- JAN PRATINIDHI

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાઃ ફી નિયંત્રણ કરી મધ્યમ વર્ગના આશિર્વાદ મેળવ્યા

ગુજરાતમાં ભાજપ જનસંઘ હતો ત્યારથી જ તેની સાથે જોડાયેલા નેતાઓની સંખ્યા ઘટતી જાય છે. હવે દાયકાઓથી ભાજપ સાથે જોડાયેલા નેતાઓની સંખ્યા બહુ ઓછી રહી છે અને તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એક છે. છેક 1970ના દાયકાથી ભાજપ સાથે જોડાયેલા ભૂપેન્દ્રસિંહ ભાજપના પાયાના પથ્થરોમાં એક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક તરીકે કારકિર્દી શરૂ કરીને ભાજપ સરકારમાં કેબિનેટ કક્ષાના મંત્રીપદ સુધીની સફર તેમણે ભારે મહેનત કરીને કરી છે. 

ચુડાસમાનો જન્મ 8 મે, 1950ના રોજ થયો. ચુડાસમાનું મૂળ નિવાસસ્થાન અમદાવાદથી 40 કિલોમીટરના અંતરે આવેલું ધોળકા છે. ખેડૂત ક્ષત્રિય પરિવારમાં જન્મેલા ચુડાસમાની રાજકીય કારકિર્દી ખૂબ લાંબી છે.  તેમના પિતા જનસંધના સભ્ય હતા તેથી તેમને બાળપણથી હિંદુત્વની વિચારધારા તરફ લગાવ રહ્યો. 

1960માં માત્ર 10 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં જોડાયા અને 17 વર્ષની વયે પૂર્ણકાલિન પ્રચારક બન્યા. 1967થી તેમણે સંઘના પ્રચાર અને પ્રસાર માટે પૂર્ણકાલીન કાર્યકર તરીકે રાજ્યભરનો પ્રવાસ કર્યો. ચુડાસમા સાથે સાથે ભણતા તો હતા જ. બી.એ. (અંગ્રેજી), બી.એડ. (અંગ્રેજી, હિન્દી) અને  એલ.એલ.બી.સુધીનું શિક્ષણ મેળવીને તેમણે પછીથી વકીલાત શરૂ કરી હતી. 
 
સંઘના આદેશને પગલે 1973માં ચુડાસમા જનસંઘમાં જોડાયા અને ધોળકામાં જનસંઘને મજબૂત કરવાનું કાર્ય શરૂ કર્યું. 1975માં એ પહેલી વાર ધોળકા નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા. પાંચ વર્ષ સુધી તેમણે એવી કામગીરી કરી કે રાજ્ય કક્ષાએ તેમની નોંધ લેવાવા માંડી. જનતા પાર્ટીના નિષ્ફળ પ્રયોગ પછી 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે સ્વાભાવિક રીતે જ ચુડાસમા ભાજપમાં જોડાયા. 

ભાજપમાં ચુડાસમાએ યુવા ભાજપ મોરચાથી શરૂઆત કરી હતી. એ પોતે ધોળકામાં વકીલાત કરતા તેથી ખેડૂતો સાથે તેમને સતત સંપર્કમાં આવવાનું થતું. આ કારણે તેમને ખેડૂતોને ભાજપ તરફ વાળવાની જવાબદારી સોંપાઈ હતી. ચુડાસમાએ ભારતીય જનતા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પદે કામગીરી કરી છે. 

ભાજપમાં પાયાના કાર્યકર તરીકે શરૂ કરીને તેમણે પક્ષના પ્રદેશ ઉપપ્રમુખ અને મહામંત્રી પદે પણ કામગીરી કરી છે.  ચુડાસમાએ ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ અમદાવાદ શહેર-જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેમણે નિભાવી છે. 

ચુડાસમા 1995માં ધોળકા મતવિસ્તારમાંથી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને એક નવી ઈનિંગ્સ શરૂ થઈ. ભાજપની અળગ અલગ સરકારોમાં કેબિનેટ પ્રધાન તરીકે ફજ બજાવી ચૂકેલા રૂપાણી વિજયભાઈ રૂપાણીની સરકારમાં મહેસૂલ, શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી છે. આ પહેલાં  આનંદીબહેન પટેલ સરકારમા તે  શિક્ષણ અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગ સંભાળી ચૂક્યા છે અને કુલ સાતમી વખત કેબિનેટ પ્રધાન બન્યા છે. 

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકેની જવાબદારી પણ સંભાળી છે.  ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાના કાર્યને આગળ ધપાવવામાં તેમનું મોટું યોગદાન છે. અનેક સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા ચુડાસમા જળસંચય માટે ઉગ્ર ઝુંબેશ ચલાવે છે.  

ગ્રામ્ય વિસ્તારના પાણીના પ્રશ્રોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ ચુડાસમાએ ધોળકા પ્રાથમિક શાળામાં  છેક 1995માં વરસાદી જળસંચય પ્રણાલિનું મોડેલ વિકસાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે તેમણે ખાનગી સ્કૂલોની ફી પર નિયંત્રણ માટે કાયદો બનાવીને આખા દેશને એક નવો રસ્તો બતાવ્યો છે. ફી રેગ્યુલેશન એક્ટ દ્વારા તેમણે બેફામ ફી ઉઘરાવતી સ્કૂલો પર નિયંત્રણ લાદીને મધ્યમ વર્ગને બહુ મોટી રાહત આપી દીધી છે. 

0Shares