- જન પ્રતિનિધિ

પરસોત્તમ સોલંકીઃ ગુજરાતના આ ‘ભાઈ’ને કોઈ ના અવગણી શકે

ગુજરાતના રાજકારણમાં દબંગ ગણાય તેવા નેતા આંગળીને વેઢે ગણાય એટલા છે. વિજય રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકી આ કેટેગરીમાં આવે જ એ વાતનો ઈન્કાર કોઈ ના કરી શકે. સૌરાષ્ટ્રના આ કોળી નેતાએ પોતાની વ્યક્તિગત તાકાત પર ગુજરાતના રાજકારણમાં પોતાની જગા બનાવી છે અને એવી જગા બનાવી છે કે કોઈ તેમને અવગણી ના શકે. 

પરસોત્તમ સોલંકી ગુજરાતના રાજકારણમાં આવ્યા તે પહેલાં મુંબઈ હતા, મુંબઈમાં તેમના પિતા સામન્ય મિલ કામદાર હતા. સોલંકી પોતે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનીયર છે પણ તેમને રાજકારણમાં વધારે રસ હતો. તેમણે શિવસેનાના કાર્યકર તરીકે કારકાર્દી શરૂ કરી હતી. 1992માં બાબરી મસ્જિદના ધ્વંશ પછી થયેલાં તોફાનોમાં સોલંકીની ભૂમિકા વિવાદાસ્પદ રહી હતી. 

તેમની સામે ટેરરિઝમ એન્ડ ડીસ્ટ્રક્ટિવ એક્ટ (ટાડા) હેઠળ કેસ પણ નોંધાયો હતો. મુંબઈમાં એ સિવાય તેમની સામે બીજા પણ ગુના નોંધાયા હતા. આ ગુના પણ ગંભીર પ્રકારના છે ને એ રીતે સોલંકી મુંબઈમાં દાગી નેતા ગણાતા હતા. 

મુંબઈનાં 1993નાં રમખાણોની તપાસ કરનારા શ્રીકૃષ્ણ પંચે સોલંકીનો ઉલ્લેખ કર્યો છે. જો કે પોતાના વિસ્તારમાં તેમની છાપ રોબિનહૂડ તરીકેની હતી. રમખાણોના સમયમાં પોતાના લોકોનું રક્ષણ કરનારા મસિહા તરીકે તે સ્થાપિત થયા હતા. 

મુંબઈમાં રાજકીય કારકિર્દી શરૂ કર્યા પછી સોલંકીએ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને 1990ના દાયકામાં ગુજરાતમાં સક્રિય થયા. વનત ભાવનગર જિલ્લમાં કોળી સમાજના વિકાસ માટેની પ્રવૃત્તિઓ શરૂ કરીને કોળી સેના બનાવી. તેના કારણે તે સ્થાપિત થયા પછી તેમણે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું. 

પરસોત્તમ સોલંકીએ પહેલી વાર 1996ની લોકસભા ચૂંટણી લજી અને પોતાની પહેલી જ ચૂંટણીનાં પોતાની નોંધ લેવડાવી હતી. એ વખતે સોલંકી ભાવનગર લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. સોલંકી જીતી તો ના શક્યા પણ તેમણે ભાજપના દિગ્ગજ નેતા રાજેન્દ્રસિંહ રાણાને ફીણ પડાવી દીધું હતું. 

સોલંકી બીજા નંબરે રહ્યા હતા અને માત્ર આઠેક હજાર મતથી હારી ગયા હતા. આ ચૂંટણીમાં સોલંકીએ ભાજપને પોતાની કોળી પાવરનો પરચો બતાવ્યો પછી ભાજપ તેમને અવગણી શકે તેમ નહોતો. ભાજપે સોલંકીને પક્ષમા લઈ લીધા. એ વખતે સોલંકીના ભૂતકાળને કારણે ભારે વિરોધ થયેલો પણ કેશુભાઈ પટેલના કારણે એ ટકી ગયા. 

ભાજપે 1998ની ચૂંટણીમાં સોલંકીને ઘોઘા બેઠક પરથી ટિકિટ આપી અને સોલંકી સરળતાથી જીતી ગયા. એ પછી સોલંકી 2002 અને 2007માં પણ ઘોઘાથી જીત્યા. નવા સીમાંકનના કારણે 2012માં ઘોઘા બેઠક નાબૂદ થતાં સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા. 

કોગ્રેસના શક્તિસિંહ ગોહિલ જેવા ધુરંધર નેતાને હરાવીને તે જીત્યા હતા. 2017માં પણ તે ફરી જીત્યા. સોલંકીએ 2003માં નરેન્દ્ર મોદી સામે બળવો કરીને ભાજપના નેતાઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મોદીએ તેમને પ્રધાનપદ આપીને મનાવવા પડ્યા હતા અને ત્યારથી તે ગુજરાતમાં પ્રધાન છે.  

સોલંકી બીજા વિવાદમાં પણ સપડાયેલા છે. ગુજરાતના રાજ્ય કક્ષાના માછીમારી પ્રધાન તરીકે તેમણે 400 કરોડનું કૌભાંડ કરેલું તેવો કેસ હાઈકોર્ટમાં ચાલે છે. 

જો કે સોલંકીને તેનાથી કશો ફરક પડતો નથી. કોળી સમાજના સર્વમાન્ય નેતા તરીકે સ્થાપિત થઈ ગયેલા સોલંકીની રાજકીય તાકાત એટલી જબરદસ્ત છે કે તેમને કશું થઈ શકે તેમ નથી. 

0Shares