- જન પ્રતિનિધિ

જીજ્ઞેશ મેવાણીઃ પત્રકારમાંથી પાવરફુલ પોલિટિશિયન

રાષ્ટ્રીય સ્તરે તો પત્રકારત્વમાંથી રાજકારણમાં આવીને સફળ થનારા બહુ નેતા છે પણ ગુજરાતના રાજકારણમાં એવાં નામ બહુ ઓછાં મળશે. માધવસિંહ સોલંકી પત્રકાર હતા ને પછી રાજકારણમાં આવીને ચાર વાર
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 

પત્રકાર તરીકે કામ કર્યા પછી રાજકારણમાં સફળ થયા હોય એવાં બીજા કોઈ નોંધપાત્ર નામ એ પછી લોકોની જીભે ચડતાં નથી પણ અત્યારની રાજકારણીઓની પેઢીમાં એવું એક નામ ચોક્કસ છે. આ નામ છે. જીજ્ઞેશ
મેવાણી. ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી ચૂંટાયેલા જીજ્ઞેશ મેવાણીએ પોકતાની કારકિર્દીની શરૂઆત પત્રકાર તરીકે જ કરી હતી ને તેમાંથી આગળ વધીને તે અપક્ષ ધારાસભ્યપદ સુધી
પહોંચ્યા છે.
 
મેવાણીનું નામ અત્યારે રાષ્ટ્રીય સ્તરે લડાયક યુવા નેતા તરીકે ગાજે છે પણ તેમની આ સફરની શરૂઆત એક સામાન્ય પરિવારથી શરૂ થઈ હતી. અમદાવાદમાં 11 ડીસેમ્બર, 1982ના રોજ જન્મેલા મેવાણીનો પરિવાર મૂળ
મહેસાણા જિલ્લાનો મેઉ ગામનો છે. 

જીજ્ઞેશ અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. થયો પછી ડિપ્લોમા ઈન જર્નાલિઝણ કર્યું. 2004માં તે જાણીતા ગુજરાતી મેગેઝિન અભિયાનમાં જોડાયો હતો. 2007 સુધી તેણે મુંબઈ ખાતે
અભિયાનના રીપોર્ટર તરીકે કામ કર્યું. એ પછી પત્રકારની નોકરી છોડીને મેવાણીએ ગુજરાતના જાણીતા શાયર મરીઝ પર સંશોધન કરીને સુંદર પુસ્તક લખ્યું હતું.

મેવાણી મુંબઈ છોડીને અમદાવાદ આવ્યા પછી એલ.એલ.બી.નો અભ્યાસ શરૂ કર્યો હતો. 2013માં અમદાવાદની ડી.ટી. લો કોલેજમાંથી મેવાણીએ એલ.એલ.બી. પૂરું કર્યું પછી વકીલાત પણ શરૂ કરી હતી. સાથે સાથે જીજ્ઞેશે
દલિત સમાજના પ્રશ્નો પણ ઉઠાવવા માંડ્યા. 

2016માં સૌરાષ્ટ્રના ઉનામાં દલિતો પર ગૌવંશની હત્યાના ખોટા આરોપ મૂકીને અત્યાચાર ગુજારાયા ત્યારે મેવાણી આક્રમક બનીને બહાર આવ્યા. મેવાણીએ અમદાવાદથી ઉનાની દલિત અસ્મિતા યાત્રા કાઢી. આ યાત્રાના
સમાપન પ્રસંગે યોજાયેલી સભામાં 20 હજાર દલિતો હાજર રહ્યા હતા. 

મેવાણીએ તેમની પાસે ચામડું ઉતારવાના વ્યવસાયનો ત્યાગ કરવાના શપથ લેવડાવ્યા હતા. ઉના કાંડે જીજ્ઞેશનું નામ દેશભરમાં જાણીતું કર્યું. આ લોકપ્રિયતાનો લાભ લઈને જીજ્ઞેશે ચૂંટણીમાં ઝંપલાવ્યું અને અપક્ષ
ધારાસભ્ય તરીકે જીતી ગયો. કોંગ્રેસે તેને ટેકો આપીને પોતાનો ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો.

જીજ્ઞેશ મેવાણી પોતાની આક્રમકતા માટે જાણીતો છે. ખાસ કરીને ભાજપ તથા નરેન્દ્ર મોદી સામે મેવાણી અત્યંત આક્રમક બનીને નિવેદનો આપે છે. તેના કારણે ભાજપ સાથે તેને સતત સંઘર્ષ થતો રહે છે પણ મેવાણી
તેનાથી ડર્યા વિના પ્રહારો કરતો રહે છે. 

મેવાણી સામે ઉશ્કેરણીજનક ભાષણો કરવા બદલ કેસ પણ નોંધાયા છે. આ ઉપરાંત ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા કટ્ટરવાદી મુસ્લિમો પાસેથી ફંડ લેવાના આક્ષેપો પણ તેમની સામે થયા છે. મેવાણીએ તેનાથી વિચલિત
થયા વિના પોતાની રાજકીય સફર ચાલુ રાખી છે.

મેવાણીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિવાદાસ્પદ નેતા કનૈયાકુમાર સાથે મળીને દેશના બંધારણે બચાવવા માટેનું અભિયાન પણ છેડ્યું છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં ફરીને મેવાણી આ અભિયાન ચલાવે છે.
તેમના આ અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે. વિવાદાસ્પદ હોવા છતાં મેવાણી પોતાની નોંધ લેવડાવી રહ્યા છે એ હકીકત છે. 

0Shares