- ECONOMY, slider news

બજેટ પહેલા મોદી સરકારને વધુ એક ઝટકો- હવે આ એજન્સીએ પણ ઘટાડ્યું GDP ગ્રોથનું અનુમાન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) બાદ, અન્ય એક રેટિંગ એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થાના જીડીપી વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)માં માત્ર 5.5 ટકાનો વૃદ્ધિદરનો અંદાજ લગાવ્યો છે.

આ પહેલા, આઇએમએફએ આ નાણાકીય વર્ષ એટલે કે 2019-20માં ભારતના જીડીપીમાં 4.8 ટકા અને ભારત સરકારની રાષ્ટ્રીય આંકડા કચેરી (સીએસઓ)એ 5 ટકાના વિકાસનો અંદાજ મૂક્યો છે. એટલે કે, ભારત રેટિંગ્સ અનુસાર, આવતા વર્ષે પણ તેમાં નજીવો વધારો થશે.

કેમ ઘટાડ્યું અનુમાન

નોંધનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં, ફિચ ગ્રૂપની આ રેટિંગ એજન્સીએ આ નાણાકીય વર્ષમાં એટલે કે 2019-20માં ભારતનો જીડીપી 5.6 ટકા વધવાનો અંદાજ લગાવ્યો હતો. એજન્સીનું કહેવું છે કે, અગાઉ એવું માનવામાં આવતું હતું કે આવતા નાણાકીય વર્ષમાં થોડો સુધારો થશે, પરંતુ ભારતીય અર્થતંત્ર ઓછા વપરાશ અને ઓછા રોકાણની માંગના ગાળામાં ફસાતું દેખાઈ રહ્યું છે.

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના ઇકોનૉમિસ્ટ સુનીલ સિન્હાએ જણાવ્યું હતું કે, ‘અમને આશા હતી કે નાણાકીય વર્ષ 2021માં થોડો સુધારો થશે, પરંતુ જોખમ યથાવત છે, જેના કારણે ભારતીય અર્થતંત્ર ઓછા વપરાશ અને નબળા માંગના ચક્ર તરફ ફસાતું દેખાઈ રહ્યું છે.

સિન્હાએ કહ્યું કે, “સ્થાનિક માંગ ચક્રને પુનર્જીવિત કરવા અને અર્થવ્યવસ્થાને ઉંચી વૃદ્ધિના સમયગાળામાં પરત લાવવા માટે સરકારે મજબૂત નીતિ પર ભાર મૂકવાની જરૂર છે. પરંતુ વૈશ્વિક ટ્રેડ દબાણ હેઠળ છે, વિશ્વભરમાં નિકાસને અસર થઈ છે, આનાથી ભારતની નિકાસને પણ ખરાબ અસર થઈ છે. આ તમામ કારણો ભારતીય જીડીપીને નીચે લાવવા માટે પણ જવાબદાર છે.

હજુ નીચે આવશે રૂપિયો

વિશ્વભરની જે પ્રકારની આર્થિક પરિસ્થિતિઓ છે તેમાં રૂપિયો વધુ નીચે આવી શકે છે. એજન્સીએ તેમના સંશોધન પર પ્રકાશ પાડ્યો હતો કે સરકારે અર્થવ્યવસ્થાને ઉઠાવવા માટેના ઘણા પગલાની જાહેરાત કરી હતી, પરંતુ તેનાથી મધ્યમ ગાળામાં જ મદદ મળશે.

અંદાજ કરતા વધારે થશે નાણાકીય નુકસાન

હવે નજર આવતા બજેટ પર છે, રેટિંગ એજન્સીએ અનુમાન લગાવ્યું છે કે, કર અને બિન-કરવેરાની આવકના ઘટાડાને લીધે નાણાકીય ખોટ નાણાકીય વર્ષ 2020માં 3.6% (બજેટમાં 3.3%) પર આવી શકે છે. આ સ્થિતિ ત્યારે છે જ્યારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ સરપ્લસ ટ્રાન્સફર કર્યું છે.

સરકારના વેરાની આવકનો સંગ્રહ દર વર્ષે ઘટતો જાય છે, તેના કારણે સરકાર પાસે ખર્ચ વધારવાનો બહુ ઓછો અવકાશ રહી જાય છે.

સિન્હાએ આગામી મહિનાઓમાં દેશને જે જોખમોનો સામનો કરવો પડી શકે તેનો ઉલ્લેખ કર્યો હતો.

જોખમ નંબર 1- મોંઘવારી

ખાદ્ય ચીજોનો ફુગાવો ફરી માથું ઉંચું કરી શકે છે. આનાથી લોકોની બચતમાં ઘટાડો થશે.

જોખમ નંબર 2- બેન્કિંગ સેક્ટરમાં વધતો NPA

એવા સમયમાં, જ્યારે બેન્કિગ ક્ષેત્રમાં નોંધપાત્ર સંગઠનાત્મક પરિવર્તન સાથે બિન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) અથવા ખરાબ લોનનાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આવતા વર્ષમાં અર્થવ્યવસ્થાને મુશ્કેલ તબક્કામાંથી પસાર થવું પડશે.

જોખમ નંબર 3- ખાનગી કૉર્પોરેટ નિવેશનો ટોપલો

ફક્ત સરકારે અર્થવ્યવસ્થાને ઠીક કરવી જોઈએ, આ વિચાર હવે ભારત માટે પૂરતો રહેશે નહીં. આ સમયે જરૂરિયાત ખાનગી કૉર્પોરેટ્સ પાસેથી રોકાણ શરૂ કરવાની છે જેથી અર્થવ્યવસ્થાને આગળ ધપાવી શકાય. સરકારે તેની નીતિઓ સાથે સુનિશ્ચિત કરવું જોઈએ કે કૉર્પોરેટ જલદીથી રોકાણ શરૂ કરે.

0Shares