- વિચારબેંક

લોકશાહીમાં એક પક્ષની સત્તા બહેતર કે મોરચા સરકારોને પણ તક ?

-સુધીર એસ. રાવલ

એક સમય હતો જ્યારે દેશમાં એકચક્રી શાસન ચલાવી રહેલા લોખંડી મનોબળ ધરાવતા ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પરાસ્ત કરવા વિપક્ષો એક થયા હતા. નવનિર્માણ આંદોલનની અસર અને કોંગ્રેસ સામેના વિરોધના કારણે જયપ્રકાશ નારાયણ જેવા લોકનાયકની આગેવાની હેઠળ વિપક્ષોએ સાથે મળી દેશને કોંગ્રેસનો વિકલ્પ આપવા માટે જનતા પાર્ટીની રચના કરેલી. તે સમયે દેશની જનતાએ રાજકીય ઘટનાક્રમોને ઉત્સુકતાપૂર્વક નિહાળી વિપક્ષોને એક તક આપવા નક્કી કર્યું અને 1977માં  મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટીને સુકાન સોંપેલું. તે સમયે કટોકટી બાદ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા અને ચૂંટણી હારી ચૂકેલા ઈન્દિરા ગાંધીએ વિપક્ષોની એકતાને નારંગીના ફળ સાથે સરખાવી હતી. નારંગી જે રીતે બહારથી એક પડ ધરાવે છે, પરંતુ અંદર તેની ફાડો (ચીર) અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે અને સરળતાથી છૂટી પડી શકે છે. આથી ઈન્દિરા ગાંધીએ સત્તા માટે ભેગા થયેલા વિપક્ષોની એકતા નારંગીની માફક ટુંક સમયમાં છૂટી પડી જશે તેવી આગાહી કરી હતી, જે અક્ષરશ: સાચી પડી હતી. જનતા પાર્ટીનું શાસન માંડ અઢી વર્ષ ટકેલુ. અંદરો-અંદર વિખવાદ કરી રહેલા ઘટક પક્ષો વચ્ચે એકસૂત્રતા થઈ ન શકી. 1979માં ચરણસિંહે વડાપ્રધાન બનવા માટે કોંગ્રેસનુ સમર્થન માંગ્યુ અને વડાપ્રધાન બની પણ ગયા. તેમણે પાંચ મહિના સત્તાનુ સુખ ભોગવ્યું અને એક દિવસ પણ સંસદમાં વડાપ્રધાન પદે બેસી ન શક્યા. આ સમયગાળા દરમિયાન આજનો ભારતીય જનતા પક્ષ એ જનતા પક્ષનો જ હિસ્સો હતો. આ અઢી વર્ષ દરમિયાન દેશની જનતાએ રાજકીય સ્તરે જે અસ્થિરતા જોઈ તેનાથી નિરાશ થઈ ફરી 1980માં ઈન્દિરા ગાંધીને જ પ્રચંડ બહુમતિ સાથે સત્તાના સિંહાસન પર બેસાડી દીધા. 

વિપક્ષોની એકતાનો બીજો તબક્કો શરૂ થયો હતો 1989માં. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીથી નારાજ થઈ તેમનાથી છૂટા પડેલા વિશ્વનાથ પ્રતાપસિંહે મૂલ્યનિષ્ઠ રાજકારણની વાત કરીને દેશની જનતામાં આશાનો સંચાર કર્યો હતો. તે સમયે કોંગ્રેસથી દુ:ખી એવા કેટલાંય નેતાઓ તેમની સાથે જોડાયેલા અને જુદા જુદા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોએ પણ તેમના જનતા દળને સમર્થન કરતા 1989માં તેમના વડાપ્રધાન પદ હેઠળ સરકાર રચાયેલી. વિશ્વનાથ પ્રતાપસિંહ મંડલ કમિશનનું અનામતનું રાજકારણ કરવા ગયા અને રાજકીય અપરિપકવતાના કારણે સત્તા પર ટકી ન શક્યા. વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષી ફરિફાઈમાં હવે ચંદ્રશેખરનો વારો હતો. કોંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને સાત જ મહિનામાં સાવ ક્ષુલ્લક કારણ સાથે ટેકો પાછો પણ ખેંચી લીધો. રાજકીય અસ્થિરતા વચ્ચે 1991માં ચૂંટણીઓ યોજાઈ અને કોંગ્રેસના નરસિંહ રાવે સંસદમાં કોંગ્રેસ પક્ષની પૂર્ણ બહુમતિ ન હોવા છતાં કૂનેહભર્યું પાંચ વર્ષનું સ્થિર શાસન આપ્યું. આથી રાજકીય સ્થિરતા એ કોંગ્રેસનું જમા પાસુ ગણાવા લાગ્યુ. જો કે 1996માં ફરી વિપક્ષોનો જાણે સુવર્ણકાળ આવ્યો. આટલા સમય દરમિયાન ભારતીય જનતા પક્ષનું રાજકીય કદ ખાસ કહી શકાય તેવું જામ્યું નહોતુ. 1996માં કોંગ્રેસને પૂરતી બેઠકો ન મળતા તેણે વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું અને ભાજપે સરકાર રચવા દાવો કર્યો અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ બે અઠવાડીયામાં જ રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ યુનાઈટેડ ફ્રન્ટના નેજા હેઠળ ભાજપ અને કોંગ્રેસ બંને સામે જેમને વાંધો હતો તેવા પક્ષો ભેગા થયા અને બગાસુ ખાતા પતાસુ મોંમાં આવી પડે તેમ કર્ણાટકના દેવગૌડા નસીબજોગે રાતો-રાત વડાપ્રધાન બની ગયા અને તેમણે કેન્દ્રમાં મોરચા સરકાર રચી દીધી. આ સરકારને કોંગ્રેસે અને ડાબેરી પક્ષોએ બહારથી સમર્થન આપેલું. આવા બહારથી અપાયેલા સમર્થનના કારણે દેવગૌડા સરકારની સ્થિરતા અંગે પહેલેથી જ આશંકાઓ જન્મેલી. દેવગૌડા દસ મહિના વડાપ્રધાન પદે રહ્યા અને ત્યારબાદ વડાપ્રધાન બનેલા આઈ. કે. ગુજરાલ પણ એક વર્ષ પૂરૂ કરી ન શક્યા. કુલ મળીને વીસ મહિનામાં જ કેન્દ્રમાં સંયુક્ત મોરચાની સરકારનો પ્રયોગ નિષ્ફળ ગયો. આ અલ્પજીવી સરકારોમાં આંતરિક વિખવાદો અને વિચારભેદ સૌથી મહત્વના કારણો હતા. 

હવે આજે ફરી એવો સમય આવ્યો છે જેમાં વિપક્ષો એક થઈ રહ્યા હોવાનો આભાસ થાય છે. મુખ્ય ફર્ક એ છે કે કોંગ્રેસના સ્થાને ભાજપ છે અને ઈન્દિરા ગાંધી વિરોધના સ્થાને નરેન્દ્ર મોદી વિરોધ જોવા મળે છે. જો કે અગાઉની અને આજની પરિસ્થિતિ વચ્ચે ઘણો ભેદ છે. જુદા જુદા રાજ્યોમાં રાજકીય પરિસ્થિતિ ખાસ્સી બદલાઈ ચૂકી છે. પ્રાદેશિક પક્ષોની સ્થિતિ વચ્ચે મોટો તફાવત છે. નેતાઓ વચ્ચે મત-મતાંતર અને સંવાદિતાનો અભાવ એટલી હદે છે કે ભૂતકાળના અનુભવો જોતા તેમના વચ્ચે થઈ રહેલી કે થનારી એકતા પર ભરોસો મૂકી શકાય તેમ નથી. પ્રાદેશિક પક્ષોની મજબૂરી એ છે કે રાષ્ટ્રિય પક્ષ સાથે સમજૂતિ કરવા જતા પોતાના પ્રદેશમાં જનસમર્થનની બાબતમાં તેણે પોતે ઘસારો વેઠવો પડે છે. વળી દરેક રાજ્યોની સમસ્યાઓ જુદી જુદી છે, પ્રાથમિકતાઓ અલગ અલગ છે અને રાજકીય સમીકરણો પણ એટલા ભિન્ન છે કે રાષ્ટ્રિય સ્તરે એક મંચ પર સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ આપવો હોય તો પણ તેઓને મુશ્કેલી પડે. આ પક્ષો વચ્ચે એવું કોઈ પ્રભાવી વ્યક્તિત્વ પણ નથી કે જે સૌની વચ્ચે એકસૂત્રતા આણી શકે. 

દેશભરમાં આંકડાઓની દ્દષ્ટ્રિએ વિપક્ષોની સ્થિતિ પર નજર કરીએ તો હાલ 11 જેટલા પક્ષો કર્ણાટકની નવી સરકારના શપથ સમારોહમાં એક સાથે મંચ પર જોવા મળેલા. આ પક્ષો અને હાજર રહેલા નેતાઓમાં સૌથી મોટો પક્ષ કોંગ્રેસ છે. સંખ્યાબળની દ્દષ્ટ્રિએ લોકસભા અને જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓની પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસના રાહુલ ગાંધી પાસે 48 સાંસદો અને 1518 ધારાસભ્યો છે. શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના 6 સાંસદો અને મહરાષ્ટ્રમા 45 ધારાસભ્યો છે. ઉત્તરપ્રદેશમાં માયાવતીના બહુજન સમાજ પાર્ટી પાસે સાંસદો એક પણ નથી, પરંતુ 28 ધારાસભ્યો છે. આ જ રાજ્યના સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પાસે 7 સાંસદો અને 47 ધારાસભ્યો છે. અજીતસિંહના રાષ્ટ્રિય લોકદળ પાસે કોઈ જ ધારાસભ્યો કે સાંસદો નથી, છતાં તે હજુ નેતા ગણાય છે. કારણ કે તે ફાયદો કરાવે કે ન કરાવે, નુકસાન જરૂર કરાવી શકે. કોમ્યુનિષ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સીતારામ યેચુરી પાસે 142 ધારાસભ્યો અને 9 સાંસદો છે. કર્ણાટકના નવા મુખ્યપ્રધાનના પિતાશ્રી અને ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાના જનતા દળ (એસ) પાસે 2 સાંસદો અને 39 ધારાસભ્યો છે. બિહારના રાષ્ટ્રિય જનતા દળના તેજસ્વી યાદવ પાસે 4 સાંસદો અને 80 ધારાસભ્યો છે.  આંધ્રપ્રદેશના તેલગુદેશમ પાર્ટીના ચંદ્રાબાબુ નાયડુ હજુ હમણાં સુધી ભાજપના પક્ષે હતા, પરંતુ હવે ફરી વિપક્ષો સાથે સમજૂતિ કરવાના મૂડમાં છે. તેમની પાસે 16 સાંસદો અને 127 ધારાસભ્યો છે. પશ્ચિમ બંગાળના ફાયરબ્રાન્ડ નેતા એવા તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી પાસે 34 સાંસદો અને 213 ધારાસભ્યો છે. નાનકડા એવા દિલ્હી રાજ્યના અરવિંદ કેજરીવાલ પણ 4 સાંસદો અને 106 ધારાસભ્યો સાથે નોંધપાત્ર બળ ધરાવે છે. 

આ સિવાય સત્તા પર બિરાજમાન એનડીએના શિવસેના જેવા કેટલાંક ઘટક પક્ષોને પણ ભાજપની નીતિ-રીતિ તથા કાર્યશૈલીથી તેમની સાથે કામ કરવામાં અને અસ્તિત્વ ટકાવવામાં નાકે દમ આવી ગયો હોવાથી તેઓ પણ વિપક્ષી એકતા કેવો આકાર લે છે, તેના પર નજર રાખી રહ્યા છે. ઓરિસ્સાના નવીન પટનાયકનો બીજૂ જનતા દળ, તામિલનાડુનું શશીકલા જૂથ, તેલંગાણાના ચંદ્રશેખર રાવની ટીઆરએસ, આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસ તથા એઆઈએમઆઈએમ જેવા પ્રાદેશિક પક્ષો પણ ભાજપથી એ હદે નારાજ જોવા મળે છે કે ભાજપ ચિંતામુક્ત રહી ન શકે. વિપક્ષો જો સાચા અર્થમાં એક મંચ પર આવે તો 2019ની લોકસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ પ્રબળ બને, પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે તે સંભવ બનવુ પણ એટલું જ કઠિન છે. વડાપ્રધાન કોણ બને ? તે બાબતે જ વિપક્ષી એકતાના અભિયાનના સઢમાંથી હવા નિકળી જાય તેવો ઘાટ હાલ જણાઈ રહ્યો છે. 

અલબત્ત છેલ્લા ઘણાં સમયથી કોંગ્રેસ જે રીતે રણનીતિક દ્દષ્ટ્રિએ બરાબર આગળ વધી રહી છે, ત્યારે એવું લાગે છે કે તે પોતાના મહત્વના હૂકમના પત્તા હમણાં નહિં ખોલે. ભાજપ પણ વ્યૂહાત્મક સ્તરે અકળ રણનીતિ અપનાવશે, તે સ્પષ્ટ છે. ભારતીય રાજકારણમાં પ્રિયંકા ગાંધીનુ નામ સતત ગુંજતુ રહ્યું હોવા છતાં કોંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી. સામ પિત્રોડા જેવા ટેકનોક્રેટને પડદા પાછળ સક્રિય રાખવાની રણનીતિ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચર્ચાસ્પદ બની રહી છે. ભાજપમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વને ત્યાં સુધી કોઈ પડકાર નથી, જ્યાં સુધી તેઓ મતદારોને આકર્ષતા રહેશે. ભાજપને સંપૂર્ણ બહુમતિ ન મળે તેવા સંજોગોમાં એનડીએની સરકાર રચવાની નોબત આવે તો વડાપ્રધાન તરીકે નવા નામોની ચર્ચાઓ શરૂ થાય તો નવાઈ નહિ ! 

આમ, 2019ની લોકસભાની ચૂંટણી જીતવા માટેની ચિંતા દરેક પક્ષને ઉજાગરા કરાવી રહી છે. લોકશાહીમાં એક પક્ષની સત્તા બહેતર કે મોરચા સરકારોને પણ તક આપવી ? એ સવાલ આજે ભારતની જનતા સમક્ષ વિચાર કરવા માટે આવી ઉભો છે. જોવાનું રહેશે કે જનતાજનાર્દન કેવો નિર્ણય લેશે ?     

0Shares