- વાત સરકારની

ઊર્જાના સૌથી વધુ સ્ત્રોત ધરાવતો દેશ જ વિકાસ સાધી શકે છેઃ રાજ્યપાલ

તા-16-01-2020 ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેલ અને ગેસ સંરક્ષણ જાગરૂકતા અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે સંરક્ષણ ક્ષમતા મહોત્સવ – સક્ષમ ૨૦૨૦નું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, આજે વિશ્વભરનો વિકાસ પેટ્રોલિયમ પેદાશોને આધારિત છે ત્યારે ઉર્જાનો સૌથી વધુ સ્ત્રોત ધરાવતો દેશ જ શ્રેષ્ઠ વિકાસ સાધી શકશે.

રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશોના વપરાશ જો વર્તમાન ઝડપે ચાલુ રહેશે તો દેશનાં તેલ ભંડારો ૩૦-૪૦ વર્ષમાં ખૂટી જશે જેનું દબાણ દેશના આર્થિક ક્ષેત્રને સહન કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ભારત દેશ દુનિયાનો સૌથી વધુ પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ કરનારો વિશ્વનો ત્રીજા નંબરનો દેશ છે અને મોટાભાગનું ખનીજ તેલ આયાત કરવું પડે છે જેના કારણે ભારતે મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણની ચુકવણી કરવી પડે છે. દેશનો પ્રત્યેક નાગરિક ખનીજ તેલ અને પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આ વિદેશી હૂંડિયામણની બચત થઈ શકશે એ રીતે દેશના નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં પોતાનો યતકિંચિંત સહયોગ આપી શકશે.

રાજ્યપાલે ખનીજ તેલ અને ગેસ વપરાશ અંગે જણાવ્યું હતું કે દેશમાં મુખ્ય ચાર ક્ષેત્રો એવાં છે જે અધિક માત્રામાં ખનીજ તેલ અને ગેસનો ઉપયોગ કરે છે. આ ચાર ક્ષેત્રો છે પરિવહન, ઉદ્યોગો, ઘરેલુ કાર્યો અને કૃષિ. આ ચારેય ઉદ્યોગ ક્ષેત્રોમાંથી દેશની કુલ પેટ્રોલિયમ વપરાશ ૫૪% ઉપયોગ પરિવહન ક્ષેત્ર દ્વારા થાય છે. ઉદ્યોગો દ્વારા કુલ વપરાશનો ૨૦થી ૩૦% પેટ્રોલિયમનો વપરાશ થાય છે. આવી જ સ્થિતિ કૃષિ અને ઘર વપરાશમાં પણ છે.

તેમણે જણાવ્યું હતું કે, નાની નાની બાબતોમાં ઉર્જા સંરક્ષણની સમજ અને ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા ઊર્જા વ્યય ઘટાડીને નાગરિકો દેશના વિકાસમાં સહયોગી બની શકે છે. જેમ કે, વ્યક્તિગત વાહનના ઉપયોગને બદલે સાર્વજનિક પરિવહન ના ઉપયોગથી પેટ્રોલિયમની બચત થઈ શકે છે. જરૂરત ન હોય તો વીજળીના બલ્બ,પંખા કે એ.સી બંધ કરીને ઉર્જા વ્યય ને અટકાવી શકાય.

પેટ્રોલિયમ પેદાશોના આડેધડ વપરાશથી દેશનું હુંડિયામણ ખર્ચાય છે જ પરંતુ પર્યાવરણને પણ ભારે નુકસાન થાય છે, તેની વિગતો આપતા રાજ્યપાલે ઉમેર્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાભરના ગ્લેશિયર પીગળી રહ્યા છે, સમુદ્રની સપાટી વધી રહી છે અને કિનારે વસતા શહેરો ડૂબી જવાની ભીતિ સર્જાઇ છે. બારમાસી નદીઓ સૂકાઈ જવાના ભયના કારણે દુનિયાની ૭૦ થી ૮૦ ટકા વસતી કે જે આવી બારમાસી નદીઓના તટ પર વસવાટ કરે છે તેમના ઉપર ખતરાની ઘંટડી વાગી રહી છે. પેટ્રોલિયમનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સૌર ઉર્જા જેવા અક્ષય ઉર્જાના નવા ઉર્જા સ્ત્રોત ઉભા કરવાથી આ સમસ્યાને હળવી કરી શકાશે.

કૃષિક્ષેત્ર પરિવર્તનોની હિમાયત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના ઝેરથી મુક્તિ માટે ગુજરાતમાં પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે એક લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેમણે કૃષિક્ષેત્રે પેટ્રોલિયમ પેદાશોના અવલંબનો ઘટાડવા એવા સાધનો વિકસાવવાનો અનુરોધ કર્યો છે જેના દ્વારા ખનીજ તેલ વિના કૃષિ કાર્ય થઈ શકે.

આ પ્રસંગે તેલ ઉદ્યોગના રાજ્ય સ્તરીય બેઠક અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના કાર્યકારી નિર્દેશક એમ.એમ લાંબાએ સક્ષમ ૨૦૨૦ ઉર્જા ક્ષમતા મહોત્સવની રૂપરેખા આપી હતી. દેશભરમાં પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ એસોસિએશન પેટ્રોલિયમ સંરક્ષણ અનુસંધાન દ્વારા વર્ષ ૧૯૯૧ થી દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે આ કાર્યક્રમ એક મહિના માટે ઝુંબેશના સ્વરૂપે યોજવામાં આવે છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭ કરતા વર્ષ ૨૦૧૮-૧૯ માં ખનીજ તેલ અને ગેસના વપરાશમાં ૨૯ ટકાનો વધારો નોંધાયો છે. જેના કારણે દેશને વિદેશમાંથી ખનીજ તેલની આયાત કરવી પડે છે. લાંબાએ “ઇંધણનો અધિક વપરાશ અટકાવો પર્યાવરણ બચાવો” ના સુત્રને સાર્થક કરવા સૌ નાગરિકોને ખનીજ પેદાશનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌને રાજ્યપાલે ઉર્જા સરક્ષણ માટે શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સ્મૃતિચિન્હ અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સ્ટેટ હેડ રાજેશ મહેતાની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગુજરાતના સ્ટેટ હેડ આશુતોષ ગુપ્તા તેમજ ગેઈલના ડેપ્યુટી જનરલ મેનેજર રૂબીન પાલીકર સહિત ઉચ્ચ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

0Shares