- JAN PRATINIDHI

માધવસિંહ સોલંકીઃ ગુજરાતમાં પાંચ વર્ષ ટકનારા પહેલા મુખ્યમંત્રી

ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સતત જીતે છે પણ આ સતત મળતી જીત દરમિયાન પણ ભાજપ એક રેકોર્ડ નથી તોડી શકી. આ રેકોર્ડ ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે બેઠકો જીતવાનો છે. રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ આજેય કોંગ્રેસના નામે જ છે અને 1985માં  કોંગ્રેસને 149 બેઠકો જીતાડીને ઈતિહાસ રચનારા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ આજેય અકબંધ છે. 

જો કે માધવસિંહને આ વિક્રમસર્જક જીત ઉપરાંત બીજાં પણ ઘણાં કારણોસર યાદ કરવા પડે એવા મુખ્યમંત્રી એ સાબિત થયા હતા. પત્રકારમાંથી રાજકારણી ને પછી મુખ્યમંત્રીપદ સુધી પહોંચનારા માધવસિંહ સોલંકીને ગુજરાતની અસ્મિતાને નવી ઓળખ આપનારા અને ગુજરાતને આર્થિક વિકાસની નવી ઉંચાઈએ પહોંચાડનારા મુખ્યમંત્રી તરીકે પણ .યાદ કરાય છે. અત્યંત વિદ્વાન, અભ્યાસુ અને સાહિત્ય પ્રેમી માધવસિંહે ગુજરાતમાં શાસક તરીકે ઘણી એવી પહેલ કરી કે જેનાં મીઠાં ફળ પછીની પેઢીઓ હજુ પણ ચાખી રહી છે.

માધવસિંહ ચરોતરના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા. 30 જુલાઈ, 1928ના રોજ જંબુસર પાસેના પીલુદરા ગામમાં જન્મેલા માધવસિંહ ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા ને થોડો સમય પત્રકાર રહેલા પણ પછી રાજકારણમાં ઝંપલાવ્યું. ગુજરાત અસ્તિત્વમાં નહોતું આવ્યું ત્યારે મુંબઈ સ્ટેટમાં એ 1957માં ધારાસભ્ય બન્યા હતા. ગુજરાતના ચાર વાર મુખ્યમંત્રી અને પછી કેન્દ્રમાં પણ વિદેશ પ્રધાન બનનારા માધવસિંહને ગુજરાતના વિકાસના પ્રણેતા ગણવામાં આવે છે. 

ગુજરાતમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહ્ન ભોજન યોજના દાખલ કરીને માધવસિંહે ગરીબ પરિવારનાં બાળકોને શાળાએ જતાં કર્યાં અને સાક્ષરતાનું પ્રમાણ વધાર્યું. એ જ રીતે માધવસિંહે ગુજરાતમાં કન્યા કેળવણીને મફત કરી દીધી હતી. કન્યા કેળવણી મફત થતાં ગુજરાતમાં દીકરીઓને ભણાવવાનું પ્રમાણ વધ્યું ને ગુજરાતમાં નવા યુગની શરૂઆત થઈ. 

દેશભરમાં કન્યા કેળવણી મફત કરનારું ગુજરાત પહેલું રાજ્ય હતું. માધવસિંહે ગુજરાતના દલિતો અને આદિવાસીઓ સિવાયના વંચિતોને અનામત પ્રથાનો લાભ આપ્યો હતો. માધવસિંહે અનામત કેટેગરીના સરકારી કર્મચારીઓ માટે રોસ્ટર પ્રથા શરૂ કરી અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામત પણ દાખલ કરી.

માધવસિંહે ગુજરાત ઈન્ડસ્ટ્રીય ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી)ના માધ્યમથી ગુજરાતમાં તમામ તાલુકા મથકો અને મોટાં ગામોમાં ઔદ્યોગિક વસાહતો બનાવડાવી. તેના કારણે સ્થાનિક સ્તરે જ રોજગારી ઉભી થતાં લોકો શહેરો તરફ ભાગતાં અટક્યો અને ગુજરાત એક ઓદ્યોદિક રીતે વિકસિત રાજ્ય બન્યું. 

માધવસિંહના શાસનમાં ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને જીડીપી ટોચે પહોંચ્યાં હતાં. માધવસિંહે ભરૂચ ખાતે નર્મદા ફર્ટિલાઈઝર ફેક્ટરી શરૂ કરાવીને રાજ્ય સરકારને પણ ઔદ્યોગિક વિકાસમાં સહભાગી કરી હતી. માધવસિંહના શાસન વખતે ભ્રષ્ટાચાર પણ સૌથી ઓછો હતો. આ બધાના કારણે ગુજરાત એક સમૃધ્ધ રાજ્ય બન્યું. ગુજરાતના ઈતિહાસમાં માધવસિંહ પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરનારા પહેલા મુખ્યમંત્રી હતા.
 
માધવસિંહ એક શાસક તરીકે સારી કામગીરી કરી પણ જ્ઞાતિવાદનાં સમીકરણોએ તેમનો ભોગ લઈ લીધો. માધવસિંહ ગુજરાતના રાજકારણમાં ક્ષત્રિય, હરિજન , આદિવાસી અને મુસ્લિમ (KHAM) મતબેંકને સંગઠિત કરનારા નેતા ગણાય છે.

આ મતબેંકને કોંગ્રેસની તરફેણમાં વાળીને તેમણે કોંગ્રેસને સળંગ બે ટર્મ માટે જીત તો અપાવી પણ તેના કારણે સામાજિક વિખવાદ પણ થયો. ગુજરાતમાં તેમના શાસન દરમિયાન ભયંકર અનામત વિરોધી આંદોલનો થયાં. આ આંદોલનોમાં ગુજરાતે ભારે સહેવું પડ્યું ને ભારે બહુમતીથી જીત્યા હોવા છતાં માધવસિંહે 1985મા વિદાય થવું પડ્યું હતું. 

રસપ્રદ વાત એ છે કે, જે માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસે ઈતિહા રચેલો એ જ માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસે સૌથી શરમજનક દેખાવ પણ કર્યો. 1990માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને માત્ર 33 બેઠકો મળી ત્યારે માધવસિંહ જ મુખ્યમંત્રી હતા. 

માધવસિંહને એ પછી નરસિંહરાવ સરકારમાં વિદેશ મંત્રી બનાવાયા હતા પણ બોફોર્સ કૌભાંડ મુદ્દે સ્વીડનના વિદેશ મંત્રીને સોનિયા ગાંધીન ચિઠ્ઠી આપવાના વિવાદમાં ફસાયા પછી તેમણે એ પણ છોડવું પડ્યું. એ પછી માધવસિંહે ફરી બેઠા થવા બહુ પ્રયત્નો કર્યા પણ સફળ ના થયા. 

જો કે ગુજરાતના વિકાસના પ્રણેતા તરીકે તેમને યાદ રખાશે જ. 

0Shares