- JAN PRATINIDHI

વજુભાઈ વાળાઃ રાજકોટના પાણીદાર મેયર, ગુજરાતના પ્રિય નેતા

ગુજરાતના રાજકારણમાં સેન્સ ઓફ હ્યુમર માટે યાદ કરવા પડે તેવા રાજકારણીઓ બહુ ઓછા છે. વજુભાઈ રૂડાભાઈ વાળાનું નામ આ રાજકારણીઓમાં સૌથી ઉપર આવે. એકદમ કાઠિયાવાડી લઢણ, ધારદાર કટાક્ષ અને સામાન્ય લોકોને પણ સમજાય તેવી ભાષાના કારણે વજુભાઈ વાળા ગુજરાતના રાજકારણમાં બીજા રાજકારણીઓ કરતાં સાવ નોખા તરી આવે છે. પોતાના હાજર જવાબીપણા અને ચબરાક નીરિક્ષણોના કારણે પોતાના વિરોધીઓને પણ પોતાના પ્રસંશક બનાવવાની કળા વજુભાઈમાં છે.

વજુભાઈ વાળા ગુજરાતમાં ભાજપના પાયાના પથ્થરોમાં એક છે. રાજકોટના સામાન્ય પરિવારમાં જન્મેલા વજુભાઈ વાળા બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના રંગે રંગાયેલા હતા. ગુજરાતનાં ભાજપના પાયાનો બીજા એક પથ્થર એવા કેશુભાઈ પટેલ સાથે વાળા કિશોરાવસ્થામાં સંપર્કમાં આવ્યા. કેશુભાઈ અને વજુભાઈએ સૌરાષ્ટ્રમાં જનસંઘ અને પછી ભાજપનો વિસ્તાર કરવામાં મોટી ભૂમિકા ભજવી.

વજુભાઈ સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ વિદ્યાર્થી નેતા તરીકે સ્થાપિત થઈ ગયા હતા. રાજકોટમાં સંઘની શાખાઓ શરૂ કરાવીને તેમણે જનસંઘની વિચારધારાને મજબૂત બનાવી. વાળા ખેડૂત પરિવારમાંથી આવે છે તેથી સહકારી ચળવળ સાથે પણ સંકળાયેલા હતા. 

વજુભાઈએ રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાંથી એલ.એલ.બી. કર્યું પછી પણ વકીલાત કરીને પૈસા કમાવાના બદલે સમાજસેવાને અપનાવી. ખેડૂતો અને ગરીબોના કેસ એ વિના મૂલ્યે લડતા. 1975માં ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી એ વખતે જનસંઘના ઘણા નેતાઓને જેલમાં ધકેલી દેવાયેલા. વજુભાઈ પણ તેમાંથી એક હતા ને તેમણે અગિયાર મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો.

વજુભાઈ 1976માં રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન બન્યા. આજે રાજકોટ નાગરિક સહકારી બેંક ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક છે. બેંકની આ પ્રગતિનાં મૂળિયાં વજુભાઈએ નાંખેલાં. 1977ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કેશુભાઈ જીત્યા હતા. એ વખતે વજુભાઈની ભૂમિકા મહત્વન હતી.

વજુભાઈએ ભાજપને ગુજરાતમાં પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન જીતાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની જીત પછી 1983માં વજુભાઈ મેયર બન્યા. એ વખતે સૌરાષ્ટ્ર આખામાં પાણીની ભારે તંગી હતી. વજુભાઈ રાજકોટ તથા આસપાસના વિસ્તારોને પીવાનું પાણી મળી રહે તે માટે ઝનૂનથી કામ કરતા. તેમનું આ ઝનૂન જોઈને તેમને ‘પાણીવાળા મેયર’નું બિરૂદ મળેલું. 

ગુજરાતમાં 1986માં દુકાળ પડ્યો ત્યારે વજુભાઈએ મેયર તરીકે રાજકોટ શહેર માટે ટ્રેનો મારફતે બહારથી પીવાનું પાણી મંગાવ્યું હતું. એ વખતે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ વિધાનસભામાં કહેલું કે, વજુભાઈ રાજકોટને પીવાનું પાણી મળે એ માટે જે ઝનૂનથી મથે છે એ જોઈ અણને એવું થાય છે કે આવો માણસ અમારી પાર્ટીમાં હોવો જોઈએ.

ગુજરાત વિધાનસભાની 1985ની ચૂંટણીમાં ગુજરાતમાંથી ભાજપના ગણીને 11 વિધાનસભ્યો ચૂંટાયા હતા. તેમાંથી એક વજુભાઈ હતા. વજુભાઈ રાજકોટ ટુ બેઠક પરથી જીતેલા ને આ બેઠક પર એ પછી કદી ભાજપ ના હાર્યો. વજુભાઈ પોતે સળંગ ચાર વાર તેના પરથી જીત્યા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી તેમણે આ બેઠક મોદી માટે ખાલી કરી આપેલી. 

મોદી આ બેઠક પરથી જીત્યા પછી 2002માં તેમણે મણિનગર બેઠક પસંદ કરતાં વાળા ફરી આ બેઠક પરથી જીત્યા. 2007 અને 2012માં ફરી જીતીને વજુભાઈએ કુલ સાતમી વાર આ બેઠક પર જીત મેળવી હતી.  વજુભાઈએ ગુજરાતમાં ઘણા હોદ્દા ભોગવ્યા છે. નાણાં મંત્રી તરીકે 14 બજેટ રજૂ કરવાનો તેમનો રેકોર્ડ છે. એ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ બન્યા ને અત્યારે કર્ણાટકના રાજ્યપાલ છે.

વજુભાઈ હવે સક્રિય રાજકારણમાં ભલે નથી પણ ગુજરાતના રાજકારણ પર તેમણે છોડેલી છાપ કદી ભૂંસાશે નહીં. 

0Shares