- FEATURED NEWS, RELIGION

એક-બે નહીં પરંતુ 32 વર્ષથી વીરપુર આવી સ્વયંસેવકની ફરજ બજાવે છે આ બ્રિટનનો યુવાન

વીરપુર જલારામધામ ખાતે છેલ્લા 32 વર્ષથી બ્રિટનના વેલ્સ શહેરનો યુવાન પરિવાર સાથે આવે છે અને સ્વયંસેવકની ફરજ બજાવે છે. આ યુવાને પોતાના શહેરમાં પણ જલારામ બાપાના નામનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. જ્યાં તે ભૂખ્યાને ભોજન કરાવે છે.

બ્રિટનના વેલ્સ શહેર ખાતે રહેતો કિથ સ્ક્વાયર્સ, પોતાની પત્ની ઝોરનિત્વા અને પિતરાઈ બહેન સામિયા સ્ક્વાયર્સ સાથે વીરપુર ખાતે મોરારીબાપુની રામકથા સાંભળવા અને અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા આવ્યો છે.

ભાવિકોની વચ્ચે બેસીને રામકથા સાંભળી

બ્રિજેશભાઈએ જણાવ્યું કે, બ્રિટનથી કિથ સ્ક્વાયર્સ નામના વ્યક્તિ ઘણા વર્ષોથી બાપાના દર્શનાર્થે આવે છે અને રસોડામાં સ્વયંસેવક તરીકે કામગીરી કરે છે. અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અને મોરારીબાપુની રામકથાની આમંત્રણ પત્રિકા મોકલાવી હતી અને કથાના બીજા દિવસે ધ્યાન આવ્યું કે કિથ પોતાની પત્ની સાથે ભાવિકોની વચ્ચે બેસીને રામકથા સાંભળે છે.

1991માં પ્રથમ વખત આવ્યો વીરપુરઃ કિથ

કિથે જણાવ્યું કે, બ્રિટનમાં મારા મિત્ર મનસુખભાઈ પટેલ રહે છે. એક દિવસ તેમના ઘરે હું ભોજન માટે ગયો ત્યારે તેમના ઘરે મે જલારામ બાપાનો ફોટો જોયો હતો. ત્યારે મે મનસુખભાઈને આ ફોટા વિશે પૂછ્યું ત્યારે મનસુખભાઈના પત્નીએ મને જલારામ બાપા અને વીરપુર ખાતે ચાલતા અન્નક્ષેત્રની વાત કરી હતી. ત્યારે મને વીરપુર જવાની ઈચ્છા થઈ. હું વર્ષ 1991માં પ્રથવ વખત વીરપુર આવ્યો. વીરપુર આવીને મને અલગ જ અનુભૂતી થઈ અને જલારામ બાપા તરફ આકર્ષણ વધતુ ગયું.

વેલ્સમાં જલારામ બાપાનો રોટલો અન્નક્ષેત્ર શરૂ કર્યું

તેણે વધુમાં જણાવ્યું કે, વીરપુરના સદાવ્રતથી પ્રભાવિત થઈ વેલ્સમાં જલારામ બાપાનો રોટલો અન્નક્ષેત્ર શરૂ કર્યું. આ અન્નક્ષેત્રમાં દરરોજ ભુખ્યાને કઢી-ખીચડીનો પ્રસાદ જમાડવામાં આવે છે.

રામ અને જલારામને કારણે આવ્યું પરિવર્તન

કિથે જણાવ્યું કે, મારા જીવનમાં રામ અને જલારામને કારણે પરિવર્તન આવ્યું છે. હું બાર વખત વીરપુર આવ્યો છું. જલારામ બાપા તરફ મને ખેંચાણ છે એટલે અહીં આવું છું. જ્યારે આવું છું ત્યારે અહીંના અન્નક્ષેત્રમાં સેવા આપું છું.

0Shares