- સાહિત્ય

છોડ દેતે હૈ સબ ગીલે શિકવે જિંદગી સે.. બદલને સે તો મૌસમ ભી સુહાના લગતા હૈ

ડો. સુનીલ અમેરિકાના એક જાણીતા એરપોર્ટ ઉપર લેન્ડ થયા, વિમાનમાંથી બહાર આવ્યા અને લગેજ લઇને રિસીવ કરવા માટે આવેલા દીકરાની કારમાં બેસી ગયા. દીકરો આઇટી પ્રોફેશનલ હતો અને પાંચ વર્ષથી અમેરિકામાં સેટલ થયો હતો. છેલ્લાં બે વર્ષથી એ પપ્પાને આગ્રહ કરીને પોતાના ઘરે રહેવા માટે બોલાવી રહ્યો હતો.

ડો. સુનીલનો એક જ સવાલ હતો, ‘હું ત્યાં આવીને શું કરીશ, અમદાવાદમાં હજુ પણ મારી પ્રેક્ટિસ ઘણી સારી ચાલી રહી છે. ત્યાં આવીને મારો સમય કેમ જશે?’

દીકરો કેતવ આખરે પપ્પાને સંતોષ થાય તેવો જવાબ શોધી લાવ્યો, ‘તમારા ઘણા બધા ડોક્ટરમિત્રો અહીં સેટલ થયેલા છે. તમે રોજ એક-એક મિત્રને મળવાનું રાખશો તો પણ મહિનો ક્યાં નીકળી જશે એની ખબર નહીં પડે.’
શરૂઆતમાં ત્રણેક દિવસ તો ડો. સુનીલભાઇએ પ્રવાસનો થાક ઉતારવામાં પસાર કરી નાખ્યા. પછી ચોથા દિવસે એમણે પોકેટ ડાયરી બહાર કાઢી. દાયકાઓ પહેલાં જે મિત્રો એમની સાથે ભણતા હતા એમાંથી અડધોઅડધ જેટલા અહીં આવીને વસ્યા હતા. ડો. સુનીલે જ્યાં ત્યાંથી એ બધાના કોન્ટેક્ટ નંબર મેળવીને ડાયરીમાં ટપકાવી લીધા હતા. ડો. સુનીલે એક પછી એક મિત્રને ફોન લગાડવા માંડ્યો. ડો. અલ્પેશ, ડો. મયંક, ડો. જોધાણી, ડો. કોઠારી. ડો. મનોજ, ડો. સાવલિયા…! જેને જેને ફોન કર્યો તે દરેક મિત્ર ઊછળી પડ્યો. ટેલિફોનના સામેના છેડામાંથી એ ઉછાળ અવાજને બદલે ઘૂઘવાટમાં ફેરવાઇને ડો. સુનીલના કાનમાં રેડાયો.

‘સુનીલ્યા તું? ક્યારે આવ્યો?’
‘એ બધું પછી. એ કહે કે મારા ઘરે ક્યારે આવે છે?’

અમેરિકામાં એક રિવાજ છે. જે મિત્ર કે સ્વજન આમંત્રણ આપે તે કારમાં લેવા પણ આવે અને યોગ્ય સમયે પાછા મૂકી પણ જાય. આપણા અહીંના જેવું નહીં કે એવું કહી દે, ‘આવતી કાલે ડિનર માટે મારા ઘરે આવી જજો.’
ડો. સુનીલને મોજ પડી ગઇ. વારાફરતી એક-એક મિત્રના ઘરે જાય. બેઠક જમાવે. પહેલાં વાતોનાં વડાંથી મન ધરાય એટલું જમી લે અને પછી મિત્રપત્નીએ બનાવેલી વાનગીઓ આરોગી લે. બધા મિત્રોના મોઢે એક વાત કોમન સાંભળવા મળે, ‘તું રોનકને મળ્યો કે નહીં?’ 

ડો. સુનીલ પૂછે, ‘રોનક કોણ? પેલો રોનક રૂવાલા તો નહીં? જે આપણા બધામાં સૌથી વધારે ભારાડી હતો…’
‘હા. એ જ. એને મળ્યા વગર ઇન્ડિયા પાછો ન જતો.’ જેટલા મિત્રોને ડો. સુનીલ મળ્યો તે તમામનાં મોંએથી આ સલાહ સાંભળવા મળી. એ પછી એના મનમાં રોનકને મળવાની ઇચ્છા પ્રબળ બની ગઇ.

રોનક રૂવાલા સ્ટુડન્ટ લાઇફમાં બહુ તેજસ્વી ન હતો. પાસ થઇ જતો હતો. સ્પોટ્સમાં એ ઝળકી ઊઠતો હતો. છ ફીટ અને બે ઇંચની હાઇટને કારણે બાસ્કેટ બોલમાં તે બધાને પાછળ રાખી દેતો હતો. એનો કરડો ચહેરો, અણીદાર મૂછો અને ધારદાર નજર તેને ડોક્ટર કરતાં ભાઇલોગ જેવો વધારે સાબિત કરતી હતી. તેના ક્લાસમેટ્સ તેની સાથે બહુ હળતાભળતા ન હતા. બધા એવું જ માનતા હતા કે આ માણસ આવી પસર્નાલિટી સાથે ડોક્ટર તરીકે સફળ શી રીતે થવાનો હતો. રોનક રૂવાલાની ઊઠકબેઠક એના ક્લાસમેટ્સ કરતાં બહારનાં અસામાજિક તત્ત્વો સાથે વધારે હતી. બધાએ એના નામનું નહાઈ નાખ્યું હતું. ડો. સુનીલ તો એને ભૂલી પણ ચૂક્યા હતા, પરંતુ હવે એમને રોનક રૂવાલા યાદ આવી ગયો. એમણે બીજા દિવસે સવારના પહોરમાં મિત્રએ આપેલો ફોનનંબર ડાયલ કર્યો. સામેથી ઘોઘરો અવાજ સંભળાયો, હેલો. ડો. રોનક હિયર.’

‘હાય રોનક! હું ડો. સુનીલ કાપડિયા. આપણે સાથે ભણતા હતા. યાદ છે તને?’
રોનકનો જવાબ સંભળાયો, ‘કેમ યાદ ન હોય? આપણા બેચના એકસો પચાસ સ્ટુડન્ટ્સનાં નામ અને અટક રોલ નંબર સાથે મને યાદ છે. તું કહે તો તારો રોલ નંબર પણ કહી આપું.’
એનો જવાબ સાંભળીને ડો. સુનીલને મજા આવી ગઇ. એમણે પૂછ્યું, ‘તું ક્યાં છે? શું કરે છે? પ્રેક્ટિસ ચાલે છે કે નહીં, કંઇ કમાયો-બમાયો છે કે પછી…?’

રોનક તરફથી ટૂંકો જવાબ મળ્યો, ‘તારા સવાલનો જવાબ કાનથી સાંભળવાને બદલે આંખથી જોઇ લે તો તને વધારે મજા આવશે. સાંજે પોણા સાત વાગ્યે તૈયાર રહેજે. બરાબર સાતના ટકોરે હું તને લેવા આવીશ.’
સાંજે સાત વાગ્યે ડો. સુનીલને એની જિંદગીનો સૌથી મોટો આંચકો લાગ્યો. એને લેવા માટે અમિતાભ બચ્ચન જેવી ડાયનેમિક પસર્નાલિટી ધરાવતો આધેડ વયનો એક ડાયનેમિક પુરુષ કેતવના ઘરની બહાર આવી પહોંચ્યો હતો. એની કાર જોઇને કેતવના મોંમાંથી વાક્ય સરી પડ્યું, ‘વાઉ ડેડ! વોટ એ કાર! ધેટ્સ ધી મોસ્ટ એક્સપેન્સિવ વન. તમારા ફ્રેન્ડ ખૂબ કમાયા લાગે છે.’

ડઘાઇ ગયેલા ડો. સુનીલ રોનક રૂવાલાને મળ્યા, ભેટ્યા અને પછી કારમાં બેસી ગયા. અમેરિકાની સડકો પર દોડતી કાર થોડી વાર પછી શહેરના સૌથી મોંઘા બિઝનેસ એરિયામાં આવેલા એક ક્લિનિક પાસે જઇને ઊભી રહી. ‘આવ, તને મારી ઓફિસ બતાવું.’ કહીને ડો. રોનકે કાર પાર્ક કરી. બંને મિત્રો ક્લિનિકમાં દાખલ થયા. રિસેપ્શનિસ્ટ ઊભી થઇ ગઇ. તક લઇને પૂછવા લાગી, ‘તમે ક્યાં ચાલ્યા ગયા હતા ડોક…? કેટલા બધા દર્દીઓના ફોન આવી ગયા? તે બધાને બોલાવી લઉં હવે?’

‘નો. આઇ હેવ એ ગેસ્ટ ટુડે. હું માત્ર દસ મિનિટ માટે જ આવ્યો છું. પછી ડિનર માટે નીકળી જવાનો છું.’ 
ડો. સુનીલ તો ક્લિનિક જોઇને અવાચક બની ગયો હતો. આવું શાનદાર ઇન્ટીરિયર એણે બીજા કોઇ ડોક્ટરનું જોયું ન હતું. એણે બીતાં બીતાં પૂછ્યું, ‘આ કેટલામાં ખરીદી?’
ડો. રોનક હસ્યો, ‘ખરીદી નથી. ભાડે રાખી છે. દર મહિને એંસી હજાર ડોલર્સ ભાડાના ચૂકવું છું. મને આ જગ્યાએ ફાવી ગયું છે. હું તો ખરીદી લેવા તૈયાર છું, પણ જગ્યાનો માલિક માનતો નથી.’
ડો. રોનક બોલ્યે જતો હતો અને ડો. સુનીલની આંખે અંધારાં આવી રહ્યાં હતાં. અત્યાર સુધીમાં એ જેટલા મિત્રોને મળ્યો હતો એમાંથી કોઇની કમાણી આટલી ન હતી, જેટલું ડો. રૂવાલા ભાડું ચૂકવી રહ્યો હતો.

રોનકે ઓફિસમાંથી જ શહેરની સૌથી મોંઘી રેસ્ટોરાંમાં ફોન લગાવ્યો, ‘ડો. રોનક બોલું છું. બરાબર 32મી મિનિટે તમારી રેસ્ટોરાંની બહાર ઊભો હોઇશ. મારી કારનો નંબર તમે જાણો છો.’ ટૂંકી વાત, લઘુતમ શબ્દો પણ મહત્તમ અસર. બંને મિત્રો નીકળી પડ્યા. ડરાવી મૂકે તેવા ટ્રાફિકમાંથી પસાર થઇને એક્ઝેક્ટલી 32મી મિનિટે રેસ્ટોરાંની સામે પહોંચી ગયા. શહેરનો સૌથી ભીડભાડવાળો વિસ્તાર હતો. અહીં કાર પાર્ક કરવી એ જેવાતેવાને પોસાય નહીં તેવું કામ હતું. પ્રતિ કલાકના ત્રીસ ડોલર્સ ચૂકવવા પડતા હતા અને તેમ છતાં જગ્યા ક્યાં હતી? 

ડો. સુનીલના આશ્ચર્ય વચ્ચે રેસ્ટોરાંનું ડોર ઉઘાડીને એક સૂટેડબૂટેડ માણસ દોડી આવ્યો. અદબથી ઝૂકીને એણે રોનકને કહ્યું, ‘વેલ કમ સર! મેનેજર ઇઝ વેઇટિંગ ફોર યુ.’ રોનક કારમાંથી ઊતરી ગયો અને ચાલવા માંડ્યો. ડો. સુનીલે પૂછ્યું, ‘કાર પાર્ક નથી કરવાની?’ 

રોનક હસ્યો, ‘આઇ બાય ધ કાર; આઇ નેવર પાર્ક ઇટ.’ સુનીલે પાછળ ફરીને જોયું તો પેલો માણસ ગાડીમાં બેસીને પાર્કિંગ એરિયા તરફ જતો હતો. રેસ્ટોરાંમાં દાખલ થયા તો રોનકને જોઇને ત્યાં બેઠેલા તમામ કસ્ટમર્સ ઊભા થઇ ગયા, જાણે અમેરિકાના પ્રેસિડન્ટ ડિનર માટે ન પધાર્યા હોય! મેનેજર પણ દોડી આવ્યો. એ પાકિસ્તાની હતો, ‘ગુડ ઇવનિંગ સર, સાથ મેં ગેસ્ટ લેકર આયે હો! ક્યા ખાયેંગે આજ?’
‘હી ઇઝ માય ફ્રેન્ડ ફ્રોમ ઇન્ડિયા. પ્યોરલી વેજિટેરિયન. તુમ્હારે યહાં જિતની ભી આઇટમ્સ બનતી હૈ, એક-એક કરકે સબ ભેજ દો.’

રોનકે ઓર્ડર આપ્યો અને પછી બંને મિત્રો વાતોમાં ડૂબી ગયા. સેવન કોર્સ ડિનર એ તો ગરીબો માટેની વાત ગણાય, અહીં તો 70-80 જેટલી વાનગીઓના દોર ચાલુ થઇ ગયા. ડો. સુનીલે વાતવાતમાં પૂછી લીધું, ‘રોનક, તું આટલું બધું કમાયો કેવી રીતે?’

રોનક હસી પડ્યો, ‘તને તો ખબર છે કે હું બીજા બધા કરતાં જરા હટકે ટાઇપનો માણસ છું. મને સીધાસાદા સજ્જનો જોડે બહુ જામતું નથી. મારા ક્લાયન્ટ્સમાં સજ્જન નાગરિકો તો છે જ, પણ અહીંની અંધારી આલમનો હું મોસ્ટ ફેવરિટ ડોક્ટર છું. ઇટાલીના માફિયાઓ ચાર્ટર્ડ પ્લેન કરીને મારી ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. શિકાગોની ખૂંખાર અંધારી આલમ મારી ભક્ત બની ગઇ છે. ક્યારેક તો એવું પણ બને છે કે જગતનો સૌથી નામીચો ડોન મારી ઓફિસમાં આવીને ટેબલ પર ગન મૂકીને કહે છે, ‘તારે મને સાજો કરવાનો છે નહીંતર તને હું શૂટ કરી દઇશ’ અને તું માનીશ, અમદાવાદની મેડિકલ કોલેજમાં ભણીને તૈયાર થયેલો તારો આ સામાન્ય દોસ્ત આજ સુધી એક પણ દર્દીને સાજો કરવામાં નિષ્ફળ ગયો નથી.’

જમવાનું પૂરું થયું. રોનક ચાલવા માંડ્યો. ડો. સુનીલે ધીમેથી પૂછ્યું, ‘બિલ નથી આપવાનું?’
રોનક હસી પડ્યો, ‘બિલ તો બિલ ક્લિન્ટને આપવાનું હોય, ડો. રોનકે નહીં.’ રેસ્ટોરાંની બહાર એમની ગાડી રાહ જોઇને ઊભી હતી.

0Shares