- CURRENT AFFAIRS

વિજાપુરઃ દેવડા ગામના ખેડૂતો આ કામ કરીને મેળવી રહ્યાં છે મબલખ આવક

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ એટલે કે છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલખ આવક મેળવી રહ્યા છે. રાજ્યમાં વરસાદની અનિયમિતતા તેમજ વધુ-ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. જેના કારણે ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી.

ત્યારે હવે રાજ્યના ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને કોઇપણ અલગ પ્રકારની ખેતી છોડી અંદાજે 100 કરતા વધુ વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે પછી ખૂબ સારા ઉતરે છે. વરસાદમાં પણ વાંધો આવતો નથી. આ ખેતીમાંથી વર્ષે અંદાજે 2.00 લાખ રૂપિયા સુધીની આવક ખેડૂતોને થઈ રહી છે.

આ ફૂલનો ભાવ સારો મળે છે. જો સીઝન ન હોય તો પણ અત્યારે કિલોના 60 રૂપિયા તો મળે જ છે. જેના કારણે ખેડૂતને ક્યારેય નુકશાન થતું નથી.

આ ઉપરાંત દેશી ગુલાબ કરતાં કાશ્મીરી ગુલાબની ખૂબ માગ રહે છે. કાશ્મીર ગુલાબનો કલર ગાઢ હોય છે અને ત્રણ દિવસ સુધી બગડતા નથી. જેથી કાશ્મીરી ગુલાબનું બીજા રાજ્યમાં પણ વેચાણ કરી શકાય છે. કાશ્મીરી ગુલાબે મહેસાણાના ખેડૂતોના જીવનમાં સારી આવક દ્વારા ગુલાબી મહક પ્રસરાવી છે

0Shares