- JAN PRATINIDHI

એચ.એલ. ત્રિવેદીઃ લોકોનો પ્રેમ નોબલ પ્રાઈઝ જ છે

ભારતમાં આજે પણ વિદેશ જવાનો ભારે ક્રેઝ છે ત્યારે કોઈ માણસ વિદેશમાં લાખો ડોલરની નોકરી છોડીને આ દેશમાં પાછો આવી જાય એવી કલ્પના પણ કરી શકો ? અને એ પણ માત્ર સમાજ સેવા કરવા માટે ? આવો માણસ લોકોને પાગલ જ લાગે. ડો. ડૉ. એચ. એલ. ત્રિવેદી આવું પાગલપન કરી ચૂક્યા છે. 

કેનેડાના ઓરિએન્ટોમાં ચાલતી પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડીને એ ભારત આવી ગયા ને અહીં સેવાની ધૂણી ધખાવીને બેસી ગયા. તેના કારણે કેનેડાને મોટું મુકસાન થયું પણ ભારતને અને ખાસ તો ગુજરાતને તો ફાયદો જ થયો છે. મેડિકલ ક્ષેત્રે નિષ્ણાત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત કિડની સર્જન તો મળ્યો જ પણ સાથે સાથે સાવ ઓછા દરે સારવાર કરી આપતી હોસ્પિટલ પણ મળી. 

સૌરાષ્ટ્રના ચરાવડામાં જન્મેલા હરગોવિંદભાઈના પિતા લક્ષ્મીશંકર ત્રિવેદી શિક્ષક હતા. માતાનું નામ શારદાબહેન. ભણવામાં હોંશિયાર ત્રિવેદી સાહેબે અમદાવાદની બી.જે. મેડિકલમાંથી એમ.બી.બી.એસ. કર્યું પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ભણવા જવાનું હતું ત્યારે જે જે યુનિવર્સિટીમાં પ્રવેશફોર્મ ભર્યાં હતાં તે દરેકને ત્રિવેદી સાહેબે પત્ર લખ્યો હતો કે, મને એડમિશન આપો તો સાથે એરફેર પણ આપવું પડશે કેમ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. 

અમેરિકાના ક્લિવલેન્ડ ક્લિનિકે તેમની આ ઓફર સ્વીકારીને તેમને એડમિશન આપેલું.  ત્રિવેદીએ અહીં નેફ્રોલોજીનો અભ્યાસ કર્યો. એ પછી કેનેડાના ઓરિઅન્ટોમાં આઠ વર્ષ પ્રેક્ટિસ કરી. તેમની પ્રેક્ટિસ એટલી ચાલતી કે, કેનેડાની સૌથી વધુ ટેક્સ ભરનારી વ્યક્તિઓમાં તેમનું નામ આવતું હતું. 

જો કે વતન તેમને બોલાવતું હતું તેથી બધું છોડીને અમદાવાદ આવી ગયા. ગરીબોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરતી અરજી ગુજરાત સરકારમાં આપી. સરકારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમને એક ઑફિસ આપી અને કહ્યું કે, અમે તમને જગ્યા આપીએ, હોસ્પિટલ તમે ઊભી કરો. 

ત્રિવેદી સાહેબે એ પડકાર ઉપાડીને 400 બેડની કિડની હોસ્પિટલ ઉભી કરી. લોકો પાસે ફરી ફરીને દાન ઉઘરાવ્યાં અને સાવ શૂન્યમાંથી સર્જન કરવાનો પુરૂષાર્થ પાર પાડ્યો. આ હોસ્પિટલ ઉભી કરવામાં તેમને ભારે તકલીફો પડી. સરકારી તંત્ર અને ખાઈ બદેલા ડોક્ટરો સામે બહુ લડવું પડ્યું. 

ધમકીઓ મળી અને હુમલા પણ થયા પણ તેનાથી ડર્યા વિના ડો. ત્રિવેદીએ પોતાનું મહાઅભિયાન ચાલુ રાખ્યું. તેના પરિણામ સ્વરૂપ આજે 11 માળની કિડની હોસ્પિટલ ઉભી છે. આ હોસ્પિટલમાં 125 ડૉક્ટરો સાથે 600નો સ્ટાફ છે. દર વર્ષે કિડનીનાં 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. હવે અહીં લિવર ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. 

બીજી હોસ્પિટલોમાં લિવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 50 લાખ રૂપિયા થાય તે અહીં 12 લાખમાં થઈ જાય છે. અત્યંત રાહત દરે જરૂરીયાતમંદોને સારવાર મળે છે ને અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ બચાવાયા છે. પૈસાના અભાવે કોઈની સારવાર ના અટકે એ મંત્ર સાથે આ હોસ્પિટલ કામ કરે છે. 

આ ઈન્ટિટ્યુટમાં સંશોધન પણ થાય છે. ત્રિવેદી સાહેબે સ્ટેમ સેલ થેરાપી અંગે સંશોધન કરીને મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ કરી છે. ઓછાં સાધનો અને ઓછી સગવડો વચ્ચે તેમણે આ સંશોધન કર્યું છે. દુનિયાના બીજા કોઈ દેશમાં હોત તો ત્રિવેદી સાહેબને નોબલ પ્રાઈઝ મળ્યું હોત. 

જો કે ત્રિવેદી સાહેબને લોકોને જે પ્રેમ મળ્યો છે તે નોબલ પ્રાઈઝથી કમ નથી. 

0Shares