- જન પ્રતિનિધિ

અલ્પેશ ઠાકોરઃ દારૂની બદી સામે સતત લડતો નેતા

ભાજપ ગુજરાતમાં 1991થી યોજાયેલી દરેક લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં જીત્યો છે. ભાજપનો ગુજરાતમાં એ હદે પ્રભાવ હતો કે, તેને કોઈ પડકારી પણ શકે તેવું લાગતું નહોતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં એ માન્યતા ખોટી પડી અને ભાજપ માંડ માંડ સત્તા જાળવી શક્યો. 

ભાજપના આ કથળેલા દેખાવ માટે ગુજરાતના રાજકારણમાં ઉભરેલી યુવા ત્રિપુટી હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી જવાબદાર હતા. આ ત્રિપુટીમાંથી અલ્પેશ ઠાકોરે ના માત્ર ભાજપની બેઠકો ઘટાડી પણ ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવામાં પણ મોટું યોગદાન આપ્યું. 

અલ્પેશ ઠાકોરે પોતે તો ઉત્તર ગુજરાતની રાધનપુર બેઠક કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતી જ પણ ભાજપનો ગઢ મનાતા ઉત્તર ગુજરાતની બીજી ઘણી બેઠકો પર ભાજપને હરાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી. 

અલ્પેશ ઠાકોર આજે ગુજરાતના રાજકારણમાં એક મહત્વનું પરિબળ છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી. આ માટે તેણે બહુ મહેનત કરવી પડી છે અને ભારે સંઘર્ષ પણ કરવો પડ્યો છે. અલ્પેશને રાજકારણ વારસામાં મળ્યું છે. તેના પિતા ખોડાજી ઠાકોર અમદાવાદ જિલ્લાના ઐંડલા ગામના છે. 

ખોડાજી  પહેલાં ભાજપમાં હતા ને શંકરસિંહ વાઘેલાની નજીક મનાતા. શંકરસિંહે ભાજપ છોડી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની રચના કરી ત્યારે ખોડાજી તેમની સાથે ગયેલા ને પછી શંકરસિંહ કોંગ્રેસમાં ભળી ગયા ત્યારે ખોડાજી પણ કોંગ્રેસમાં જતા રહેલા. કોંગ્રેસની ટિકિટ પરથી એ અમદાવા જિલ્લા પંચાયતના સભ્યપદે પણ ચૂંટાયેલા. 

અલ્પેશ અમદાવાદની એચ.કે. કોલેજમાં ભણ્યો છે અને વિદ્યાર્થી કાળથી રાજકીય રીતે સક્રિય હતો. ગ્રેજ્યુએશન કર્યા પછી તેણે રીયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો પણ તેનો જીવ રાજકારણમાં હતો. શંકરસિંહે 2002માં શક્તિદળની સ્થાપના કરી ત્યારે અલ્પેશ તેમાં મુખ્ય ભૂમિકામાં હતો. 

શક્તિદળ તો ના ચાલ્યું પણ તેના કારણે અલ્પેશના મનમાં એક વિચારબીજ રોપાયું. વરસો પછી એટલે કે 2011માં અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેના બનાવીને શંકરસિંહ નહોતા રમી શક્યા તે રાજકારણ રમવાનું શરૂ કર્યું. અલ્પેશે ઠાકોર સમાજનાં લોકોના અધિકારો માટે લડત શરૂ કરી જ પણ સાથે સાથે ઠાકોર સમાજમાં ઘર કરી ગયેલાં દૂષણો સામે પણ જંગ છેડ્યો. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દેશી દારૂ બનાવીને વેચવા માટે કુખ્યાત છે. અલ્પેશે પોતાના જ સમાજમાંથી આ બદી દૂર કરવા ભારે લડત ચલાવી છે. 

ગુજરાતમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે અલ્પેશ ઠાકોર પણ મેદાનમાં આવ્યો. પાટીદારોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના ક્વોટામાંથી અનામત ના મળે એ માટે તેણે ઓબીસી એકતા મંચ બનાવ્યો. 

ઓબીસી એકતા મંચના કારણે અલ્પેશ ઠાકોર ગુજરાતમાં ઘેર ઘેર જાણીતો થઈ ગયો. એ વખતે અલ્પેશ એવું કહેતો કે, પાટીદાર અનામત આંદોલનનો ઉદ્દેશ અનામતની નાબૂદીનો છે તેથી તેની સામે લડવું જરૂરી છે. અલ્પેશની આ દલીલ ઓબીસી સમાજને ગળે ઉતરી અને તે ઓબીસી સમાજમાં બહુ લોકપ્રિય થઈ ગયો. 

અલ્પેશ આ લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને કોંગ્રેસમાં જોડાયો ને પછી ધારાસભ્ય પણ બની ગયો. ધારાસભ્ય બન્યા પછી પણ તેણે ખેડૂતોના પ્રશ્નો અને અન્ય મુદ્દે આંદોલનો ચાલુ રાખ્યાં છે. આ ચળવળના કારણે પરપ્રાંતિયો પર ગુજરાતમાં હુમલા થયા હતા. તેના કારણે અલ્પેશના માથે માછલાં પણ ધોવાયાં. જો કે અલ્પેશે સદભાવના ઉપવાસ કરીને મુદ્દો બીજી તરફ વાળી દીધો. 

અલ્પેશ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નજીક મનાય છે. લોકસભાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ તરફથી તેને બહુ મહત્વ મળ્યું છે. ઠાકોર ક્ષત્રિય સેના પાસે 7 લાખ સભ્યો છે તેના કારણે પણ તેની રાજકીય તાકાત બહુ છે અને ગુજરાતના રાજકારણમા તેને કોઈ અવગણી શકે તેમ નથી. 

0Shares