- JAN PRATINIDHI

કરશનભાઈ પટેલઃ મલ્ટિનેશનલ્સને પછાડનારો પાટીદાર

ગુજરાતીઓ સાહસિક અને ઉદ્યમી પ્રજા છે. કદી ના હારવાની તાકાતના જોરે સંખ્યાબંધ ગુજરાતીઓએ સામ્રાજ્ય ઉભાં કર્યાં છે. આ ગુજરાતીઓમાં એક નામ કરશનભાઈ પટેલનું પણ છે. સાવ સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા કરશનભાઈ પટેલ નિરમા ગ્રુપના ચેરમેન છે. નિરમા ગ્રુપ 2500 કરોડની કંપની છે. ડીટરજન્ટ, સાબુ અને કોસ્મેટિક્સ ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં મોટું યોગદાન આપનારા કરશનભાઈ ખોડીદાસ પટેલ ઉર્ફે કે.કે. પટેલે સમાજ સેવાનો યજ્ઞ પણ ચાલુ રાખ્યો છે. 

મહેસાણા જિલ્લાના રૂપુરના ખેડૂત પરિવારમાં જન્મેલા કરશનભાઈ પેલે 21 વર્ષની વયે બી.એસસી. કર્યા પછી થોડો સમય લેબ ટેકનિશિયન તરીકે કામ કરેલું. એ પછી તે લાલભાઈ ગ્રુપની ન્યુ કોટ્ન મિલમાં જોડાયા. દરમિયાનમાં સરકારી નોકરી મળતાં રાજ્ય સરકારના જીયોલોજી એન્ડ માઈનિંગ ડીપોર્ટમેન્ટમાં પણ કામ કર્યું. 

જો કે નોકરી કરીને બંધાઈ રહેવું તેમનો સ્વભાવ નહોતો તેથી 1969માં કપડાં ધોવાનો પાવડર વેચવાનું શરૂ કર્યું. એ પછી પોતે જ નાના પાયે કપડાં ધોવાનો પાવડર એટલે કે ડીટરજન્ટ બનાવવા માંડ્યા. કરશનભાઈ આખો દિવસ નોકરી કરતા  ને રાત્રે આ કામ કરતા. રોજ રાત્રે સાયકલ લઈને નિકળી પડતા ને હાથે બનાવેલા ડીટરજન્ટનાં પેકેટ ઘેર ઘેર ફરીને વેચતા. 

એ વખતે બીજા બધા ડીટરજન્ટ કિલોના દસ રૂપિયાની આસપાસ મળતા ત્યારે કરશનભાઈ માત્ર ત્રણ રૂપિયા કિલોના ભાવે માલ વેચતા. તેના કારણે તેમના ડીટરજન્ટની માંગ વધવા લાગી. કરશનભાઈએ પોતાના ડીટરજન્ટની ઓળખ ઉભી કરવા તેને પોતાની દીકરી નિમાના નામે નિરમા બ્રાન્ડ તરીકે વેચવા માંડ્યો. 

ત્રણ વર્ષ આ રીતે કામ ચલાવ્યું ને ત્યાં સુધીમાં નિરમા પાવડરની લોકપ્રિયતા એટલી થઈ ગયેલી કે કરશનભાઈ એકલું રાત્રે કામ કરીને પહોંચી નહોતા વળતા. વધતી જતી માંગને કારણે કરશનભાઈનો આત્મવિશ્વાસ પણ વધ્યો હતો તેથી છેવટે તેમણે 1972માં નોકરી છોડી દીધી. એ વખતે નિષ્ફળ જવાનો ડર ઘણાંએ બતાવેલો પણ કરશનભાઈને પોતાની પ્રોડક્ટમાં વિશ્વાસ હતો. 

કરશનભાઈએ અમદાવાદમાં પોતાની દુકાન પણ શરૂ કરી અને એ પછી પાછું વળીને જોયું નથી. એ વખતે બજારમાં મલ્ટિનેશનલ કંપનીઓ જ ડીટરજન્ટ વેચતી પણ આ ગુજરાતી ભાયડાએ તેમને હંફાવીને એક દાયકામાં તો નિરમાને ભારતમાં સૌથી વધુ વેચાતો ડીટરજન્ટ પાવડર બનાવી દીધો. 

અત્યારે ભારતમાં નિરમા 35 ટકા માર્કેટ શેર સાથે નબંર વન ડીટરજન્ટ બ્રાન્ડ છે. કરશનભાઈએ એ પછી નિરમા બ્રાન્ડના ટોઈલેટ શોપ લોંચ કર્યા. તેમાં નિરમા બ્યુટી સોપને ભારે સફળતા મળી. શેમ્પૂ, ટૂથપેસ્ટ, ખાવાનું મીઠું સહિતનાં નિરમાનાં ઉત્પાદનો પણ બજારમાં મળે છે.

કરશનભાઈએ 1995માં નિરમા યુનિવર્સિટી ઓફ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી ગુજરાતમાં સૌથી મોટી એન્જીનિયરિંગ કોલેજ છે. તેમણે ગુજરાતની સૌથી મોટી ફાર્મસી કોલેજ પણ સ્થાપી છે.  2003માં નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એવું નામ અપાયું પછી તેમાં મેનેજમેન્ટના કોર્સ પણ શરૂ કરાયા. 

કરશનભાઈએ નિરમા એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરીને સમાજસેવા પણ શરૂ કરી છે. આ ફાઉન્ડેશનના માધ્યમથી કરશનભાઈ ઉદ્યોગ સાહસિકોને તાલીમ અને તમામ સહાય પૂરી પાડે છે. 

કરશનભાઈએ મેળવેલી સિધ્ધી બહુ મોટી છે. એક ખેડૂત પુત્ર દુનિયાની મોટી મોટી કંપનીઓને પછાડી દે એવું બધે નથી બનતું. 

0Shares