- જન પ્રતિનિધિ

પરિમલ નથવાણીઃ ધીરૂભાઈ સાથેની મુલાકાતે જીવન બદલાઈ ગયું

એક ક્ષેત્રમાં સફળ થયેલી વ્યક્તિ બીજા ક્ષેત્રમાં પણ સફળ થાય એં ભાગ્યે જ બને છે ત્યારે એક ગુજરાતી એવા છે કે જે એક કરતાં વધારે ક્ષેત્રોમાં સફળ થયા છે. પરિમલ નથવાણી તેમનું નામ. પરિમલ નથવાણીની મૂળ ઓળખ ગુજરાતમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો વિસ્તાર કરવામાં મહત્વનું યોગદાન આપનારા સફળ બિઝનેસમેન તરીકેની છે. 

જો કે એ રાજકારણમાં પણ એટલા જ સફળ થયા છે અને ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર તરીકે પણ સફળ થયા છે. સમાજસેવા ક્ષેત્રે પણ તેમનું નામ આદરથી લેવાય છે અને ધર્મ થકી લોકોનું ભલુ કરવામાં પણ તેમણે નવા શિખરો સર કર્યાં છે. 
 
મુંબઈમાં 1 ફેબ્રુઆરી, 1956ના રોજ જન્મેલા પરિમલભાઈના પિતા ધીરજલાલ મૂળ જામનગર જિલ્લાના ખંભાળિયાના વતની હતા. તેમના પિતાનો કાપડનો વેપાર હતો. પરિમલભાઈએ મુંબઈમાં જ ગ્રેજ્યુએશન કર્યું ને પછી નેસલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાંથી એમ.બી.એ. થયા. 

કારકિર્દીની શરૂઆત તેમણે ન્યુ એરા મિલમાંથી નોકરી સાથે કરેલી પણ કશુંક નવું કરવાની વૃત્તિ ઉછાળા મારતી હતી તેથી નોકરી છોડીને સાબુની એજન્સી લઈ બિઝનેસમાં ઝંપલાવ્યું. પછી સાબુ બનાવવાનું શરૂ કર્યું પણ તેમાં બહુ સફળ ના થતાં સ્ટોક એક્સચેન્જમાં ઝંપલાવ્યું. જો કે બનાવટી તેજીનો ફુગ્ગો ફૂટતાં તેમાં પણ નુકસાન થયું. 

દરમિયાનમાં રીલાયન્સ જામનગરમાં મોટી ખાવડી પાસે રીફાઈનરી સ્થાપવા માંગતું હતું. એ માટે ખેડૂતો સાથે વાતચીત કરી શકે અને બીજાં વિઘ્નો દૂર કરી શકે તેવા માણસની તેમને જરૂર હતી. પરિમલભાઈએ એ તક ઝડપી અને તેમના માટે આ તક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. 

પરિમલભાઈએ ખેડૂતો અને અંબાણી પરિવાર બંનેનાં હિતો સચવાય એ રીતે જમીન સંપાદન કરાવ્યું ને બીજાં વિઘ્નો પણ દૂર કર્યાં. સરકારી મંજૂરીથી માંડીને સાઈટ પર ઉભા રહીને મજૂરો પાસેથી કામ લેવા સુધીનાં કામો તેમણે કર્યાં. ધીરુભાઈના સપનાને સાકાર કરવામાં મોટો ભાગ ભજવ્યો. 

ધીરુભાઈ અંબાણી જેવા વિઝનરી સાથે કામ કરીને તેમની દૃષ્ટિ બદલાઈ અને એ પછી તેમણે પાછું વળીને જોયું નથી. અંબાણી પરિવારના અંગત સભ્ય બની ગયેલા પરિમલભાઈએ એ પછી મુકેશ અંબાણી સાથે પણ કામ કર્યું અને આજે રીલાયન્સ પરિવારમાં તે મહત્વના વ્યક્તિ મનાય છે. મુકેશ અંબાણીએ દેશમાં ફોર જી ઈન્ટરનેટ સેવા આપવા માટે જીયો કંપની લોંચ કરી ત્યારે દેશનાં 22 સર્કલમાં આ સેવા આપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાનું કામ નથવાણીએ કર્યું હતું. 

મુકેશ અંબાણીએ નથવાણીને રાજ્યસભાના સભ્ય બનવામાં મદદ કરી છે. ઝારખંડમાંથી 2008માં તે પહેલી વાર રાજ્યસભાના સભ્ય બન્યા ને 2014માં ફરી ચૂંટાયા. ઝારખંડને પોતાની બીજી કર્મભૂમિ માનતા પરિમલ નથવાણીએ પછાત મનાતા આ વિસ્તારમાં વિકાસનાં અગણિત કામો કરાવ્યાં છે. 

નથવાણીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વિકાસમાં પણ મોટું યોગદાન આપ્યું છે. હાલમાં અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમને તોડીને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આકાર લઈ રહ્યું છે. આ સ્ટેડિયમ નથવાણીના વિઝનની દેન છે. 

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે તેમણે આ ભગીરથ કાર્યને નક્કર સ્વરૂપ આપ્યું છે. દ્વારકાધીશ દેવસ્થાનમ સમિતી અને નાથદ્વારા ટેમ્પલ બોર્ડ જેવાં મહત્વનાં ધાર્મિક સંગઠનો સાથ પણ તે જોડાયેલા છે. હિંદુઓ અને ખાસ તો વૈષ્ણવોનાં આ બે મોટાં ધર્મસ્થાનોના વિકાસમાં તેમનું યોગદાન મહત્વનું છે. 

નથવાણીની સમાજસેવાનો વ્યાપ પણ મોટો છે. હાલમાં તેમના પુત્ર ધનરાજ પણ આ કાર્યોમાં મદદરૂપ થાય છે ને પિતાનો વારસો સંભાળવા સજ્જ થઈ રહ્યા છે. 

0Shares