- જન પ્રતિનિધિ

હાર્દિક પટેલઃ સત્તા સામે નહીં ઝૂકનારો પાણીદાર પાટીદાર નેતા

ગુજરાતના જાહેર જીવનમાં બહુ ઓછા યુવા નેતા એવા આવ્યા કે જેમણે વરસોથી જામી ગયેલા સત્તાધાશીનો હચમચાવી દીધા હોય. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલનો નિઃશંકપણે આ નેતાઓમાં સમાવેશ કરવો પડે. પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે ‘પાસ’ના નેજા હેઠળ શરૂ કરેલા આંદોલને ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી સત્તા ભોગવતા ભાજપને હચમચાવી નાંખ્યો. 

ભાજપની લોકપ્રિયતામાં એ હદે ઘટાડો થયો કે, ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડ માંડી જીતી શક્યો. વિધાનસભામાં 150 બેઠકો જીતીને ઈતિહાસ રચવાની વાતો કરતા ભાજપ સો બેઠકો પણ ના જીતી શક્યો.
હાર્દિકની વય માત્ર 25 વર્ષની છે ને પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે હાર્દિક માત્ર 22 વર્ષનો હતો. 

હાર્દિકને ઝૂકાવવા ભાજપ સરકારે બહુ પ્રયત્નો કર્યા. તેની સામે રાજદ્રોહ સહિતના ગંભીર કેસ કર્યા, તેને નવ મહિના જેલમાં નાંખ્યો પણ જબરદસ્ત આક્રમકતા અને કોઈ પણ સંજોગો સામે નહીં ઝૂકવાની લડાયક વૃત્તિના કારણે હાર્દિક ટકી ગયો. આ ગુણોના જોરે આજે હાર્દિક ગુજરાતમાં સૌથી લોકપ્રિય યુવા નેતા છે.

હાર્દિક સામાન્ય પરિવારમાંથી આવેલો છે. 20 જુલાઈ 1993ના રોજ વિરમગામમાં જન્મેલા હાર્દિકના પિતા ભરતભાઈ ખેડૂત છે જ્યારે ઉષાબેન ગૃહિણી છે. ભરતભાઈએ પછી સબમર્સિબલ પંપનો બિઝનેસ નાના પાયે શરૂ કરેલો. ગુજરાતનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ માંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં ત્યારે ભરતભાઈ તેમનો પ્રચાર કરતા હતા.

હાર્દિક ભણવામાં બહુ હોંશિયાર નહોતો પણ ક્રિકેટ સારું રમતો. તેને ક્રિકેટર બનવામાં રસ હતો પણ તક ના મળી. 2010માં હાર્દિકે અણદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ. કર્યું. કોલેજમાં તે બિનહરીફ જી.એસ. બન્યો હતો ને એ વખતે જ તેનામાં નેતૃત્વનાં ગુણો હોવાના અણસાર મળી ગયા હતા. 

હાર્દિક 2012માં લાલજી પટેલના સરદાર પટેલ ગ્રુપ (એસપીજી) સાથે જોડાયો. લાલજીએ તેને વિરમગામ એકમનો પ્રમુખ બનાવ્યો હતો. લાલજી ભાજપની નજીક હતા જ્યારે હાર્દિકને પાટીદાર સમાજ માટે કામ કરવામાં રસ હતો તેથી બંને વચ્ચે સંઘર્ષ થયો ને 2015માં હાર્દિકને એસપીજીમાંથી કાઢી મૂકાયો હતો.

હાર્દિકની બહેન મોનિકા એ વખતે બારમામાં ભણતી હતી. તેને સારા માર્ક્સ હોવા છતાં સારા કોર્સમાં એડમિશન ન મળ્યું ને તેનાથી ઓછા માર્ક ધરાવતી અન્ય જ્ઞાતિની તેની મિત્રને એડમિશન મળ્યું ત્યારે હાર્દિકને પહેલી વાર અનામતના કારણે સર્જાતી સ્થિતી વિશે ખ્યાલ આવ્યો. તેણે પાટીદારોને પણ અનામત મળે તે માટે આંદોલન શરૂ કર્યું ને આ આંદોલને ગુજરાતના રાજકારણને કઈ રીતે બદલી નાંખ્યું એ ઈતિહાસ છે.

હાર્દિક પટેલ સાથે વિવાદો પણ જોડાયેલા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં તેની સેક્સ સીડી બહાર પડી હતી. પાટીદાર સમાજનો ઉપયોગ કરીને તેણે સંપત્તિ જમાવી છે તેવા આક્ષેપો પણ થયા છે. હાર્દિકને તોફાનોના કેસમાં સજા પણ થઈ છે. આ બધી નકારાત્મક વાતો છતાં હાર્દિક ગુજરાતમાં લોકપ્રિય નેતા છે તેમાં શંકા નથી.

હાર્દિક યુવા પાટીદારોમાં અત્યંત લોકપ્રિય છે. તેનું કારણ પાટીદાર સમાજના બીજા નેતાઓની જેમ દબાણ સામે નહીં ઝૂકવાની તેની તાકાત છે. હાર્દિકે એકલા હાથે ભાજપને ગુજરાતમાં હચમચાવી નાંખ્યો છે તેમાં શંકા નથી. હવે તેનો લાભ લેવા હાર્દિક રાજકારણમાં આવી શકે છે.

0Shares