- જન પ્રતિનિધિ

રણછોડભાઈ ફળદુઃ બહુ ભણેલા નહીં પણ ગણેલા નેતા

રાજકારણમાં નખશિખ પ્રમાણિક અને સ્વચ્છ કહેવાય તેવા માણસો ભાગ્યે જ મળે. તેમાં પણ લાંબા સમય સુધી રાજકારણમાં હોવા છતાં પોતાનું સત જાળવી રાખનારા માણસો તો દુર્લભ થઈ ગયા છે. ભાજપના રણછોડભાઈ ચનાભાઈ ફળદુ ઉર્ફે આર.સી. ફળદુ આવા જ દુર્લભ માણસ છે. ફળદુ છેલ્લા ત્રણ દાયકાથી રાજકારણમાં છે. 

ગુજરાત સરકારમાં કેબિનટ કક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે અને હાલમાં પણ પ્રધાન છે. ભાજપ પ્રદેશ પ્રમુખપદે સળંગ છ વર્ષ સુધી કામ કર્યું છે પણ તેમની સામે આંગળી ચીંધી શકાય એવું કોઈ કામ હજુ સુધી તેમણે નથી કર્યું. અત્યંત સ્વચ્છ પ્રતિભા તેમણે જાળવી છે ને તેમનું નામ ક્યાંય ખરડાયું નથી. એટલું જ નહીં પણ અત્યંત મૃદુભાષી અને લોકોની તકલીફો સમજીને તેનું શક્ય તેટલું ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્ન કરનારા નેતા તરીકેની તેમની છાપ છે.  

ફળદુ આ ઈમેજ જાળવી શક્યા તેનું કારણ એ કે, એ પોતે જમીન અને સામાન્ય લોકો સાથે જોડાયેલા માણસ છે. સામાન્ય લોકોને જે તકલીફો પડે એ તકલીફો તેમણે પોતે ભોગવી છે તેથી તેમની એ તકલીફોનો તેમને અહેસાસ છે. જામનગર જિલ્લાના કાલાવાડના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા રણછોડભાઈ ફળદુ નવ ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. 

પરિવાર બહુ સમૃધ્ધ નહોતો પણ મહેનતુ હતો. તેમના પિતાએ તેમનાં સંતાનોને સારું શિક્ષણ આપવા પ્રયત્ન કર્યા. રણછોડભાઈને પણ ભણવા માટે રાજકોટ મોકલ્યા હતા પણ એ બહુ ભણી ના શક્યા. રાજકોટની વિરાણી સાયન્સ કોલેજમાંથી ઓલ્ડ એસએસસી એટલે કે પ્રી-સાયન્સ કર્યા પછી એ ઉઠી ગયા. 

રાજકોટમાં ભણતા હતા ત્યારે ફળદુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક બન્યા હતા. આ ઉપરાંત સહકારી આગેવાનોના સંપર્કમાં પણ આવ્યા હતા. તેના કારણે તેમણે સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યું. પોતાના વતનમાં ખેતીની સાથે સાથે તેમણે સહકારી પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લેવા માંડ્યો. 

ખાસ કરીને ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે તે સતત મથ્યા કરતા. સંઘ સાથે પરિચય હતો જ તેથી ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓના કારણે ભાજપમાં આવ્યા. કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને થતા અન્યાયો મુદ્દે તેમણે ઘણાં આંદોલનો કર્યાં અને જામનગર જિલ્લામાં ભાજપનો પાયો મજબૂત કર્યો. 

ભાજપે તેમની કામગીરીથી પ્રભાવિત થઈને 1998ની ચૂંટણીમાં કાલાવાડ બેઠક પરથી ટિકિટ આપી. ફળદુ આ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા. એ પછી તેમણે 2002 અને 2007માં પણ આ બેઠક જીતીને હેટ્રિક કરી. 2012ની ચૂંટણી વખતે કાલાવાડ બેઠક અનસૂચિત જાતિ માટે અનામત થતાં તે જામગર ગ્રામ્ય બેઠક પરથી ઉભા રહેલા પણ હારી ગયેલા. 

જો કે એ પહેલાં નરેન્દ્ર મોદીએ તેમની સંગઠન શક્તિને ઓળખીને તેમને પ્રદેશ ભાજપ પ્રમુખપદે નિમ્યા હતા. ભાજપને 2012ની ચૂંટણીમાં જીતાડવામાં તેમણે આપેલા યોગદાનથી પ્રભાવિત થઈને ભાજપે 2013માં ફરી તેમને પ્રદેશ પ્રમુખ બનાવ્યા. આમ ફળદુ સળંગ બે ટર્મ માટે પ્રદેશ પ્રમુખ રહ્યા. 2017માં એ વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા અને હવે કેબિનેટ પ્રધાન છે. 

ફળદુ બહુ ભણેલા નથી પણ ગણેલા નેતા છે. આ કારણે અત્યારે ભાજપની સરકારમાં તે ટ્રબલ શૂટર તરીકે ઉભર્યા છે. રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન તરીકે તેમણે આધુનિકીકરણ કરવાની જે ઝુંબેશ ઉપાડી છે તેના કારણે આ વિભાગની કાયાપલટ થઈ ગઈ છે અને લોકોની તકલીફો પણ દૂર થઈ ગઈ છે. સાથે સાથે તેમણે પોતાની સ્વચ્છ પ્રતિભા પણ જાળવી છે. 

0Shares