- slider news

અમદાવાદઃ સેશન્સ કોર્ટે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલના જામીન કર્યા મંજૂર

અમદાવાદ સેશન્સ કોર્ટે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે. હાર્દિકના વકીલે કોર્ટેમાં બાહેંધરી આપી છે કે, હવે તે ફરીથી આવી ભૂલ કરશે નહી અને હવે પછીની તારીખમાં ફરજિયાત કોર્ટમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના કેસની મુદ્દતમાં હાજર ન થઈ કાનૂની કાર્યવાહીમાં જાણી જોઈને વિલંબ નાખવા બદલ એડિ. સેશન્સ જજ બી.જે ગણાત્રાએ હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. વોરંટ કાઢ્યાની ગણતરીની કલાકોમાં જ વિરમગામ પાસેથી સાઈબર ક્રાઈમની ટીમે હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે 24 તારીખ સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. જેના પગલે હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી કરતા કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા.

શું છે સમગ્ર મામલો?

પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે તા. 25 ઑગસ્ટ, 2015ના અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે રેલી યોજી હતી. જે બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક ડઝન કરતાં વધુ પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં તથા ઘણી સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચ્યું હતું. હિંસાને પગલે હાર્દિક, દિનેશ બાંભણિયા તથા ચિરાગ પટેલની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. આંદોલન સમયે હાર્દિક પટેલે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો, જોકે બાદમાં તેઓ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પાસમાં તેમના અન્ય સાથીદાર નિખિલ સવાણી (કૉંગ્રેસ), વરુણ પટેલ (ભાજપ) તથા રેશમા પટેલ (પહેલાં ભાજપ બાદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) એમ અલગ-અલગ પક્ષમાં જોડાઈ ગયાં હતાં.

0Shares