- જન પ્રતિનિધિ

રાજેન્દ્ર ત્રિવેદીઃ ચાર દાયકાથી રાજકારણમાં હોવા છતાં કોઈ વિવાદ નહીં

ગુજરાતમાં નિર્વિવાદ વ્યક્તિત્વ ધરાવતા રાજકારણી બહુ ઓછા છે. ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી આવું જ વ્યક્તિત્વ ધરાવે છે. છેલ્લા ચાર દાયકા કરતાં વધારે સમયથી રાજકારણમાં હોવા છતાં રાજેન્દ્ર ત્રિવેદીના નામે કોઈ વિવાદ નથી બોલતો. પહેલાં વડોદરાના સ્થાનિક રાજકારણમાં અને હવે ગુજરાતના રાજકારણમાં તેમણે પોતાના સરળ વ્યક્તિત્વના કારણે અમીટ છાપ છોડી છે. 

વડોદરાના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રાજેન્દ્ર ત્રિવેદીનો ભાજપ સાથે નાતો બહુ જૂનો છે. ભાજપ જ્યારે જનસંઘ હતો ત્યારથી ત્રિવેદી ભાજપ સાથે જોડાયેલા છે. માત્ર 16 વર્ષની કિશોરાવસ્થાથી તેમણે જનસંઘ માટે કામ કરવાનું શરૂ કરેલું. 

એ વખતે વડોદરામાં મકરંદ દેસાઈ અને નલિન ભટ્ટ સહિતના નેતાઓ જનસંઘનો ઝંડો લઈને ચાલતા. કોંગ્રેસના એકચક્રી શાસનના એ દિવસોમાં જનસંઘને સામાન્ય કાર્યકર પણ નહોતા મળતા. એ વખતે ત્રિવેદી આ દિગ્ગજ નેતાઓ સાથે જનસંઘનો પ્રચાર કરવા જતા. 

ત્રિવેદી કોલેજમાં આવ્યા ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં સક્રિય હતા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી તેમણે બી.એસસી. કર્યું અને પછી એલ.એલ.બી. કરીને વકીલાત શરૂ કરી. જૂના જનસંઘી હોવાના નાતે તે ભાજપમાં પણ સક્રિય હતા. 

વકીલ બન્યા પછી તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને સિન્ડિકેટ મેમ્બર પણ બન્યા. એ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોને તેમણે અસરકારકતાથી ઉઠાવેલા. વકીલ તરીકે પણ તે જરૂરીયાતમંદોના કેસ વિના મૂલ્યે લડતા. આ કારણે લોકો તેમને લાડથી રાજુભાઈ વકીલ કહેતા. બહુ ઝડપથી વડોદરામાં ટોચના ક્રિમિનલ લોયર તરીકે તે સ્થાપિત થઈ ગયા. 

ત્રિવેદીની લોકપ્રિયતા જોઈને તેમને ભાજપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં ત્રિવેદી જંગી બહુમતીથી જીત્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે વાર કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા રાજુભાઈ વકીલને મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેનપદે પણ નિયુક્ત કરાયા હતા. 

જો કે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ ગોધરા કાંડ પછી ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોના કેસોના કારણે ગાજતું થયું. વડોદરામાં પણ આ તોફાનોની ભારે અસર વર્તાઈ હતી. વડોદરાનો બેસ્ટ બેકરી કાંડ તો ગુજરાતનાં રમખાણો વખતના સૌથી વધારે ગાજેલા કેસોમાં એક હતો. 

આ કેસના રાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધી મળી હતી. આ કેસમાં હિંદુ આરોપીઓના કેસ રાજેન્દ્ર ત્રિવેદી લડ્યા હતા. અમદાવાદના ગુલબર્ગ હત્યાંકાંડના કેસના આરોપીઓને પણ તેમણે કાનૂની મદદ કરી હતી. આ કારણે વિશ્વ હિંદુ પરિષદ સહિતનાં સંગઠનોમાં તેમની લોકપ્રિયતા વધી. 

ભાજપે તેમની લોકપ્રિયતાનો લાભ લેવા માટે 2012માં વડોદરાની રાવપુરા બેઠક પરથી તેમને ઉભા રાખ્યા અને તે સરળતાથી જીતી ગયા. 2016માં તેમને ગુજરાત સરકારમાં રમતગમત અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન બનાવાયા પછી સિધ્ધાંતને ખાતર તેમણે ક્રિમિનલ લોયર તરીકે કેસો લેવાનું બંધ કરીને પ્રેક્ટિસ છોડી દીધી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ફરી રાવપુરા બેઠક પરથી જીત્યા બાદ તેમને વિધાનસભાના સ્પીકર તરીકે પસંદ કરાયા અને હાલમાં સ્પીકર તરીકે તે અસરકારક કામગીરી કરી જ રહ્યા છે. 

વિધાનસભાના સ્પીકર તરીકે તેમણે કડક હાથે કામગીરી લઈને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરળ સ્વભાવ અને મકક્મતાથી પોતાની વાત કહેવાની આદત તેમને ફળી છે. વિપક્ષો તેમની કામગીરીથી બહુ ખુશ નથી પણ તેની તેમને પરવા નથી. સ્પીકરના હોદ્દાને અનુરૂપ ગૌરવ સાથે એ પોતાની ફરજ બજાવી રહ્યા છે. 

0Shares