- VICHAR BANK

નિરંકૂશ જગતકાજીનુ ટ્રેડ વૉર ત્રીજા વિશ્વયુદ્ધને નોંતરશે ?

-સુધીર એસ. રાવલ

વિશ્વયુદ્ધના ઈતિહાસમાં બે વિશ્વયુદ્ધને આજનો માનવી જાણે છે. પ્રથમ વિશ્વયુદ્ધ એટલે 28 જૂલાઈ 1914થી 11 નવેમ્બર-1918 સુધી યુરોપ, એશિયા અને આફ્રિકા ખંડમાં ધરતી, આકાશ અને સમુદ્રમાં લડાયેલું શસ્ત્રયુદ્ધ હતુ. આ વિશ્વયુદ્ધમાં બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, ઈટાલી અને અન્ય કેટલાક દેશોની સંયુક્ત સેના સામે જર્મની, ઓટ્ટોમની, ઓસ્ટ્રીયા-હંગેરી, બલ્ગેરીયા અને એવા બીજા કેટલાક નાના-મોટા સામ્રાજ્યનો અંત આવેલો. તેમાં વિજેતા સૈન્યના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા, 55,25,000  તથા પરાજીત સેનાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 43,86,000 હતી. ગુમ થઈ ગયેલા સૈનિકોની સંખ્યામાં વિજેતા સૈન્યના 41,21,000 અને પરાજીત સૈન્યના 36,29,000 સૈનિકો નોંધાયેલા છે. આવી ભયંકર જાનહાનીના કારણે તેને પ્રથમ વિશ્વયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વયુદ્ધનુ મૂળભૂત કારણ એ હતુ કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે બધા જ મોટા દેશો એવું મૂડીરોકણ ઈચ્છતા હતા કે જ્યાંથી તેઓ કાચો માલ મેળવી શકે અને બધા તેમના દેશમાં બનાવેલી ચીજોનુ વેચાણ કરી શકે. આ હેતુ  સિદ્ધ કરવા માટે દરેક દેશ બીજા દેશ પર આધિપત્ય જમાવવાની ફિરાકમાં રહેવા લાગ્યો અને તે જ હેતુ સાથે સૈનિક શક્તિ વધારવા લાગ્યો. કેટલીક ગુપ્ત સમજૂતિઓ થઈ, જેના કારણે જુદા જુદા દેશો વચ્ચે અવિશ્વાસ અને વૈમનસ્ય વધવા લાગ્યું અને છેવટે યુદ્ધ અનિવાર્ય બની ગયુ.

ત્યાર પછીનુ બીજુ વિશ્વયુદ્ધ એટલે 1-સપ્ટેમ્બર, 1939 થી 2-સપ્ટેમ્બર, 1945 સુધી ચાલેલુ મહાયુદ્ધ. યુરોપ, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક, દક્ષિણ-પૂર્વ એશિયા, ચીન, મધ્ય-પૂર્વ, ભૂમધ્ય સાગર, ઉત્તર આફ્રિકા, હોર્ન ઓફ આફ્રિકા અને કેટલોક ઉત્તર અને દક્ષિણ અમેરિકાના વિસ્તારને આવરી લેતા આ બીજા વિશ્વયુદ્ધમાં -લગભગ 70 જેટલા દેશો ધરતી, આકાશ અને સમુદ્રમાં લડ્યા હતા. આ મહાયુદ્ધ મિત્ર દેશો અને દુશ્મન દેશો એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલુ. મિત્ર રાષ્ટ્રોનો વિજય અને જર્મની, જાપાન સહિત સામેના છેડે રહેલા અન્ય દેશોનો પરાજય થયેલો. આ મહાયુદ્ધમાં લગભગ દરેક દેશોએ પોતાની આર્થિક, ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્ષમતાને યુદ્ધમાં હોમી દીધેલી. વિજેતા સૈન્યના 1,60,00,000 થી વધારે સૈનિકો અને પરાજીત સૈન્યના 80,00,000 થી વધારે સૈનિકો શહીદ થયેલા. વિજેતા દેશોના કુલ સાડા ચાર કરોડથી વધારે અને પરાજીત દેશોના ચાલીસ લાખથી વધારે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયેલા. આ બીજા વિશ્વયુદ્ધના કારણો તપાસીએ તો દેખીતા કારણો ભલે જુદા જુદા છે, પરંતુ તેના મૂળમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી જેમ ‘જમ ઘર ભાળી જાય’ તેમ આપણે જ વિકસિત કરેલી સભ્યતામાં આધિપત્ય, વૈમનસ્ય, સ્વાર્થ અને વિનાશના રોપાયેલા બીજ વિકૃત સ્વરૂપે બહાર આવ્યા હતા.

વિશ્વનો ઈતિહાસ તપાસીએ તો એક તરફ ગ્લોબલાઈઝેશનનો વાયરો ફૂંકાઈ રહ્યો છે અને વ્યાપર ઉદ્યોગ ક્ષેત્રે સરહદો ક્ષીણ થતી જણાય છે, પરંતુ શક્તિશાળી મહાસત્તાઓ જ્યારે માત્ર પોતાના દેશના હિતનો વિચાર કરવા લાગે ત્યારે જે પરિસ્થિતિ પેદા થાય તેમાં સશસ્ત્ર યુદ્ધની પહેલાં આર્થિક મોરચે જે લડાય છે તેને ‘ટ્રેડ વૉર’ કહે છે. આવા ટ્રેડ વૉર શરૂ કરવાની પાછળ પણ પોતાના દેશનો સ્વાર્થ, અન્ય દેશો પર આધિપત્ય જમાવવાની લાલસા, પ્રતિસ્પર્ધી દેશો સામેનું વૈમનસ્ય અને અન્યોના વિનાશ થકી પોતાના વિકાસ જેવી જંગાલિયતભરી નીતિ જવાબદાર હોય છે. વળી આની શરૂઆત પણ ક્યાંક ને ક્યાંક સત્તાના મદમાં ભાન ભૂલેલા કોઈને કોઈ શક્તિશાળી અને નિરંકૂશ શાસક દ્વારા જ થયેલી હોવાનો ઈતિહાસ નજર સમક્ષ છે. 

અત્યારે અમેરિકાના તુંડમિજાજી પ્રમુખ એવા ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે શરૂઆત કરીને જગતભરના દેશોમાં હાહાકાર મચાવી શકે તેવુ ટ્રેડ વૉર શરૂ કરીને દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ ભણી દોરી જવાની જે મદાંધ પહેલ કરી છે, તેને અમેરિકા સહિતના દેશોના અર્થશાસ્ત્રીઓ, તજજ્ઞો અને ચૂનંદા રાજકીય વિશ્લેષકો ભારે ટીકા કરી રહ્યા છે. ચીને છેલ્લા પાંચ વર્ષોમાં એશિયા, પૂર્વ યુરોપ અને આફ્રિકામાં અનેક મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાંખ્યો છે. વિશ્વસ્તરે પ્રભાવી બનવા ચીનના અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ચીનની વૈશ્વિક યોજના વન બેલ્ટ વન રોડનો પણ સમાવેશ થાય છે. અમેરિકાની ઝડપભેર બદલાતી જતી આર્થિક નીતિઓના કારણે આંતરરાષ્ટ્રિય સ્થિતિમાં અનિશ્ચિતતાઓ વધી છે અને તેથી ચીને પોતાની કંપનીઓને સાવચેતીપૂર્વક આગળ વધવા જણાવી દીધુ છે. ટ્રેડ વૉરના કારણે તેના બજારો ‘રીસ્ક-ઓફ’ પીરીયડમાં જતા રહ્યા છે, જ્યાં તમામ સંપત્તિના ભાવોમાં ઘટાડો જોવા મળે છે. આના કારણે ઉભરતા બજાર ક્ષેત્રે નિકાસ ઓછી રહેવાના કારણે જીડીપી પર વિપરીત અસર થઈ રહી છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપારમાં ચીનને ફાયદો એટલા માટે હતો કે ચીનનો અમેરિકા સાથે 375 અબજ ડોલરનો વેપાર હતો, જેને હવે ફટકો પડ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વૉરનો મોટો લાભ અમેરિકી ડોલરને થઈ રહ્યો છે. આ ટ્રેડ વૉરમાં હવે અન્ય દેશોએ પણ ઢસડાવુ પડ્યું છે. અમેરિકા અને ચીન, અમેરિકા અને યુરોપ એમ બંનેએ એકબીજા સામે આયાત ડ્યૂટી વધારી દીધી છે. ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસ પણ આ ટ્રેડ વૉરની હડફેટે ચઢી ગઈ છે, એવું કહી શકાય કારણ કે, ભારત અને અમેરિકા વચ્ચેના વેપારમાં 23 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે.

અમેરિકાએ ભારતને પણ ઈરાનમાંથી ક્રૂડની આયાત બંધ કરી દેવાની ધમકી આપી છે અને આપણી સરકારે તેના આધારે ઓઈલ કંપનીઓને ઈરાન સિવાય બીજે ક્યાંથી ઓઈલ લઈ શકાય તે અંગે વિચારવાનું પણ કહી દીધુ છે. ભારત સૌથી વધુ ક્રૂડ આયાત ઈરાક અને સાઉદી અરબમાંથી કરે છે. ઈરાન ભારતનો ત્રીજો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ છે. ભારતે હવે અન્ય અખાતી દેશો અને અમેરિકા પર ક્રૂડ માટે નિર્ભર રહેવુ પડે તેવો ઘાટ સર્જાયો છે. ટ્રમ્પની દુનિયાના દેશોને ઈરાન સાથે આર્થિક વ્યવહાર ન કરવાની ચેતવણી પછી ક્રૂડના આંતરરાષ્ટ્રિય ભાવોમાં ઉછાળો આવ્યો છે. હવે અમેરિકા અને ભારત વચ્ચેના શરૂ થઈ ગયેલા ટ્રેડ વૉરના પગલે અમેરિકી ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સાવ ગગડીને 68.61 સુધી પહોંચી ગયુ છે. 

વિશ્વવ્યાપારની દ્દષ્ટિએ જોઈએ તો અર્થતંત્ર પર અમેરિકાનુ વર્ચસ્વ તેના મહત્વના કારણે છે તે નિર્વિવાદ છે. વિશ્વની આયાતમાં તેનો એકલાનો ફાળો 9.12 ટકા અને નિકાસમાં 16.88 ટકા છે. એ જ રીતે વાણિજ્ય ક્ષેત્રે  15.24 ટકા અને સેવા ક્ષેત્રે તેનો ફાળો 10.27 ટકા છે. એક અંદાજ પ્રમાણે વિશ્વના વેપારના 25 ટકા જેટલો માતબર હિસ્સો માત્ર એક દેશ એટલે કે અમેરિકા ધરાવે છે. મુશ્કેલી એ છે કે અમેરિકાએ આર્થિક મોરચે તેની નવી અને તોડ-ફોડ કરનારી વિદેશનીતિમાં પોતાના સિવાય અન્ય કોઈ પણ દેશના હિતોની પરવા કરી નથી. પોતાનો કક્કો જ ખરો, એવા અમેરિકી પ્રમુખના વલણમાં વૈશ્વિકસ્તરે આર્થિક ઉદારીકરણના જે સિદ્ધાંતો જળવાવા જોઈએ તેનુ નખ્ખોદ નિકળી રહ્યું છે. સામાન્ય રીતે પરસ્પરના હિતોની ચિંતા થવી જોઈએ અને અરસ-પરસના લાભની નીતિઓ જળવાવી જોઈએ, તેમાં અમેરિકાએ હવે શરમ નેવે મૂકીને ભૂતકાળમાં પોતે કરેલી સમજૂતિઓ પણ તોડી નાંખી છે. ઈતિહાસ દર્શાવે છે કે ટ્રેડ વૉર ક્યારેય લાભદાયી સાબિત થયુ નથી, કે કોઈનાથી સરળતાપૂર્વક જીતી શકાયુ નથી. હાલના ટ્રેડ વૉરમાં પણ અમેરિકા પોતાના ટૂંકાગાળાના લાભો ભલે મેળવી જાય, પરંતુ આગળ જતા દુનિયાના દેશો-દેશો વચ્ચેના આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક અને રાજકીય સંબંધોના તાણાંવાણાં એટલી હદે અરસ-પરસ ગુંથાયેલા છે કે ટ્રમ્પ પ્રશાસન પોતે જ રચેલા જાળામાં ફસાઈ જાય તો નવાઈ નહિં..

ટ્રેડ વૉરમાં ભારતનું જ વિચારીએ તો 2017-18ના બજેટમાં કેન્દ્ર સરકારે આયાતી ચીજો પર કર વધારીને પોતાની આવક વધારવાની યોજના બનાવી હતી, પરંતુ તે સમયે અમેરિકાની સરકાર આવો વળતો પ્રહાર કરશે, તેવુ કોઈએ વિચાર્યુ નહોતુ. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ભારતે પણ 28 ચીજો પર ડ્યુટી નાંખીને અમેરિકાની નીતિ અખત્યાર કરી છે, એવું જણાય છે. છેલ્લા 4 વર્ષમાં ભારતની નિકાસ ઉત્સાહવર્ધક નથી રહી ત્યારે લાગે છે કે, ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ વિચારાયેલા આર્થિક વિકાસને વધુ ફટકો પડશે. ભારત એ અમેરિકા કે ચીન જેવો મોટુ માર્કેટ ધરાવતો દેશ ન હોવા છતાં નજરઅંદાજ કરી શકાય તેવો દેશ હરગીઝ નથી. હાલના તબક્કે ટ્રેડ વૉરમાં ભારત પોતે અમેરિકા કે ચીન સામે જોરદાર ટક્કર આપી શકે તેમ ભલે નથી, પરંતુ આવનારા દિવસોમાં પરિસ્થિતિ જે રીતે સંવેદનશીલ તથા ચિંતાજનક બની રહી છે, તે જોતા આપણી વિકાસયાત્રાને અનિચ્છનિય પડકારો સામે રક્ષણ આપવા માટે ભારતે અમેરિકા, ચીન તથા અન્ય મહત્વના દેશો સાથે સંવાદનો સેતૂ જાળવી રાખીને કોઈ દેશના પ્રભાવમાં આવ્યા વગરની પોતાની સ્પષ્ટ નીતિ પરનો અમલ ચાલુ રાખવો વધુ હિતાવહ રહી શકે છે. 

.. અને છેલ્લે, આજનું વકરતુ જતુ ટ્રેડ વૉર આવતીકાલના વર્લ્ડ વૉરમાં ન પરિણમે તે માટે દુનિયાભરના દેશોના શાસકોએ પણ નિરંકૂશ બનતા જતા જગતકાજી સામે સમજદારીપૂર્વકના સહિયારા પ્રયાસો કરવા પડશે, જે આજના સમયની માંગ છે.     

0Shares