- Uncategorized

ગીર સોમનાથઃ જરગલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છેલ્લા 17 દિવસથી નથી મળ્યું મધ્યાહન ભોજન

રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાહન ભોજન યોજનામાં મોટી ગ્રાન્ટ ફાળવે છે. અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસની સાથે પૌષ્ટિક આહાર મેળવી તંદુરસ્ત બને તેવો ઉમદા આશય છે. પરંતુ ગીર ગઢડા તાલુકાની જરગલી પ્રાથમિક શાળામાં 17 દિવસથી મધ્યાહન ભોજન યોજનાનો પુરવઠો પહોંચ્યો જ નથી. જરગલી શાળાના 270થી વધુ બાળકો પૌષ્ટિક આહારને બદલે ઘરેથી લાવેવા મમરા અને ચવાણું ખાઈ રહ્યાં છે. ગીર ગઢડા તાલુકાના 87 મધ્યાહન ભોજન કેન્દ્રો પર એકસમાન સ્થિતિ છે. આ મુદ્દે આચાર્યએ પુરવઠા અધિકારીઓને પણ જાણ કરી છે.

ગુજરાતના પુરવઠા વિભાગના વહીવતી તંત્રમાં ચાલતી લાલીયાવાડી સામે આવી છે. શાળાના ભૂલકા જે ઘરેથી ટીફીન લીધા વિના આવે છે તેમના માટે સરકાર તરફથી મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ સરકારી તંત્રની લાલીયાવાડીને કારણે આ ભૂલકાઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે.

તપાસમાં સામે આવ્યું કે પુરવઠા સપ્લાય કોન્ટ્રાક્ટરોના કરાર પૂર્ણ થયા છે અને નવા ટેન્ડરની કામગીરી હજુ ચાલી રહી છે. ટેન્ડર ન ખુલવાના લીધે સરકારી ગોડાઉનમાં મધ્યાહન ભોજન માટે અનાજનો જથ્થો ફાળવાતો નથી. પરિણામે શાળાઓને મધ્યાહન ભોજન માટે અનાજ મળતું નથી. શાળામાં મધ્યાહન ભોજન ન મળવાથી બાળકો પોતાના ઘરેથી ટિફિન લાવી જમી રહ્યા છે.

0Shares