- વાત સરકારની

કરુણા અભિયાન રાજ્ય સરકારની સંવેદનશીલતાનું પ્રતીક: ગૃહ રાજ્યમંત્રી

તા-20-01-2020 આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા નગરજનોના ઉત્સાહમાં સહભાગી થયા હતા. મંત્રીએ નગરજનોને ઉત્તરાયણના ઉત્સવની શુભકામના પાઠવીને જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ-પતંગ દિન-પ્રતિદિન નવી ઉંચાઈઓ આંબી રહ્યો છે અને હજુ તે નવી ઉંચાઈઓ આંબશે.

તેમણે ઉમેર્યું હતું કે, નવરાત્રિ અને ઉત્તરાયણ જેવા તહેવારો ગુજરાતની આગવી ઓળખ બની ચૂક્યા છે. પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, આ પર્વ આપણને જીવનમાં સતત પ્રગતિ કરતા રહેવાનો સંદેશ આપે છે.

ગુજરાત સરકારના કરુણા અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ અભિયાનના ભાગરૂપે કોઈ પણ ઘાયલ પક્ષીની યોગ્ય સારવાર થાય તેની કાળજી પણ રાજ્ય સરકાર રાખે છે, જે રાજ્યની સંવેદનશીલતાનું પ્રતિક છે. તેમણે ઉત્તરાયણમાં વપરાતી ચાઈનીઝ દોરીના ભયસ્થાનો જણાવી નાગરિકોને ચાઇનીઝ દોરી ન વાપરવાનો અનુરોધ કર્યો હતો.

મંત્રીએ કહ્યું કે, આપણા જીવનમાં ઉત્સવોનું અનેરુ મહત્વ છે અને તે આપણા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધ ઉત્સવોના કારણે નાગરિકોમાં એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો ભાવ વધુ દ્રઢ બની રહ્યો છે.

મંત્રીએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના વસ્ત્રાલ, હાથીજણ, વટવામાં નગરજનો સાથે પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો અને ઉપસ્થિત પ્રજાજનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ અવસરે મંત્રી સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

0Shares