ પોતે જ શરૂ કરેલી અને અપનાવેલી પ્રેમની સકારાત્મક રાજનીતિની અસલિયત સામે લોકમાનસમાં શંકા પેદા થાય, તે સ્વાભાવિક અને દુ:ખદ્દ છે. 

વડાપ્રધાનનું પ્રવચન પણ મહદ્દઅંશે રાજકીય અને આક્ષેપ-પ્રતિઆક્ષેપના રાજકારણની આસપાસ ઘુમરાતુ રહ્યુ. એક રાજનીતિજ્ઞને છાજે તેવા પ્રવચનની વડાપ્રધાન પાસે લોકઅપેક્ષા હોય તે સ્વાભાવિક છે, પરંતુ દોઢ કલાક ચાલેલા વડાપ્રધાનના પ્રવચનમાં દર્શકો કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈને સરકારનો જયજયકાર કરવા લાગે તેવુ કંઈ જોવા-સાંભળવા મળ્યુ નહિ, એ પણ એટલી જ હકિકત છે. સરવાળે જોઈએ તો સરકાર અને વિપક્ષનુ વલણ જોતા એવુ કહી શકાય કે અવિશ્વાસ પ્રસ્તાવના જય-પરાજય કરતા દેશના નાગરીકોએ લોકસેવાના ચાર વર્ષના સરવૈયાને જાણવાની અમૂલ્ય તક વગરવાંકે ગુમાવી દીધી, તે વધુ નોંધપાત્ર છે !  

0Shares