- JAN PRATINIDHI

સુરેશ મહેતાઃ ગુજરાતના વિદ્વાન અને અભ્યાસુ મુખ્યમંત્રી

ગુજરાતીમાં કહેવત છે કે, બગાસું ખાતાં પતાસુ મળી ગયું. ભાજપના નેતા સુરેશ મહેતાની જીંદગીમાં 1995માં એવું જ થયેલું. 1995ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત પછી કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેના કારણે શંકરસિંહ વાઘેલા નારાજ હતા. કેશુભાઈની કામગીરીના કારણે બીજા ધારાસભ્યોમાં પણ અસંતોષ થયો અને તેનું પરિણામ બળવામાં આવ્યું. શંકરસિંહ વાઘેલા પોતાના સમર્થક 46 ધારાસભ્યો મધ્ય પ્રદેશના ખજૂરાહો ઉપડી ગયા. 

ગુજરાતના રાજકારણમાં ખજૂરીયા કાંડ તરીકે જાણીતા આ પ્રકરણનો અંત કેશુભાઈ અને શંકરસિંહ જૂથ વચ્ચે સમાધાનના રૂપમાં આવ્યો. આ સમાધાનના ભાગરૂપે બંને જૂથમાંથ કોઈ જૂથના નહીં એવા સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા ને મહેતાજીને બગાસુ ખાતા પતાસુ મળી ગયેલું. મુખ્યમંત્રી તરીકે તે 334 દિવસ રહ્યા ને 1997માં બહુમતી સાબિ કરવા છતાં તેમની સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિશાસન લદાયું પછી શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા હતા. 

સુરેસ મહેતાને મુખ્યમંત્રીપદ ભલે નસીબના જોરે મળ્યું પણ તેમની લાયકાત અને ક્ષમતા વિશે કોઈ શંકા કરી શકે તેમ નથી. ગુજરાતમાં જનસંઘમાં કોઈ જોડાતું નહોતું એ દિવસોમાં જનસંઘમાં જોડાઈને કચ્છમાં જનસંઘને મજબૂત બનાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપેલું. 

સુરેશ મહેતાનો જન્મ 19 ઓગસ્ટ, 1936ના રોજ કચ્છના બ્રાહ્મણ પરિવારમાં થયેલો. એલ.એલ.બી. કર્યા પછી તેમણે પોતાના વતન માંડવીમાં વકીલાત શરૂ કરી. 1967માં સરકારની પરીક્ષા પાસ કરીને તે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બન્યા અને 1969 સુધી સરકારી નોકરી કરી. 

જો કે અંદરથી રાજકારણમાં જોડાવાની અદમ્ય ઈચ્છા થતી હતી તેથી મેજિસ્ટ્રેટના હોદ્દા પરથી રાજીનામું ધરીને તે જનસંઘ સાથે જોડાઈ ગયા. કચ્છમાં એ વખતે જનસંઘનો કોઈ પ્રભાવ નહોતો. મહેતાએ રાતદિવસ મહેનત કરીને કચ્છમાં જનસંઘનો પ્રભાવ વધાર્યો તેના કારણે 19725માં તેમને ચૂંટણીના મેદાનમાં ઉતારાયા. મહેતા પોતાની પહેલી ચૂંટણીમાં હારી ગયેલા પણ 1975માં જીતીને પહેલી વાર  ધારાસભ્ય બન્યા. 

સુરેશ મહેતા 1980માં કોંગ્રેસના જયકુમાર સંઘવી સામે હારી ગયેલા પણ 1985માં ઈન્દિરા ગાંધીની હત્યા સમયે ઉભા થયેલા સહાનુભઊતિના મોજા વખતે કોંગ્રેસ સામે ઝીંક ઝીલીને જીત્યા હતા. એ વખતે ગુજરાતમાંથી ભાજપના 11 ધારાસભ્યો જ ચૂંટાયા હતા ને તેમાંથી સુરેશ મહેતા એક હતા. 

સુરેશ મહેતા એ પછી 1990, 1995 અને 1998 એણ સળંગ ચાર વાર જીત્યા હતા. કેશુભાઈની સરકારમાં એ નાણાં મંત્રી હતા ને કેશુભાઈ 1998માં ફરી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઉદ્યોગ પ્રધાન હતા. કેશુભાઈને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવાયા ત્યારે તેમણે મોદીને પોતાનાથી જુનિયર ગણાવીને તેમના મંત્રીમંડળમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો હતો. 

2002ની ચૂંટણીમાં મહેતા કોંગ્રેસના છબીલદાસ પટેલ સામે 598 મતે હારી ગયા એ તેમની છેલ્લી ચૂંટણી હતી. નરેન્દ્ર મોદી સાથે મતભેદ થતાં પછીથી તેમણે ભાજપને રામરામ કર્યા અને કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની સ્થાપના કરી ત્યારે તેમની સાથે ગયેલા. 

સુરેશ મહેતા અત્યારે રાજકીય રીતે પતી ગયેલા છે પણ એક અભ્યાસુ અને નિર્વિવાદ રાજકારણી તરીકે તેમને યાદ કરવા પડે. ગુજરાતના પ્રશ્નો અને ખાસ તો પાણીની સમસ્યા વિશેનો તેમનો અભ્યાસ પ્રસંશનિય છે. ગુજરાતની ઉદ્યોગ નીતિને આકાર આપવામાં તેમણે ભજવેલી ભૂમિકા પણ મહત્વની છે. સંસદીય પ્રણાલિના જાણકાર તરીકે તેમને આજેય લોકો યાદ કરે છે. 

0Shares