- વિચારબેંક

ફી નિયંત્રણનો મામલો મજબૂર યે હાલાત, ઈધર ભી હૈ, ઉધર ભી..!

-સુધીર એસ. રાવલ

ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા લોકપ્રિયતા મેળવી લેવા માટે ગુજરાત સરકાર દ્વારા સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ માટે લવાયેલો ફી નિયંત્રણનો કાયદો હજુ અધ્ધરતાલ છે. અગાઉ તા. 20મી મે, 2017ના અભિયાનના અંકમાં આ કોલમમાં મેં લખેલું કે ‘ગુજરાત સરકારે આ કાયદો યોગ્ય વિચાર-વિમર્શ કે વિષયના અભ્યાસ વગર અણઘડ રીતે ઉતાવળે બનાવી દીધો છે. કાયદામાં અનેક ત્રુટીઓ છે જે અદાલતના નિરીક્ષણમાંથી તો છટકી શકે તેમ નથી, પરંતુ ન્યાયના દરબારમાં ન્યાય તોળાય તે પહેલાં ઉપરછલ્લી રીતે લાભકારી જણાતી સરકારની આવી ચેષ્ટા અનેક વિદ્યાર્થીઓ, વિદ્યાસંસ્થાઓ અને શિક્ષણ ક્ષેત્રને સમર્પિત અનેક તજજ્ઞોને પારાવાર નુકસાન કરી દેશે, તેનો ક્યાંય ગંભીરતાપૂર્વક વિચાર થઈ રહ્યો નથી, તે ચિંતાજનક છે.’  

આજે તેના સવા વર્ષ પછીના છેલ્લા સમાચાર મુજબ સુપ્રીમકોર્ટે તેના વચગાળાના હુકમમાં જે શાળાઓએ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ પોતાની દરખાસ્ત હજુ સુધી નથી કરી તેમને બે સપ્તાહમાં દરખાસ્ત કરી દેવા આદેશ કર્યો છે અને સરકાર અને સંચાલકોને સાથે મળીને ઈત્તરપ્રવૃત્તિની ફી મુદ્દે ચોક્કસ ફોર્મુલા નક્કી કરવા જણાવ્યું છે. હવે રાજ્ય સરકારે શિક્ષણ ફી સિવાયની કઈ કઈ બાબતોને વૈકલ્પિક ફી તરીકે ગણવી કે ન ગણવી ?, તે અંગેની સ્પષ્ટ રૂપરેખા બનાવવી પડશે. આ ઈત્તરપ્રવૃત્તિની વ્યાખ્યામાં સરકાર અને સંચાલકો વચ્ચે આજે પણ મતભેદો છે. રમત-ગમત, સંગીત, નૃત્ય, સ્વીમીંગ, ઘોડેસવારી જેવી અનેકવિધ ઈત્તરપ્રવૃત્તિઓ માટે વૈકલ્પિક ફી હોવી જોઈએ કે વિદ્યાર્થીઓ માટે જ ઉભી કરાયેલી વ્યવસ્થાના કારણે ફરજીયાત હોવી જોઈએ, તે અંગે સ્વાભાવિક મતભેદો પ્રવર્તી રહ્યા છે. આના કારણે ખર્ચના મામલામાં ‘સરપ્લસ’ અને ‘પ્રોફીટ’ અંગે પણ અસ્પષ્ટ ચિત્ર છે. સમગ્ર મામલામાં સામાજીક, વહિવટી, રાજકીય, શૈક્ષણિક અને કાયદાના સ્તરે જે ગરમા-ગરમ વિવાદો ચાલી રહ્યા છે, તેમાં હેતુ કરતા હઠની તરફ વધારે ઝુકાવ જોવા મળે છે. એટલું જ નહિ, શબ્દોના અર્થઘટન અને ઝીણવટપૂર્વકની વ્યાખ્યામાં રહેલા તફાવતોને સમજવાનો કોઈ સ્તરે પ્રયત્ન નથી થઈ રહ્યો તે અફસોસજનક છે. જે વિવાદો છે તેમાં શબ્દો-શબ્દો વચ્ચેના ભેદને સમજવાની અને સમજાવવાની જરૂર છે, પણ ભેદી કારણોસર તેમા કોઈને રૂચિ હોય તેવું જણાતુ નથી. 

ઉદાહરણ તરીકે ‘સરપ્લસ’ અને ‘પ્રોફીટ’ વચ્ચે ચોખ્ખો તફાવત છે. સરપ્લસ એટલે વર્ષ દરમિયાનની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત. અલબત્ત શાળા દ્વારા થતા સંચાલનમાં ખોટા ખર્ચ પર નિયંત્રણ દ્વારા બચેલુ ધન તે સરપ્લસ કહી શકાય, આ એક પ્રકારની ‘અસર’ છે. એ નફો ન પણ હોઈ શકે. જ્યારે પ્રોફીટ એટલે 100 રૂપિયાના રોકાણ પર 500 રૂપિયા ઉપજાવ્યા હોય ત્યારે આ ‘સર્જન’ કરાયેલા નાણાંને નફો યાને કે પ્રોફીટ કહેવો જોઈએ. આવો બીજો તફાવત એક્ટિવિટીઝ અને ફેસીલીટીઝ વચ્ચે સમજવા જેવો છે. એક્ટિવિટીઝ એટલે કે ઈત્તરપ્રવૃત્તિ એને કહેવાય, જે સીધી કે આડકતરી રીતે હંમેશા વિદ્યાર્થીલક્ષી, જ્ઞાનલક્ષી અને કેળવણીના ભાગરૂપે હોય. જ્યારે ફેસીલીટીઝ એટલે કે સવલતો, જે તે પ્રવૃત્તિઓને અસરકારક અને વધુ સુવિધાદાયક બનાવવા માટે જે તે સમય અને સમાજની માંગ મુજબ આપવામાં આવી હોય અને મોટા ભાગે તે ભૌતિક સગવડો પુરી પાડનારી હોય. એક વધુ તફાવત રેગ્યુલેશન અને રીસ્ટ્રીક્શન વચ્ચે સમજવા જેવો છે. રેગ્યુલેશન એટલે કે અધિનિયમન, જે કોઈપણ બાબતમાં શિસ્ત માટે અનિવાર્ય શરત છે અને તે હકારાત્મક છે. અલબત્ત મૂળ હેતુને સબળ બનાવવાની દિશામાં પ્રેરવા માટે તે હોય છે. જ્યારે રીસ્ટ્રીક્શન એટલે કે નિયંત્રણ, જે મૂળ હેતુ માટે નકારાત્મક અને બાધક છે અને સ્વતંત્રતા ઉપર કાપ સમાન છે.   

કાયદાના સ્તરે જે લડાઈ ચાલી રહી છે તેમાં આવી ઘણી બાબતોમાં અર્થઘટનના પ્રશ્નો જોવા મળે છે. શબ્દાર્થ અને ભાવાર્થની લડાઈમાં સરકારના અધિકારીઓ તો ઠીક, શિક્ષણવિદ્દો પણ ગુંચવાયેલા જોવા મળે છે. મામલો શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થયો, છતાં સર્વોચ્ચ અદાલતમાં પહોંચેલી લડાઈમાં હજુ એવા ઘણાં મુદ્દાઓ છે જે ચર્ચાના એરણે ચડ્યા જ નથી. વચગાળાનો હાલ જે હુકમ આવ્યો છે તે રાહતરૂપ કહી શકાય, પરંતુ તે સ્થાયી નથી તે પણ સમજવા જેવુ છે. ફી નિયંત્રણના કાયદા સામે અદાલતમાં ગયેલી 1800થી વધુ શાળાઓ ઉપરાંત બીજી 150 જેટલી શાળાઓ એવી છે, જેમણે ઉપસ્થિત કરેલા કાયદેસરના મુદ્દાઓની ચર્ચા તો હજુ શરૂ જ થઈ નથી ! આ શાળાઓએ તેમની પીટીશનમાં રાજ્ય સરકારની ફી નિયંત્રણની સત્તાને જ પડકારી છે, કારણ કે આ શાળાઓ લઘુમતિના દરજ્જા હેઠળ આવતી હોવાથી તેને  બંધારણના આર્ટિકલ-31 હેઠળ સ્વતંત્ર વહિવટ અને વિકાસની બાંહેધરી મળેલી છે.  

હવે આજે સરકાર બધી શાળાઓ પાસેથી દરખાસ્ત મંગાવી શકશે, તે બાબતે રાજી રાજી છે, જાણે એ જ સિધ્ધિ હોય તેવું સરકારના સત્તાવાર નિવેદનોમાં જોવા-સાંભળવા મળે છે, પરંતુ કાયદાના સ્તરે આ લડાઈ હજુ ઘણું લાંબી ચાલવાની છે, તે આવી અનેક પ્રકારની ગુંચવણોમાં સ્પષ્ટ સાબિત થાય છે. સર્વોચ્ચ અદાલતના વચગાળાના હુકમ બાદ સરકારે હવે શાળાના સંચાલકો સાથે પરામર્શ કરીને ‘સરપ્લસ’ની નીતિ નક્કી કરવાની નોબત આવી પડી છે, જે વાસ્તવમાં તેણે ફી નિયંત્રણનો કાયદો લાવતી વખતે જ કરવી જોઈતી હતી. પરામર્શ દરમિયાન એક મુદ્દો એવો પણ આવી શકે કે જો ‘સરપ્લસ’ની નીતિ ઘડવાની હોય તો સાથે ડેફીસીટની નીતિ પણ નક્કી થવી જોઈએ, જે ન્યાયસંગત છે. આ મુદ્દો એટલા માટે ઉપસ્થિત થાય કે સરકારની ભૂલો કે અન્યાયના કારણે શાળા સંચાલકોએ અદાલતોમાં ધા નાંખવી પડે છે અને મોંઘીદાટ એવી વકીલ ફી ચૂકવવી પડતી હોય છે. સરકાર માત્ર માફી માંગીને છૂટી જાય, પરંતુ આ માટે વિદ્યાસંસ્થા,  વિદ્યાર્થીઓ કે વાલીઓ શા માટે ભોગ બનવા જોઈએ ? શું સરકાર એવા કિસ્સાઓમાં વિદ્યાસંસ્થાઓને થનારું નુકસાન ભરપાઈ કરી આપવાની બાંહેધરી જે તે નક્કી કરાયેલી નીતિમાં આપી શકશે ? આ ઉપરાંત ‘સરપ્લસ’ની નીતિ એકસરખી કઈ રીતે નિર્ધારીત થઈ શકે ?, જ્યારે શાળાઓ પણ વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકો, અભ્યાસ, ઈત્તરપ્રવૃત્તિઓ, સવલતો અને સંચાલનની બાબતમાં એક સમાન હોતી નથી. સૌથી મહત્વની બાબત એ કે ગુણવત્તાસભર શિક્ષણ આપવાની નિષ્ઠા ધરાવતી અને શિક્ષણના નામે કમાઈ લેવાની વૃત્તિ ધરાવતી સંસ્થાઓ અને શાળાના સંચાલકો વચ્ચેના ભેદની સ્પષ્ટ રૂપરેખા નિર્ધારીત થઈ શકશે ?  આ સિવાય વાલી મંડળની બાબતમાં પણ ચોક્કસ નીતિ હોવી જોઈએ. વાલી મંડળમાં એવા જ વાલીઓ હોવા જોઈએ જેમના બાળકો હાલમાં અભ્યાસ કરતા હોય, નહિ કે ભૂતકાળમાં ગમે ત્યારે ભણી ચૂક્યા હોય ! સરકારે પણ વિવાદને પોતાની તક સમજતા કેટલાક મહત્વાકાંક્ષી અને કહેવાતા ચળવળકારોથી અંતર રાખવુ જોઈએ, કારણ કે ફી નિયંત્રણ સમિતિમાં સભ્ય બની જવાની તેઓની લાલસા અને વૃત્તિ-પ્રવૃત્તિનું નુકસાન છેવટે નિર્દોષ, સજ્જન અને નિરૂપદ્રવી એવા વાલીઓને જ થાય છે.

સવાલો બીજા પણ અનેક છે. શિક્ષણ જેવું પવિત્ર ક્ષેત્ર જ્યારે વિવાદોનું આંગણું બની ગયુ છે, ત્યારે સામાન્ય અવલોકન અનુસાર વિચાર એ પણ આવે કે એક તરફ શિક્ષણ એ સરકારની જ જવાબદારી છે છતાં શા માટે સરકાર ખાનગી ક્ષેત્ર પર વધુ નિર્ભર થવાની નીતિ પર ચાલે છે ?! વર્તમાન વિવાદોમાં શિક્ષણની ગુણવત્તાની ચર્ચા કે ચિંતા કેટલી ? શા માટે રાજનેતાઓ કે ઉચ્ચ સનદી અધિકારીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવાનો આગ્રહ નહિ સેવતા હોય ? તેમના બાળકોને શાળાઓમાં  લેવા-મૂકવા જતી સરકારી ગાડીઓ શું સૂચવે છે ? શું તેના પર નિયંત્રણ રાખવાનો સરકારને ક્યારેય વિચાર આવે છે ? 

અત્યારે સીન એવો છે કે સર્વોચ્ચ અદાલતનો કાયમી ચૂકાદો તો હજી આવ્યો નથી, પરંતુ વચગાળાના હુકમ સુધી કોણ કેટલું જીત્યું અને કોની વાત કેટલી સ્વીકારાઈ, તેમાં જ જે તે પક્ષકારો સંતોષ લઈ રહ્યા છે. શાળાના સંચાલકો આશ્વસ્ત છે કે તેઓએ જે દરખાસ્ત કરવાની છે તે અને સરકારે જે નિયંત્રિત કરી છે તે કાયમી નથી ! સરકાર આશ્વસ્ત છે કે તે શાળા સંચાલકોને હજુ હંફાવી રહી છે ! વાલી મંડળ આશ્વસ્ત છે કે તેનો અવાજ હજુ ક્યાંક ને ક્યાંક સંભળાઈ રહ્યો છે !  આ બધાની વચ્ચે રાજ્ય સરકારની જો કોઈ ‘ઉપલબ્ધિ’ હોય તો એ છે કે તેની અસ્પષ્ટ, અણઘડ અને અવિચારી નીતિ અને વહિવટના કારણે તે નફાખોરી કરતી શાળાઓ પર અંકૂશ તો લાદી શકી નથી, પરંતુ જાણે-અજાણે મોટા ભાગની સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં કેળવણી અર્થે શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ-વાલીઓ વચ્ચેના જરૂરી સૌહાર્દ અને પરસ્પરના આદરની ભાવના ખાસ્સે અંશે જરૂર લુપ્ત કરી શકી છે ! ફળશ્રુતિ એ છે કે સમગ્ર મામલે હવે વિદ્યાને બદલે પૈસો જ એકમાત્ર હેતૂ , સેતૂ અને સવાલ બની રહ્યો છે. ટૂંકમાં કહીએ તો…

मजबूर ये हालात, इधर भी है, उधर भी..!
शिक्षा की नहि, ‘कुछ और’ ही बात, इधर भी है, उधर भी..!?!

0Shares