- JAN PRATINIDHI

અમિત શાહઃ ઈલેક્શન મેનેજમેન્ટના ચેમ્પિયન રાજકારણી

ગુજરાતમાંથી રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવનારા રાજકારણી તો બહુ આવ્યા પણ કેન્દ્રમાં સત્તાધારી પક્ષન રાષ્ટ્રીય પ્રમુખ બનવાનું સદભાગ્ય મળ્યું હોય તેવા રાજકારણી આંગળીને વેઢે ગણાય એટલા જ છે. અમિત અનિનચંદ્ર શાહ આવા અનોખા રાજકારણી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સામાન્ય સ્વયંસેવક તરીકે શરૂઆત કરી હતી અને દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીના પ્રમુખપદે પહોંચ્યા એ મોટી સિધ્ધી છે.  

અમિત શાહ સંગઠન શક્તિના ચેમ્પિયન છે અને પ્રખર વક્તા છે. ચૂંટણી જીતવાના ગણિતના ચેમ્પિયન મનાતા અમિત શાહે ઈલેક્શન મેનેજમેન્ટને એક નવી જ દિશા આપી છે. આયોજનબધ્ધ અને સમયબધ્ધ કાર્યક્રમ દ્વારા ગમે તેવી ચૂંટણી જીતી શકાય છે એવું શાહે સાબિત કર્યું છે. ઈલેક્શન મેનેજમેન્ટને એ રીતે તેમણે સંપૂર્ણ પ્રોફેશલ બનાવી દીધું છે ને ભારતમાં હવે બધા રાજકીય પક્ષોએ તેમને અનુસરવું પડે છે. અમિત શાહ એ રીતે ભારતીય રાજકારણમાં ટ્રેન્ડ સેટર સાબિત થયા છે. 

અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર, 1964ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા અનિલચંદ્ર ખાધે-પીધે સુખી પરિવારના હતા. ઉત્તર ગુજરાતના માણસાના અનિલચંદ્રનો પીવી, પાઈપનો બિઝનેસ હતો જ્યારે માતા કુસુમબેન ગૃહિણી હતાં. અમિત શાહ બાળપણથી સંઘ સાથે સંકળાયેલા હતા. 

એ અમદાવાદમાં સી.યુ. શાહ કોલેજમાં બી.એસસી. કરવા આવ્યા ત્યારે સંઘ સાથે પૂર્ણ સમય માટે જોડાયા. 1982માં 18 વર્ષની વયે સંઘની શાખામાં એ નરેન્દ્ર મોદીને મળ્યા. મોદી એ વખતે સંઘના પ્રચારક હતા. આ મુલાકાતે શાહની જીંદગી બદલી નાંખી. મોદીના કહેવાથી તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષધ (એબીવીપી)માં સક્રિય થયા અને એ રીતે રાજકારણની સફર શરૂ થઈ. 

ગ્રેજ્યુએશન પછી તે પિતાના બિઝનેસમાં જોડાયા ને સાથે સાથે સહકારી પ્રવૃત્તિમાં પણ સક્રિય થયા. 1986માં ભાજપમાં જોડાયા ને ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચામાં સક્રિય થયા. ગુજરાતમાં ભાજપ મજબૂત બનવા માંડ્યો તેમાં અમિત શાહનું પણ યોગદાન હતું. 

લાલકૃષ્ણ અડવાણીની સોમનાથ યાત્રામાં એ સક્રિય હતા ને 1991માં અડવાણી ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે તેમનો પ્રચાર કરેલો. ભાજપ ત્યારે શહેરી વિસ્તારોનો પક્ષ ગણાતો હતો. શાહે મોદી સાથે મળીને ગુજરાતને ગ્રામીણ વિસ્તારોમાં પણ મજબૂત કરવા કમર કસી અને આ પ્રયત્નોના કારણે 1995માં ગુજરાતમા પહેલી વાર ભાજપને બહુમતી મળી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. 

એ પછી શાહે રાજ્યના સહકારી માળખા પર ધ્યાન કેન્દ્રિત કરીને સહકારી ક્ષેત્રમાંથી કોંગ્રેસને સાફ કરી નાંખી. અમિત શાહને 1997માં સરખેજ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બનાવાયા અને તેમાં સરળતાથી જીતીને તેમણે પોતાની નવી રાજકીય ઈનિંગ્સ શરૂ કરી.  

અમિત શાહ 1999માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન બન્યા અ 36 કરોડ રૂપિયાની ખોટ કરનારી બેંકને તેમણે એક જ વર્ષમાં 27 કરોડનો નફો કરતી કરીને પોતાના મેનેજમેન્ટ સ્કીલનો પરચો આપી દીધેલો. 

મોદીની અત્યંત નજીક રહેલા શાહને મોદીએ મુખ્યમંત્રી બન્યા પછી રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવેલા. એ પછી શાહે ગુજરાત ક્રિકેટ એસોસિએશન પર ભાજપનું પ્રભુત્વ સ્થાપીને મોદીને પ્રમુખ બનાવ્યા હતા. શાહ વિવાદોમાં સપડાયા પછી તેમણે પ્રધાનપદ છોડવું પડ્યું પણ મોદી વડાપ્રધાનપદના ઉમેદવાર બન્યા પછી તેમણે શાહને ઉત્તર પ્રદેશનો હવાલો સોંપીને મહત્વ આપ્યું. 

શાહે ઉત્તર પ્રદેશમાં ભાજપને ભવ્ય જીત અપાવને ભાજપને સ્પષ્ટ બહુમતી મેળવવામાં મોટું યોગદાન આપ્યું. તેના પગલે તેમને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા. શાહના નેતૃત્વમાં ભાજપનો અભૂતપૂર્વ વિકાસ થયો. દેશનાં 19 રાજ્યોમાં ભાજપની સરકાર બની અને આજે ભાજપ દેશમાં સૌથી મોટો રાજકીય પક્ષ છે. 

શાહ હાલમાં રાજ્યસભાના સભ્ય છે અને ભાજપને ફરી કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા અપાવવા મચી પડ્યા છે.  

0Shares