- CURRENT AFFAIRS, slider news

આ 4 ભેજાબાજોએ નકલી સરકારી ભરતી બહાર પાડી ઉમેદવારો સાથે કરી છેતરપિંડી, ગાંધીનગર પોલીસે કરી ધરપકડ

ગાંધીનગરઃ ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશનના નામે ભરતીની ખોટી જાહેરાત આપી યુવાનોને ગેરમાર્ગે દોરી નાણાં કમાવવાનો કારસો રચનાર 4 યુવાનોની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે.

સમાચારપત્રમાં આપી ભરતીની જાહેરાત

ગુજરાત અર્બેન ડેવલપમેન્ટ મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનામાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મનિષાબેન તિવારીએ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તારીખ 2 જાન્યુઆરીના રોજ એક સમાચારપત્રમાં ગુજરાત અર્બન સ્કિલ ડેવલોપમેન્ટ મિશનના નામે ઓફિસ આસિસ્ટન્ટની કુલ 460 જગ્યા, એકાઉન્ટન્ટની કુલ 244 જગ્યા, મોનીટરીગ એન્ડ ઈવેલ્યુશનની કુલ 256 જગ્યા, એમ.આઈ.એસની કુલ 283 જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. જેમાં https://gusdm.org.in પર અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું. આથી ખોટી જાહેરાતથી ઉમેદવાર દીઠ રૂ. 300 પડાવવાનું ષડયંત્ર હોવાનું શંકા છે.

સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

આ મુદ્દે ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવા માટેની સૂચના આપી હતી. સમાચારપત્રની ઓફિસ પાસેથી ચકાસણી કરતા જાહેરાત આપનારનો મોબાઈલ નંબર ડમી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે જાહેરાતમાં ICICI બેન્ક ગાંધીનગર સેક્ટર 16ની બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. આ મામલે ગાંધીનગર LCB પોલીસે સીસીટીવી ફૂટેજ અને બનાવતી દસ્તાવેજોના આધારે યુવાનો સાથે છેતરપિંડી કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

ગાંધીનગર DySP એમ. જે. સોલંકીએ જણાવ્યું કે, આ તમામ આરોપીઓમાં કેવલ ઠક્કર, ધર્મેન્દ્ર રાજગોર, રાજ જોશીએ MCA સુધીનો અભ્યાસ કર્યો છે, જયારે હિતેન્દ્ર ઠાકોરે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. આ ચારેય આરોપીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં પાટણ ખાતે વેબસાઈડ અને સોફ્ટવેર બનાવવાના વ્યસાય સાથે સંકળાયેલા છે.

આ આરોપીઓએ પૈસા કમાવવાના ઉદ્દેશથી ENDURANCE I DOMAINS TECHNOLOGY LLP,MUMBAI પાસેથી ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરના ભળતા નામે નવી વેબ સાઇટ http;//www.gusdm.org.બનાવીને ડોમેઈન રજીસ્ટર કરાવ્યા બાદ સર્વર ભાડે રાખ્યું હતું. ઓરિજનલ ડોમેનની જગ્યાએ GUSDMના નામનો ઉપયોગ કરીને ડોમેનથી હોમપેજ બનાવ્યું હતું.

આ વેબસાઈટના હોમ પેજમાં ગુજરાત અર્બન સ્કિલ ડેવલપમેન્ટ મિશન નામે ભરતી માટે જાહેરાત મૂકવામાં આવી હતી. જેમાં જાહેરાતનું ફોર્મ અને 300 રૂપિયા ફી ભરવા અંગેની માહિતી અને ICICI બેન્કના એકાઉન્ટનો નંબર મૂકવામાં આવ્યો હતો. આ બનાવટી જાહેરાત જોઈને 300થી વધુ ઉમેદવારોએ ભરતી માટેની 55,000 રૂપિયાથી વધુની ફી બેંકના ખાતામાં ભરી દીધી હતી. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે પાટણમાં આરોપીઓ બનાવટી દસ્તાવેજોના આધારે બંધન બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું.

0Shares