- જન પ્રતિનિધિ

દિલીપ પરીખઃ ગુજરાતના ‘ધ એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર’

સંજય બારુએ લખેલું પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ 2014માં બહાર આવેલું. થોડા સમય પહેલાં તેના પરથી બનેલી ફિલ્મ પણ રીલીઝ થઈ. સંજય બારુ વડાપ્રધાન મનમોહનસિંહના મીડિયા એડવાઈઝર હતા. અચાનક જ લોટરી લાગતાં મનમોહનસિંહ વડાપ્રધાન તો બની ગયા પણ આ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ કેટલા લાચાર હતા તેની વાત બારુએ પોતાના પુસ્તકમાં કરી હતી. ખેર, એ એક અલગ મુદ્દો છે પણ મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા એ પહેલાં ગુજરાતને આ રીતે જ એક ‘ધ એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર’ મળી ગયા હતા. 

શંકરસિંહ વાઘેલાએ ભાજપથી છેડો ફાડીને રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી પછી કોંગ્રેસના ટેકાથી સરકાર રચી હતી. એક વર્ષ સુધી આ સરકાર ચાલી. કોંગ્રેસ વાઘેલા પોતાના ઈશારે નાચે તેમ ઈચ્છતી હતી પણ વાઘેલાનો એ સ્વભાવ નહોતો તેથી સંઘર્ષ શરૂ થઈ જ ગયેલો. છેવટે કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો. 

વાઘેલાની સરકાર ઘરભેગી થઈ પણ રાજકારણના ખેલાડી શંકરસિંહે કોંગ્રેસને ઓફર આપી કે, પોતે ખસી જશે પણ પોતાની સરકારને ટેકો ચાલુ રાખો. કોંગ્રેસ એ માટે તૈયાર થઈ ને વાઘેલાએ પોતાના વફાદાર દિલીપ પરીખને મુખ્યમંત્રીપદે બેસાડી દીધા. એ રીતે ગુજરાતને તેના ‘ધ એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર’ મળ્યા હતા. 

દિલીપ પરીખ નસીબના બળિયા હતા કે, રાજકારણમાં આવ્યાના બહુ ટૂંકા ગાળામાં એટલે કે એક દાયકા કરતાં ઓછા સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા. મજાની વાત એ છે કે, પરીખ મુખ્યમંત્રી બન્યા ત્યારે ધારાસભ્ય તરીકેની તેમની એ બીજી જ ટર્મ હતી. મુખ્યમંત્રી બન્યા પછી એ કદી વિધાનસભાની ચૂંટણી સુધ્ધાં જીત્યા નહોતા. 

દિલીપ પરીખને 1990 પહેલાં રાજકારણ સાથે કંઈ લેવાદેવા નહોતી. બલ્કે ગુજરાત સાથે પણ ઝાઝી લેવાદેવા નહોતી. એ મુંબઈમાં જન્મેલા ને ત્યાં જ ભણ્યા. મુંબઈની પ્રતિષ્ઠિત એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ઈકોનોમિક્સના ગ્રેજ્યુએટ થયા. પરીખ ધનિક પરિવારમાં જન્મેલા ને તેમના પરિવારનો પ્લાસ્ટિકનો બિઝનેસ હતો. 

આ બિઝનેસ ગુજરાતમાં પણ ફેલાયેલો હતો તેથી પરીખની ગુજરાતમાં આવનજાવન રહેતી. એ દરમિયાન તે શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં આવ્યા અને તેમની ચઢતીના દિવસો શરૂ થયા. વાઘેલાએ તેમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ બનાવડાવ્યા હતા. 

વાઘેલાના કારણે દિલીપ પરીખને ભાજપે 1990માં ધંધુકા વિધાનસભા બેઠકની ટિકિટ આપી. એ વખતે ભાજપનો જુવાળ હતો તેથી બહારના ઉમેદવાર હોવા છતાં પરીખ ગુજરાત વિધાનસભાના સ્પીકર નટવરલાલ શાહને હરાવીને જીતી ગયા હતા. 1995માં ફરી તે આ જ બેઠક પરથી જીત્યા અને વાઘેલાએ બળવો કરતાં તેમની સાથે ગયા. વાઘેલા તરફની આ વફાદારીનું ફળ તેમને ગુજરાતના મુખ્યમંત્રીપદના રૂપમાં મળ્યું. 

દિલીપ પરીખનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ બહુ વખાણવા જેવો નહોતો. પરીખ શંકરસિંહના ઈશારે શાસન ચલાવતા હતા ને તેમણે એવા કોઈ નિર્ણય નહોતા લીધા કે જેના કારણે તેમને યાદ કરવા પડે. એક વર્ષ પછી વાઘેલાના ઈશારે તેમણે વિધાનસભા ભંગ કરાવી દીધી. 

1998ની વિધાનસભા ચૂંટણીમાં પરીખ ફરી ધંધુકા બેઠક પરથી લડ્યા પણ ભાજપના યુવા ઉમેદવાર ભરંત પંડ્યા સામે હારી ગયા. વાઘેલા ભાજપના બળવાખોર ધારાસભ્યોને ખજુરાહો લઈ ગયા ત્યારે રીસોર્ટના સ્વિમિંગ પુલમાં દિલીપ પરીખ નહાતા હોય તેવો ફોટો આવેલો. 

આ ફોટાના કારણે પરીખે રાજકીય કારકિર્દીથી પણ નાહી નાંખવું પડ્યું. 

0Shares