- FEATURED NEWS, slider news

જાણો 5 વર્ષમાં કેટલા અમીર થયા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ?

‘અચ્છે બીતે 5 સાલ, લગે રહો કેજરીવાલ’, આ નારો આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આપ્યો છે. આ નારા સાથે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ એકવાર ફરીથી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે અને ત્રીજીવાર નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી તાલ ઠોકી રહ્યા છે.

કામગીરીના મામલે આ પાંચ વર્ષ કેવા વિત્યા છે, એ તો જનતા 8 ફેબ્રુઆરીએ થનારા મતદાનમાં જણાવશે, પરંતુ કેજરીવાલની સંપત્તિ માટે તેમનો કાર્યકાળ કેવો રહ્યો છે, તેઓએ પોતાના હલફનામામાં તેની જાણકારી જાતે આપી દીધી છે.

નવી દિલ્હી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે કેજરીવાલ

મંગળવારે (21 જાન્યુઆરી) મોડી રાત્રે અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. નામાંકન સાથે કેજરીવાલે સોગંધનામામાં તેમની સંપત્તિ વિશે પણ માહિતી આપી હતી. કેજરીવાલે 3.4 કરોડની કુલ સંપત્તિ જાહેર કરી છે, જે 2015ની સરખામણીએ 1.3 કરોડ વધારે છે.

2015ની વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે તેમની સંપત્તિની કિંમત 2.1 કરોડ જાહેર કરી હતી. હવે તેમની સંપત્તિ વધીને 3.4 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ વિતાવ્યા બાદ અરવિંદ કેજરીવાલની કુલ આવકમાં 1 કરોડ 30 લાખનો વધારો થયો છે.

સાત લાખ વધ્યુ કેશ

2015માં કેજરીવાલ પાસે 2 લાખ 26 રૂપિયાની રોકડ હતી, જે 2020માં વધીને 9 લાખ 65 હજાર થઈ ગઈ છે. જ્યારે અચલ સંપત્તિની વાત કરીએ તો કેજરીવાલની અચલ સંપત્તિની કિંમત 2015માં 92 લાખ રૂપિયા હતી, જે હવે વધીને એક કરોડ 77 લાખ થઈ ગઈ છે. એટલે કે, અરવિંદ કેજરીવાલ પાસે કદાચ વધારે રોકડ ન હોય પરંતુ તેમની અચલ સંપત્તિમાં 85 લાખનો વધારો થયો છે.

અરવિંદ કેજરીવાલની સ્થાવર મિલકતમાં વધારા અંગે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, સંપત્તિના ભાવમાં વધારાને કારણે કેજરીવાલની સંપત્તિની કિંમતમાં વધારો થયો છે.

પત્નીની આવક 42 લાખ વધી

સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલની આવક અંગેની માહિતી પણ સોગંદનામામાં આપવામાં આવી છે. 2015માં સુનિતા કેજરીવાલની કુલ આવક 15 લાખ હોવાનું જણાવાયું હતું, જે 2020માં વધીને 57 લાખ થઈ ગઈ છે. એટલે કે, સુનીતા કેજરીવાલની આવકમાં પાંચ વર્ષમાં 42 લાખનો વધારો થયો છે.

0Shares