- JAN PRATINIDHI

જીતુભાઈ વાઘાણીઃ સંગઠન અને ચૂંટણીના સંચાલનના ચેમ્પિયન

ભાજપમાં છેલ્લા એક દાયકામાં નવી પેઢીના જે નેતાઓનો ઝડપથી ઉદય થયો તેમાં એક નામ જીતુભાઈ વાઘાણીનું પણ છે. બલ્કે વાઘાણીનો એકદમ અકલ્પનિય રીતે ઉદય થયો.  2016માં વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવાયા ત્યાં સુધીમાં રાજકીય વર્તુળોમાં પણ તેમનું નામ અજાણ્યું હતું. 

ભાજપમાં પણ  વાઘાણી કદી પ્રદેશ પ્રમુખપદના દાવેદાર નહોતા મનાતા. બલ્કે તેમને પ્રથમ હરોળના નેતા પણ નહોતા ગણવામાં આવતા તેથી ભાજપમાં પણ તેમની પસંદગી થતાં ઘણાંને આશ્ચર્ય થયેલું. જો કે વાઘાણીએ પ્રદેશ પ્રમુખ તરીકે તેમની લાયકાત સિધ્ધ કરી છે. પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ વિરોધી માહોલ હોવા છતાં તેમણે સામા પ્રવાહે તરીને  ભાજપને 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવીને ફરી સત્તા અપાવવામાં મોટું યોગદાન આપ્યું છે. 

વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા તે પહેલા તેમનું નામ બહુ જાણીતું નહોતું પણ તેમની રાજકીય કારકિર્દી બહુ લાંબી છે. 27 ઓક્ટોબર, 1970ના રોજ જન્મેલા જીતુભાઈના પિતા સવજીભાઈ ખેડૂત હતા. જીતુભાઈનું પ્રાથમિક શિક્ષણ અમરેલી જિલ્લાના લાઠીની સરકારી શાળામાં થયું ને પછી કલાપી વિનય મંદિરમાં માધ્યમિક શિક્ષણ લીધું. 

ભાવનગરની સનાતન ધર્મ સરકારી હાઈસ્કૂલમાંથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધા પછી તે ભાવનગરની એમ.જે.કૉલેજ ઓફ કૉમર્સમાંથી બી.કોમ થયા. વાઘાણીએ એ પછી ભાવનગરની શેઠ એચ.જે. લૉ કૉલેજમાંથી એલ.એલ.બી. કર્યું હતું. જો કે વકીલ થવાના બદલે તે બિઝનેસમાં ગયા. પહેલાં હીરાના બિઝનેસમાં ઝંપલાવ્યું ને પછી રીયલ એસ્ટેટ બિઝનેસ કર્યો. 

વાઘાણી કોલેજમા હતા ત્યારે જ રાજકીય સફર શરૂ કરી દીધેલી અને ભાજપ યુવા મોરચામાં જોડાયેલા. 1990-91માં ભાવનગર શહેર ભાજપ યુવા મોરચામાં તે સહમંત્રી નિમાયા અને રાજકીય કારકિર્દી શરૂ કરી. 1993માં તેમને ભાવનગર શહેર યુવા ભાજપના પ્રમુખ બનાવાયેલા. 

1995માં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડીને કોર્પોરેશન બન્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના  સભ્ય તરીકે 1995થી 2000 સુધી સેવા આપી. ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે 1998માં તેમની નિમણૂક ગુજરાત હાઉસિંગગ બોર્ડમાં ડાયરેક્ટર તરીકે થઈ હતી. 

એ પછી 2003માં તે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ બન્યા અને 2009માં ગુજરાત પ્રદેશ ભાજપમાં મંત્રી નિમાયા હતા. એ વખતે અમિત શાહ સાથે તેમને સારા સંબંધો બંધાયા ને એ સંબંધોન કારણે તે પ્રદેશ પ્રમુખ બન્યા.
 
જીતુ વાઘાણી 38 વર્ષની વયે 2007માં ભાવનગર દક્ષિણની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પણ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામે હારી ગયા હતા. 2012માં ભાવનગર (પશ્ચિમ)  વિધાનસભાની બેઠક પરથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 53,892 મતની લીડથી જીતીને તેમણે એ હારનું સાટું વાળી દીધું. 2017માં એ ફરી એ જ બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા. 

વાઘાણી સંગઠનના માણસ છે ને કાર્યકરોને નેતૃત્વ પૂરું પાડીને તેમનામાં જોશ ભરવાની તેમનામાં જબરદસ્ત શક્તિ છે. એ ચૂંટણી અને રજકીય કાર્યક્રમોના સંચાલનમાં પણ પાવરધા છે. કિસાન હિત યાત્રા, સ્વામી વિવેકાનંદ યાત્રા, નરેન્દ્ર  મોદૉના સદભાવના કાર્યક્રમ,  ક્રાંતિ ગાથા યાત્રા સહિતની યાત્રાઓને તેમણે જોરદાર સફળતા અપાવી છે. 

વાઘાણી  પોતાના મતવિસ્તારમાં અનોખા કાર્યક્રમો કરવા માટે પણ જાણીતા છે. દર વર્ષે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આશરે 1 લાખથી વધારે સરકારી શાળાના બાળકોને પતંગોનું વિતરણ એ વરસોથી કરે છે. 

એ જ રીતે એક વાર પોતાના જન્મદિનની ઉજવણી શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરીને કરી હતી. ચાર લાખ પુસ્તકો લોકોને પડતર કિંમતે અપાવીને તેમણે લોકોને વાંચતા કરેલા.  આ ઉપરાંત ભાવનગરમાં દરેક વોર્ડમાં ફરતુ પુસ્તકાલય શરૂ કર્યું છે.

0Shares