- LITERATURE

સૂરથી થાય સારવાર એને કહેવાય સૂર-વારઃ હસે ઈ ખાટલેથી ખસે

સ્વર તમને ઈશ્વર સુધી પહોંચાડે છે. પણ મજાની વાત એ છે કે કોઈ માંદુ માણસ ઈશ્વર સુધી પહોંચવાની તૈયારી કરતું હોય તો એને અડધે રસ્તેથી રિટર્ન કરવામાં પણ સ્વર જ કામ આવે છે.  એટલે જ મ્યુઝીક થેરાપી એટલે સૂરથી સારવારનું મહત્ત્વ વધવા માંડયું છેને? જોકે દરદીને સાજો કરે એવું સંગીત સંભળાવવું જોઈએ તો સારવારની અસર થાય બાકી જેમાં  સાર ન હોય એવાં ઘોંઘાટીયા સંગીતથી વાર (પ્રહાર) કરવામાં આવે ને તો  સારવારને બદલે 'સૂર-વાર'થી દરદી અધમૂવો થઈ જાય.

મહાન ફિલ્મ સર્જક મહેબૂબ ખાન સખત બીમાર હતા લંડનની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. શારીરિક પીડાનો સામનો કરતા હતા. અચાનક એમણે લંડનથી લતા મંગેશકરને ટ્રંકકોલ કર્યો અને કહ્યું કે રસિક બલમા… ગીત સાંભળવાની ઈચ્છા છે. લતાજીએ ટેલિફોનમાં આ અમર ગીત ગાઈને સંભળાવ્યું અને મહેબૂબ ખાન સાહેબે અપાર શાતા અનુભવી. આ છે સંગીતનો જાદુ.

બાકી આજકાલ તો તાનસેનને બદલે ક્યારેક  એવાં કં-તાનસેન ભટકાઈ જાય છે કે  રાગ છેડે એ સાંભળી મનોમન વિચાર આવે કે આવાં રાગ-ચાળા કરીને કંતાનસેન ક્યાંક રોગ-ચાળો ન ફેલાવે.

સૂર છેડવાના હોય છેડતી ન કરવાની હોય. અમદાવાદમાં  પાડોશી જુવાનિયો આજકાલના  ઢંગધડા વિનાના ધમાલિયા સંગીતના રવાડે ચડી ગયો. આખોે દિવસ રાગડા તાણ્યા કરે.  એના બાપા કંટાળીને રાડો પાડે કે બકા સૂરમાં ગા… બકા-સૂરમાં ગા…બસ ત્યારથી જુવાનિયાનું હુલામણું  નામ બકા-સૂર પડી ગયું.

માંદગીમાં ય મનોરંજન મળતું હોય છે. મજાની વાત એ છે કે મહારાષ્ટ્રમાં તમને શારીરિક તકલીફનો  પડઘો પાડતી અટક સાંભળવા મળે. દાખલા તરીકે  પોટદુઃખે (પેટમાં દુઃખે) અને ડોકેદુઃખે (માથામાં દુઃખે) વગેરે વગેરે, મારી બાજુમાં રહેતા એક ટીવીની  અઠંગ બંધાણી ભાભીની વાત કરૂં. પેટમાં તકલીફ થતા ભાભીને ડૉ.પોટદુઃખેના ક્લિનિકમાં લઈ ગયા.

સિરિયલ પ્રેમી ભાભીને ટેબલ ઉપર સૂવાડયા અને ડૉકટરે પેટમાં શું છે એ જોવાં  નાનું દૂરબીન ઉતાર્યું. પછી ધારી ધારીને જોવા માંડયા.  પેટમાં શું છે એનું દ્રશ્ય ટચુકડા સ્ક્રીન પર દેખાવા માંડયું. સિરિયલ પ્રેમી ભાભીએ પૂછ્યું કે 'આ વળી કઈ સિરિયલ ચાલે છે?' ડૉ. પોટદુખેએ હસીને જવાબ આપ્યો આ ગુજરાતી સિરિયલ ચાલે છેઃ જય મરડાવાળી…

આ ડૉકટર રમૂજી પણ ખરા અને સંગીતપ્રેમી પણ ખરા. એક વાર એમના ક્લિનિકમાં  બેઠો હતો ત્યાં એક ટન-બદન કાયાવાળા મહિલા ધરતી ધમ… ધમ… થાય રે એ ગીત યાદ આવી જાય એમ ધમધમાટી બોલાવતા આવ્યા આવતાંની સાથે જ હાંફતા હાંફતાં બોલ્યા 'ડૉકટર સાહેબ વજન વધતું જ જાય છે.

ઉતારવાનો કોઈ ઈલાજ દેખાડો.' ડૉકટર કહે અર્થતંર્થની જેમ તમારા શરીરનો ફુગાવો પણ ડબલ-ફિગરમાં  પહોંચી ગયો છે.  હું  દવા આપું  છું અને એક્સરસાઈઝ સૂચવું છું.  બીજું શું કરવાનું ખબર છે? બેડરૂમમાં મોટા અરીસા સામે ઉભા રહેવાનું અને જોની વૉકરનું પેલું કોમેડી ગીત યાદ છે? જાને કહાં મેરા જીગર ગયાજી… એ ગીતને  ફેરવીને ગાવાનું અને નાચવાનું . તમારે શું ગાવાનું  ખબર છે?

જાને કહા મેરા

'ફિગર' ગયા જી

અભી અભી અચ્છા થા

બીગડ ગયાજી.

મારો એક જીગરજાનદોસ્ત ગઝલ ગાયક છે નામ નહીં આપું ગુલામઅલીની અને મહેંદી હસનની ગઝલો ગાય છે એનો મજેદાર કિસ્સો કહું. ચોમાસામાં  મુંબઈમાં કમળાના વાયરા શરૂ થયા ત્યારે  આ ગાયક  દોસ્તને  પણ કમળાનાં લક્ષણ દેખાવા માંડયા.  દોસ્તની વાઈફ ભીરૂ સ્વભાવની એટલે તરત જ યુરિન ટેસ્ટ માટે હસબન્ડને પેથોલોજી લેબમાં લઈ ગઈ.પેથોલોજીસ્ટે નાની શીશી આપી દોસ્તને કહ્યું કે બાથરૂમમાં જઈને આમાં પ્રવાહી  યોગદાન આપો. દોસ્ત સૂચના પ્રમાણે એકીકરણ  કરીને આવ્યો. 

પારદર્શક શીશીમાં  એકદમ પીળા રંગનું યુરિન  જોવા મળ્યું. પેથોલોજીસ્ટે  ટેસ્ટ કર્યા પહેલાં જ  કહ્યું કે મને લાગે છે કે  તમને કમળો લાગે છે.  આ સાંભળી ગઝલ ગાયક દોસ્તની વાઈફે હાયકારો નાખ્યો  'હાય હાય મારા હસબન્ડને કમળોે થયો છે? હવે શું થશે?' ત્યારે ગાયક દોસ્તે  પીળા પ્રવાહી ભરેલી શીશી તરફ ઈશારો કરી  ગઝલનો શેર લલકાર્યો: હંગામા હૈ ક્યું બરપા… થોડી સી જો 'પીલી' હૈ… કમળો થાય એમાં શુંં ગભરાવાનું ? કમળના નિશાનવાળી પાર્ટી સત્તા પર આવ્યા પછી ચારે તરફ 'કમળો' જ દેખાય છેને?

આપણી તો ભાઈ મજબૂત છપ્પનની છાતી નથી, લપ્પન-છપ્પનની છાતી છે  એટલે અવારનવાર દુઃખાવો થાય.હમણાં એકવાર રાત્રે છાતીમાં દુઃખાવો  ઉપડયો એટલે સીધો દોડયો ડૉકટર પાસે મને સૂવાડીને ડૉકટરે છાતી ઉપર સ્ટેથસ્કોપ મૂકીને રીતસર રાડ પાડી 'તમે મરી ગયા છો, ધબકારા બંધ થઈ ગયા છે.' હું તો ગભરાઈને બેઠો થઈ ગયો ધબકારા બંધ થઈ ગયા? ત્યાં મારી નજર ડૉકટરના કાન તરફ ગઈ.

એ સાથે જ મેં રાડ પાડી 'ડૉકટર તમે કાનમાં સ્ટેથસ્કોપની ભૂંગળીને બદલે મોબાઈલના ઈયરફોનની ભૂંગળી ખોંસી છે  પછી મારા હાર્ટના  ધબકારા ક્યાંથી સંભળાય? હવે આમ દરદીને તપાસતી વખતે મોબાઈલમાં ફિલ્મી ગીતો  સાંભળવાનું બંધ કરો, નહીંતર કાચાપોચા દરદીનું દિલ ગભરાટમાં ખરેખર બંધ થઈ જશેને તો પછી 'શીશા હો યા દિલ હો આખીર ટૂટ જાતા હૈ… એ ગીત ગાવાનું  ટાણું આવશે દરદીના સગા મારી મારીને તમારૂં 'ડીલ' તોડી નાખશે પછી કહેતા નહીં.

મને એવું લાગે છે કે અત્યાર સુધીમાં હિન્દી ફિલ્મોમાં જે ગીતકારો અને શાયરો થઈ ગયા એ પૂર્વજન્મમાં નક્કી કાર્ડિયોલોજીસ્ટ કે હાર્ટ-સ્પેશિયાલીસ્ટ હશે. એટલે જ મોટાભાગના ગીતોમાં  દિલ તો આવે છેને? દિલ જલતા હૈ જલને દે… દિલ કા ભંવર કરે પુકાર… ફિર વહી દિલ લાયા હું (સ્ટેન્ટ મૂકાવીને) …. મેરે દિલ મેં આજ કયા હૈ તું કહે તો મૈં બતા દું (અરે વ્હાલા તું દેખાડી દઈશ  તો કાર્ડિયોલોજીસ્ટ શું ગોતીને દેખાડશે?) દિલને  ફિર યાદ કિયા… દિલ એક મંદિર હૈ… દિલ જો ના કહ સકા વહી રાઝ દિલ હૈ… દિલ હૈ કે માનતા નહીં…. દિલવાળા ગીતોની જો યાદી બનાવીએને  તો કોણ જાણે કેટલાંય ચોપડા ભરાય. એ દિલવાળા ગીતો લાંબીલચક યાદી વાંચીને જ ક્યાંક  હાર્ટ-અટેકને  બદલે આર્ટ-એટેક આવે તો ક્યાં  જવુંય આવું થાય તો પછી કોઈ હાર્ટ-સ્પેશિયાલીસ્ટ કામ નહીં આવે, એ તો હાથ ઊંચા કરી ગાઈ નાખશેઃ દિલ કા ખિલૌના હાયે તૂટ ગયા…

રોગચાળો – રાગચાળો 

આઝાદી પછી જેણે જાગવું જોઈએ એ નિરાંતે ઘોરતા રહે છે. પણ મને તો કોણ જાણે અનિદ્રાનો રોગ લાગુ પડી ગયો. ઇલાજ માટે સવાર થતાંની સાથે જ નવા ખૂલેલા સરગમ કિલનિકમાં ગયો. ડાક્ટર ખુરશીમાં બેસાડી કહ્યું ચાલો કાન ખોલો? કાન તપાસ્યા પછી દવાની બાટલીને બદલે કેસેટ લઈ ત્રણ ભાગનાં નિશાન કર્યા અને કહ્યું કે સાત દિવસ સુધી દરરોજ એક ગીત સવારે એક ગીત બપોરે અને એક રાત્રે સૂતી વખતે સાંભળજો. માફક નહીં આવે તો રાગ બદલશું. સાત દિવસે ફરી સરગમ કિલનિકમાં ગયો ત્યારે ડાક્ટરે પૂછયું કેવું લાગ્યું? મેં કહ્યું ઘરમાં પહેલાં હું એકલો જાગતો. હવે અમે બધા જાગીએ છીએ.

સંગીતથી રોગ મટે છે એ પુરવાર થયું છે ત્યારથી ઘણાએ આ રીતે રાગચાળા શરુ કરી દીધા છે. થોડા વખતમાં જુદાજુદા સ્પેશ્યાલિસ્ટો હિન્દુસ્તાની સંગીત કિલનિક કર્ણાટક સંગીત કિલનિક ખોલી એલોપથીને બદલે આલાપથી ઇલાજ કરવા માંડશે.

અમારા મહોલ્લામાં જ રહેતા સંગીતાચાર્ય સૂરબહારજી (સૂરની બહાર જ ગાય) ને વરસને વચલે દિવસે પણ કોઈ કાર્યક્રમમાં બોલાવવાનું જોખમ ન ઉઠાવે. એટલે ઓટલે બેસીને લલકાર્યા કરે, પણ જ્યારે પંડિતજીએ જાણ્યું કે સંગીતથી રોગ મટાડી શકાય છે ત્યારે તેમના મનમાં ઝબકારો થયો. સંગીત વિદ્યાલયનું પાટિયું ઉતારી 'સંગીત રુગ્ણાલય' કરી નાખ્યું.

રડયાંખડયાં દર્દીઓ આવવા માંડયા. સંગીતાચાર્ય તબલાં શીખેલા તેનો અનુભવ કામે લગાડયો. માથામાં મ્યુઝિક મસાજ કરવા માંડયા. એ વખતે કેસેટનો જમાનો હતો. સંગીતની કેસેટ મૂકે અને પછી મંડી પડે દર્દીને માથે મસાજ કરવા. જપતાલ એકતાલ અને ત્રિતાલ વગાડી કેટલાયને ટાલ પાડી નાખી. માથું ચડયું હોય તો તાલમાં હલબલાવી આખુંમાથું 'ઉતારી' દે. એક વાર માનસિક તાણથી ત્રાસી ગયેલા એક દર્દી આવ્યા.

પંડિતજીએ દર્દીને તપાસી લાં..બો આલાપ છેડયો. પણ તેમણે રાગ છેડયો કે છંછેડયો એ તો રામ જાણે, પરંતુ જૂના દમના વ્યાધિથી શ્વાસ રૂંધાતાં પંડિતજીને જ આકિસજનનો બાટલો ચડાવવો પડયો. માનસિક તાણવાળો દર્દી તો સંગીતની તાણમાં તણાઈને મૂઠ્ઠી વાળીને નાઠો. ડાક્ટરો જેમ ઊંધુ વેતરે ત્યારે લાઈસન્સ રદ થાય છે, એમ સંગીતાચાર્ય સૂરબહારજીની દર્દી સામેની આવી બેદર્દી હરકતને લીધે વિશારદની 'ઉપાધિ' રદ કરવામાં આવી.

સંગીતમાં ખરેખર એવી શકિત છે. માંદા ફરી સાજા થઈ જાય. છોડ પાસે સંગીત છેડીએ તો પાન વધુ લીલાં થાય. પરદેશમાં તો ઉત્પાદનશકિત વધારવા કારખાનામાં પણ કર્ણપ્રિય સંગીત સતત વહેતું રાખવામાં આવે છે. આપણે ત્યાં તો કોઈ આવો પ્રયોગ કરે તો પહેલો વિરોધ કામદાર યુનિયનો કરે. કસેટની હોળી થાય. હડતાળને બદલે હર-તાલ પર પ્રતિબંધ મુકાય.

પરંતુ સંગીતથી અનિદ્રા માનસિક તાણ, વિસ્મૃતિ, ચિંતા, અપચો જેવા કેટલાય રોગો પર ઇલાજ થવા માંડયા છે. મેડિકલ કોલેજોમાં લાખો રૂપિયાના ડોનેશન આપી પ્રવેશ મેળવવો પડે છે. પછી આ ડોનેશન અને ભણતરના ખર્ચા આપણી પાસેથી વસૂલ થાય છે. તેને બદલે હવે મ્યુઝિક મેડિકલ કાલેજો શરુ કરી દેવી જોઈએ. સંગીતના ઇલાજના ઘણા ફાયદા છે. એક તો એલોપથીની જેમ દવાની આડઅસર થતી નથી. દર્દી અને તેના ખિસ્સાની વાઢકાપ કરવી પડતી નથી.

બહુબહુ તો કયારેક રાગમાં ભેળસેળ થાય, પણ દર્દીએ દવામાં ભેળસેળનું જોખમ ઉઠાવવું પડતું નથી. એક જોખમ રહે છે. મોટી હાસ્પિટલોમાંથી જેમ અવારનવાર મોંઘી દવાની ચોરીઓ થતી રહે છે એમ અવનવા રાગોની ચોરીનો ભય ખરો, પણ આમાં શું છે કે છેલોમોડો ચોર તો પકડાઈ જાય. કારણ કે નવી ફિલ્મોનું સંગીત ધ્યાનથી સાંભળ્યા કરો તો વાંધો ન આવે. કંઠમાં કામણ (ટુમણથી) દર્દીને (કંટાળીને) બેઠો કરી શકાય છે. 

મને આજેય 'ઝનક ઝનક પાયલ બાજે' ફિલ્મનું નજર સામે તરે છે. નૃત્યકાર ગુરુએ ક્રોધાવેશમાં ફેકેલો ડુંગરો પગમાં વાગતાં તે પથારીવશ છે. ચાલી નથી શકતો, પણ જ્યારે તેને કાને તબલાંની થાપનો અવાજ સંભળાતા તે રહી નથી શકતો અને ધીરેધીરે  ધુ્રજતા પગે નૃત્યખંડમાં પહોંચી જાય છે.

આજે આપણે ત્યાં સરકારી હોસ્પિટલોમાં કેટલાંય દર્દીઓએ આમ ઇલાજ વગર પડયા રહેવું પડે છે. જ્યારે પગમાં જોર આવે ત્યારે ચાલતાં થવું પડે છે. રોગચાળાની સામે ખરેખર રાગચાળો ફાટી નીકળશે અને કિલનિકો ફૂટી નીકળશે તો સરકાર પણ મ્યુઝિકપથીનો લાભ લેવામાં જરાય પાછી પાની નહીં કરે. ભવિષ્યમાં સરકારી હોસ્પિટલોમાંય પાટિયાં લાગી જશે 'દવાના સતત અભાવને લીધે સંગીતના પ્રભાવથી સાજા થાવ.'

અંત-વાણી

સંગીતના સાત સૂર શાતા આપે છે. એટલે જ કહું છું: સારેગમ ભૂલાયે વહ સા-રે-ગ-મ.

**  **  **

ચાહૂંગા મૈં તૂઝે સાંજ સવેરે… ફિર દોપહર કા ક્યાં?

0Shares