- JAN PRATINIDHI

અમી યાજ્ઞિકઃ મહિલાઓમાં જાગૃતિ લાવવા ઝઝૂમતાં નેતા

અમી યાજ્ઞિકની 2018માં કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી ત્યારે ઘણાંને આશ્ચર્ય થયેલું. કોંગ્રેસમાં પણ વિરોધનો સૂર ઉઠેલો અને તેનું કારણ એ હતું કે, અમી યાજ્ઞિક વિશે લોકોને બહુ જાણકારી નહોતી. અમી યાજ્ઞિકના યોગદાન અને તેમની કામગીરી વિશે ખબર પડી તેમ તેમ આ વિરોધ શમતો ગયો. લોકોને લાગા માંડ્યું કે, કોંગ્રેસે રાજ્યસભાના સભ્ય તરીકે એક લાયક વ્યક્તિને પસંદ કરી છે. 

અમી યાજ્ઞિક લો પ્રોફાઈલ છે પણ તેમનું સમાજસેવા ક્ષેત્રે મોટું યોગદાન છે. 27 જુલાઈ, 1959ના રોજ અમદાવાદમાં જન્મેલાં અમીબેનની કારકિર્દી અત્યંય યશસ્વી છે. બી.એસસી. કરીને એલ.એલ.બી. થનારાં અમીબેને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ધ સાયન્સ ઓફ લો (જેએસએમ) અને ડોક્ટર ઓફ ધ સાયન્સ ઓફ લો (જેએસડી) ડીગ્રીઓ પણ મેળવી છે. 

અમીબેને 1984માં વકીલાત શરૂ કરી અને  છેલ્લા સાડા ત્રણ દાયકાથી વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. આ સાડા ત્રણ દાયકાની પ્રેક્ટિસ દરમિયાન તેમણે અગણિત લોકોને મદદ કરી છે અને સંખ્યાબંધ લોકોના કેસ વિના મૂલ્યે લડ્યા છે. આ દરમિયાન તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર તથા એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે પણ કામ કર્યું છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને વતી તે કેસ લડી ચૂક્યાં છે. 

અમીબેનને વકીલાતનાં શરૂઆતનાં વરસોમાં જ એક અનુભવ સતત થતો કે, આપણા ન્યાયતંત્રમાં પણ ભેદભાવ છેઅને મહિલાઓને ન્યાય મેળવવામાં તકલીફ પડે છે. આ કારણે તેમણે મહિલાઓને ન્યાય અપાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બળાત્કાર જેવા ગંભીર ગુના હોય કે પછી ઘરેલુ હિંસાના કેસ હોય, મહિલાઓના કેસો લડવા અમીબેન હંમેશાં તત્પર હોય છે. 

આ રીતે તેમણે સેંકડો મહિલાઓને ન્યાય અપાવ્યો છે. અમીબેને મહિલાઓમાં કાયદાકીય બાબતો વિશે જાગૃતિ આવે તે માટે પણ ઝુંબેશ શરૂ કરી છે. ગુજરાતમાં ઠેર ઠેર ફરી ફરીને તે સેમિનાર તથા અન્ય માધ્યમથી મહિલાઓને કાયદાકીય બાબતો વિશે જાગૃત કરવા અભિયાન ચલાવે છે. ગુજરાતનાં બે ટોચનાં અખબારોમાં કાનની બાબતો અંગે જાગૃતિ લાવવા તે કોલમો પણ લખે છે. 

ગુજરાતમાં બહુ ગાજેલા પાટણ ગેંગ રેપ કેસમાં તેમણે પીડિતાને ન્યાય મળ તે માટેભદવેલી ભૂમિકાની ભારે સરાહના થઈ હતી. અમીબેને ગુજરાતમાં થતી દીકરીઓની ભ્રૂણ હત્યા સામે પણ ઉગ્ર ઝુંબેશ ચલાવી છે. ગુજરાતમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓનું પ્રમાણ અત્યંત ઓછું છે તેની સામે જાગૃતિ લાવવા પણ તે સતત મથે છે. 

અમીબેનની છાપ એક નિર્ભિક અને સ્પષ્ટવક્તા મહિલા તરીકેની છે. ગુજરાતમાં ટીવી ચેનલો પરની ચર્ચાઓમાં તે ગુજરાતની ભાજપ સરકાર તથા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની આકરી ટીકા કરતાં તેના કારણે કોંગ્રેસની નેતાગીરીનું તેમના તરફ વિશેષ ધ્યાન ખેંચાયું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તરીકે તેમની નિમણૂક કરાઈ હતી. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ વતી તેમણે મીડિયામાં આક્રમક પ્રચાર કર્યો હતો. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે પત્રકાર પરિષદમાં હાજર રહીને તે ભાજપ સામે આક્રમક રીતે લડતાં હતાં. આ આક્રમકતાની કદર કરીને કોંગ્રેસે તેમને રાજ્યસભાનાં સભ્ય બનાવ્યાં છે. 

અમીબેન સતત મહિલાલક્ષી પ્રશ્નો માટે તો લડે જ છે પણ અન્ય સમાજ જીવનને લગતી બાબતો માટે પણ લડે છે. એક અભ્યાસુ રાજકારણી અને કોઈ પણ મુદ્દાને અસરકારક તરીકે મૂકવા માટે હોમવર્ક કરનારાં રાજકારણી તરીકેની તેમની છાપ છે. 

0Shares