- Trending News, રાજકોટ, વિશિષ્ટ સમાચાર

રાજકોટના 17માં રાજવી તરીકે યુવરાજ માંધાતાસિંહનો થશે રાજ્યાભિષેક, આવી ભવ્ય હશે રાજતિલક વિધિ

રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાની રાજવી ઠાઠથી રાજ તિલક અને રાજ્યાભિષેક વિધિ યોજાશે. તારીખ 27 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી આ મહોત્સવ યોજાશે. આ 4 દિવસ દરમિયાન અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનાર આ રાજ્યાભિષેક ઐતિહાસિક અને મહત્વનો બની રહેશે. રાજતિલકની વિધિમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દ્વારકા તથા જ્યોર્તિમઠના પીઠાધીશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના પ્રતિનિધિ તરીકે સદાનંદ સરસ્વતી, પરમાત્માનંદ સ્વામી સહીતના અગ્રણી મહાનુભાવો હાજર રહેશે.

27 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધીમાં દેહ શુદ્ધિ, દસ વિધિ સ્નાન, વિષ્ણુ પૂજન, પ્રાયશ્ચિત, રાજતિલક નિમિત્તે મહાયજ્ઞનો પ્રારંભ, માતૃકા પૂજન, અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપન, મહાયજ્ઞના મંત્રોનો પ્રધાન હોમ, જળયાત્રા, સાયપૂજન, ક્ષત્રીય દીકરા-દીકરીઓ દ્વારા પરંપરા અને શૌર્યના નિદર્શન સમા તલવાર રાસ (વિશ્વ વિક્રમ સર્જવાનો પ્રયાસ), વિશાળ અને ભવ્ય ઐતિહાસિક નગરયાત્રા(વિન્ટેજ મોટરો, જુની બગીઓ, ઘોડા, હાથી, બળદગાડાં, ઢોલ-શરણાઇ સાથે), પૂજન વિધિ, સંધ્યા પૂજન, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર, જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટિ હોમ, 51 બ્રાહ્મણો દ્વારા તીર્થોથી આવેલા જળનો અભિષેક, સાયંપૂજન, ઔષધિઓ દ્વારા અભિષેક જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.

રણજીત વિલાસ પેલેસ, રાજકોટ

રાજતિલક વિધિમાં સંતો-મહંતો પાઠવશે આશિર્વચન

પ.પૂ.હરિચરણદાસજી બાપુ -ગોંડલ, સાળંગપુર મહંત સ્વામી, અપૂર્વમુનિ સ્વામી, ત્યાગવલ્લભસ્વામી, બ્રહ્મર્તિ સ્વામી, માધવપ્રિય સ્વામી, નિરવભાઈ પૂરોહિત – દામોદર કુંડ જૂનાગઢ, મૂકતાનંદબાપ – બ્રહ્મેશ્વરધામ-ભવના, ધનંજયદાદા – મુખ્ય પૂજારી સોમના, મૂકતાનંદબાપુ – કમલકુંડ ગીરનાર, હરીગીરીરાજ મહારાજ – ભવના મંદિર જૂનાગઢ, મુકતાનંદબાપુ પ- ચાંપરડા, વલકુબાપુ – દાનેવધામ તલાલા, સોનલધામ મઢડા, કરસનદાસબાપુ – પરબધામ, પૂનિતાચાર્યજી – પૂનિત આશ્રમ, વિશ્ર્વંભર ભારતીબાપુ – જૂનાગઢ, શેરનાબાપુ – મહંત ગુ‚, વિજયબાપુ – મહંત સતાધાર ધામ, ઈન્દ્રભારતીબાપુ – દેશ્ર્વર જાગીર ભવના જૂનાગઢ, કાશ્મીરીબાપુ – મહંત ભવનાથ જૂનાગઢ, પરમાત્માનંદ સ્વામીજી – મુંજકા, પદુબાપુ – આશાપુરા મંદિર ઠેબચડા સહિત ૪૫ જેટલા સંતો-મહંતો હાજરી આપી નગરજનોને આર્શીવચન પાઠવશે.

રાજ્યના રાજવીઓની આવી પહોંચશે શાહી સવારી

ઉદયપુરના અરવિંદસિંહજી, શિરોહી, ઝાંસી, બિકાનેર, જયપુર, જોધપુર, નાગોદ, ખિમસર, ડુંગરપુર, જેસલમેર, ગ્વાલીયર, કાશ્મીર, હિમાચલ સહિત દેશભરના ૩૮ રાજવીઓ જ્યારે ગુજરાતના જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, ગોંડલ, વાંકાનેર, વઢવાણ, પોરબંદર, મોરબી, પાલીતાણા, કચ્છ સહિત ૫૮ જેટલા રાજવીઓ ઠાઠમાઠી પધારી સમારોહને ચાર ચાંદ લગાવશે.

કોણ છે 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ?

ઠાકોર સાહેબ માંધાતાસિંહનો જન્મ 14 જૂન 1964ના દિવસે ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજા અને રાણી સાહેબ માનકુમારીદેવીને ત્યાં થયો. સ્વાભાવિક રીતે રાજપરિવારની રીતભાત અને લાડકોડમાં ઉછેર થયો. તેમનું જીવન તદ્દન સરળ રહ્યું. રાજ પરિવારની ચાલી આવતી પરંપરા અનુસાર તેમનું શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાં થયું અને પછી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી નડિયાદની ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી મેળવી.

લોકોએ ઠાકોર સાહેબ માંધાતાસિંહને ‘કમ્પ્લીટ ફેમિલી મેન’ તરીકે જોયા અને અનુભવ્યા. ઠાકોર સાહેબ માંધાતાસિંહ રાજકોટ રાજપરિવારના પોતાના પૂર્વજોએ જે મૂલ્યો સ્થાપ્યા એની સંપૂર્ણ જાળવણી કરવાના તેમના સંનિષ્ઠ અને સફળ પ્રયાસ રહ્યા છે. પિતાજીના જાહેરજીવન દરમિયાન પરિવારની જવાબદારીની વાત હોય કે પછી ચૂંટણી સમયે પિતાજીના કામમાં સહયોગ આપવાની વાત હોય તેઓ સદા સક્રિય રહ્યા. સૌમ્ય વ્યવહાર, સૌને માન આપવાની તેમની જીવનશૈલી અને દરેક માટે સન્માનની ભાવના એમના વ્યક્તિત્વના ઉમદા પાસા છે. તેઓએ રમત-ગમતનો પોતાના પરિવારનો વારસો પણ જાળવ્યો છે.

ઠાકોર સાહેબ માંધાતાસિંહ શાળાકીય જીવનમાં રાજકુમાર કોલેજમાં લોન ટેનિસ અને ટેબલ ટેનિસમાં દિગ્વિજયસિંહ કપના વિજેતા બન્યા હતા. જ્યારે ગુજરાત યુનિવર્સિટીના સાઉથ ઝોનના ખેલાડી તરીકે આજ રમતોમાં 1984-85 અને 1985-86માં પ્રથમ વિજેતા થયા હતા.

વર્ષ 2009થી સત્તરમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકેની જવાબદારી પણ પક્ષમાં નિભાવવા ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટરનું પદ પણ એમણે શોભાવ્યું છે, તો ભારતીય જનતા પક્ષની પ્રદેશ કારોબારીમાં પણ સમાવેશ થયો. ચૂંટણી સમયે પક્ષના પ્રચારમાં સક્રિયપણે ભાગ ભજવતા માંધાતાસિંહ સામાન્ય દિવસોમાં પણ પક્ષના તમામ કાર્યક્રમોમાં સોંપવામાં આવતી જવાબદારી નિભાવે છે.

કૃષિ અને રીઅલ એસ્ટેટ અત્યારે તેમના વ્યવસાય છે. તેમણે ગુજરાતમાં પ્રાચીન વારસાની જાળવણી ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યા છે. ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ શિક્ષણનો ફેલાવો થાય એવી પ્રવૃત્તિમાં એમને સદાય રસ રહ્યો છે. જૂના સ્થાપત્યની જાળવણી રસનો વિષય છે. તો સાથે જ ગીર ગાયોના સંવર્ધન માટે પણ સક્રિય છે. રાજપરિવારની પોતાની પણ ગૌશાળા છે. યોગના પ્રચાર માટે ક્ષત્રિય લાઈફ મિશન સાથે પણ માંધાતાસિંહ સંકળાયેલા છે. તેમણે રાજકોટ જિલ્લામાં વૃક્ષારોપણ તથા રોપા વિતરણ વગેરે વનીકરણની પ્રવૃત્તિઓના આધારે ગ્રીન એમ્બેસેડર તરીકે પણ પસંદ કરાયા હતા. વૃક્ષો કાપ્યા વગર અંડરગ્રાઉન્ડ કેબલીંગ કરવા માટે વિવિધ વહીવટી તંત્ર સાથેના સંકલન અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને વૃક્ષારોપણ માટે પ્રેરવામાં એમનું યોગદાન રહ્યું છે. પુરાતન સ્થાપત્ય અને વારસાની જાળવણી માટે તેઓ સતત જાગૃત છે. સેવા સેતુ જેવા સરકારી પ્રકલ્પ હોય કે સમાજની અન્ય જરુરત હોય તેઓ સેવા માટે સતત તત્પર રહે છે. દસ વર્ષથી એ ભાજપ સાથે છે. હવે તેમના રાજ્યાભિષેક અને રાજતિલક દ્વારા તેઓ રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ બની રહ્યા છે.

0Shares