- સાહિત્ય

વાંઢા ઝંખે વર સાદને અને વહુ સાદને

ગાંડાના કંઈ ગામ ન વસે પણ ગામમાં તો ગાડાં વસેને? મૂળ કહેવતને જરા ફેરવીને કહી શકાય કે વાંઢાના કંઈ ગામ ન વસે, પણ ગામમાં તો વાંઢા વસેને? જે પુરૂષ પાણી દેખાડી દે અથવા તો વાણીથી સામેવાળાને આંજી શકે એણે વાંઢાજનક સ્થિતિમાં  લાંબો સમય રહેવું નથી પડતું. બાકી તો 'પાણી' વગર પણ વાંઢાજનક સ્થિતિમાં રહેવું પડે એવી દશા દુકાળિયા અને નપાણિયા મલકના જુવાનિયાઓની  થાય છે. છોરો કેદાડાનો પૈણું પૈણું કરતો'તો… એવી ગીતની કડી ગણગણતા અને ઘડી ગણતા-ગણતા કૈંક ઢાંઢા અને વાંઢા જોવા મળે છે.

મહારાષ્ટ્રના મરાઠવાડાની જ વાત કરું તો લાંબા સમયથી વરસાદ હાથતાળી આપતો હોવાથી આ વિસ્તારના ગામોમાં જુવાનિયાઓને કોઈ દીકરી નથી પરણાવતું. મેં કાનોકાન આ વાત સાંભળી હતી. પણ જાતતપાસ કરવા માટે પથુકાકાને લઈને નપાણિયા મલકમાં  પહોંચી ગયાં. ગામની એક માત્ર પ્રાથમિક શાળાના એક જ માસ્તર ઓળખતા હતા, એટલે એના ઘરે પહોંચ્યા.  ડેલીમાં દાખલ થયા. ઘરમાં જાણે કોઈ માણસ જ ન હોય એવો સૂનકાર હતો. 

માસ્તરજી… માસ્તરજી… બે બૂમ પાડતાની સાથે જ માસ્તર લોટવાળા હાથે રસોડામાંથી  બહાર આવ્યા. પથુકાકાએ તરત સવાલ કર્યો કે માસ્તરજી હાથે 'સ્વયંપાક' કરો છો? તમારા ઘરવાળા ક્યાં ગયા?' માસ્તરે હસીને કહ્યું 'જરા પાણી-બાણી પીઓ અને પછી ગળામાં મારી ભેગા જોવા નીકળો પછી સમજાશે.'

ચા-પાણી પીને અમે માસ્તરની ભેગા ગામમાં  આંટો મારવા નીકળ્યા.  મોટા ભાગના ઘરોમાં ગયા ત્યારે પુરૂષો રસોડામાં ચૂલા પાસે રાંધતા જોવા મળ્યા. મેં પૂછયું 'આ તો ભાર નવાઈ કહેવાય હો? ગામની સ્ત્રીઓ કેમ દેખાતી નથી?' માસ્તર બોલ્યા 'જોયુંને? ગામમાં પાણીની ખેંચથી ત્રાસીને અમારી  ઘરવાળીઓ  છૈયાં-છોકરાને લઈને પિયર ભેગી થઈ ગઈ છે. 

એટલે જ મારી જેવાં 'નવરા'એ રોટલા ટીપવાનો વારો આવ્યો છે.' કાકાએ તરત પૂછ્યું કે તમને નવરા કોણ કહે? તમે તો સવારે રાંધવામાંથી  ઊંચા નથી આવતા અને પછી સ્કૂલમાં જઈને ભણાવો છો, તો તમારી જાતને નવરા કેમ કહો છો?  માસ્તર ખડખડાટ હસીને બોલ્યા કે આમચી મરાઠી ભાષામાં વરને નવરા કહે છે… તુમ્હાલા માહિત નાહી?' કાકાએ તરત કહ્યું તમારી જેવાં કામઢાં  નવરાને છોડી પિયર ચાલી જાય એને 'નવરી' જ કહેવાયને? 

ગામના ચોરે જઈને બેઠા. લગભગ દસેક પરણવાલાયક ઉંમરના જુવાનિયાઓ બેઠા બેઠા મોબાઈલમાં ગેમ રમતા હતા અને ટાઈમ પાસ કરતા હતા. કાકાએ સવાલ કર્યો કે આ જુવાનિયાઓને  બીજો કોઈ કામધંધો છે કે નહીં? આમ ઝાડ નીચે બેઠા બેઠા કેમ ટાઈમ પાસ કરે છે? માસ્તરે ધીરેકથી કહ્યું  કે મારી જેવાં પરણેલાની દશા જોઈને? હવે આ બધા પરણવા માટે આતુર વાંઢાઓની ફોજ છે. જુવાનિયાઓમાં પાણી દેખાડવાની તાકાત છે. પણ કોઈ પોતાની દિકરી આ ગામે પરણાવી પાણી ભરી  ભરીને તૂટી મરે એ જોવા તૈયાર નથી. એટલે વાંઢાઓની વસતી વધતી જાય છે. 

સારો વરસાદ પડે અને ગામના કૂવા-તળાવમાં પાણી આવે પછી  આ વાંઢાઓનો  ક્યાંક  પાટો બાજે.' આ સાંભળી કાકા ઉંચે આકાશ તરફ નજર કરી બોલ્યા 'ઓ…હો… હો… આ તો ખરૂં કહેવાય હો?  વાંઢા  મનોમન ઈચ્છે છે કે  તેમને કોઈ વર કહીને  સાદ પાડે… વહુનો મીઠો સાદ કાને પડે… વહુનો  મીઠો સાદ કાને પડે… એટલે  એમ કહી શકાય કે  વાંઢા ઝંખે વર-સાદને અને વહુ-સાદને…' માસ્તરે પણ કહ્યું 'ચોમાસું સારૂં ન જાય ત્યાં સુધી આ જુવાનિયાઓને મા-બાપે  નિભાવ્યે જ છૂટકો છેને?  એટલે હું તો પેલું હિન્દી ફિલ્મનું  જૂનું ગીત જો વાદા કિયા તો વો… ફેરવીને ગાઉં છું કે: જો વાંઢા કિયા  તો નિભાના પડેગા…

પથુકાકાએ વળી મધ્ય પ્રદેશના ગામનો કિસ્સો  સંભળાવ્યો. ત્યાં મંડલા જિલ્લામાં પાણીની કાયમી  તકલીફ છે. ચોમાસાના ચાર મહિના વરસાદને લીધે થોડી રાહત રહે. પણ પાણી સંગ્રહી રાખવાની  જોગવાઈ નથી. એટલે આઠ મહિના પાણીની એવી તકલીફ રહે છે કે આ ગામમાં કોઈ કન્યા નથી પરણાવતું. પરિણામે અડધું ગામ કુંવારાથી ભર્યું છે. 

કારણ કે રોજ માથે પાણીના બેડાં લઈને ત્રણ-ચાર  કિલોમીટર ચાલીને કોણ જાય? એટલે પની-હારી બિચ્ચારી હારીને  આ ગામે પરણવાનો  નનૈયો ભણે છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગામનું  નામ શું છે ખબર છે? હૃદનયગર. બોલો હૃદયનગર ગામે પણ કોઈ કન્યા જુવાનિયાને દિલ દેવા તૈયાર નથી. હવે સરકાર પાણીની જોગવાઈ કરે તો કુંવારાઓ ઠેકાણે પડે.  એટલે જ ત્યાંના લોકો કહે છે કે: સરકાર ઉડાડે પાણીના ફુવારા તો ઠેકાણે પડે કુંવારા…

મેં કાકાને કહ્યું કે 'વહુ અને વરસાદનો કોઈ નેઠો નહીં. પ્રેમથી વરસે તો ઝરમર અને વટકે તો ઝાંપટાં. સંસારની મોસમમાં પણ ચોમાસા જેવું જ છે હો? ચોમાસામાં  ક્યારેક થાય અતિવૃષ્ટિ અને વટકેલી વહુ જો વર પર 'વરસી' પડે તો થાય પતિ-વૃષ્ટિ પછી શરૂ થાય બરસાત મેં તાક ધીના ધીન… અને સંસાર મેં દે ધનાધન…'

પથુકાકાએ વહુ, વાંઢા, વરસાદના પુરાણને પોલીટીકલ ટ્વીસ્ટ આપતાં કહ્યું કે  લોકસભાની આ વખતની ચૂંટણીમાં જોયુંને? જનતાએ ભગવા પક્ષ માથે સાંબેલાધાર વોટ વરસાવ્યાં એમાં જ વિરોધ પક્ષોએ હારની હેલીનો સામનો કરવો પડયોને? એટલે જ હું તો કહું છું : ખમી ખમી હારની હેલી વાંઢીઓ થઈ ઘેલી…'

મેં કહ્યું કાકા ક્યા બાત હૈ… તમે તો જબરજસ્ત જોડકણુંં ફટકાર્યું. કાકા બોલ્યા  'અરે ભાઈ? વિપક્ષોના જોડાણ તૂટયા,  મિલાવટીઓ છૂટયા અને પછી કપાળ કૂટયા એટલે આને જોડકણું નહીં પણ ખરેખરૂં તોડકણું કહેવાય તોડકણું…'

મેં કહ્યું કાકા વોટર એટલે પાણી અને વોટર એટલે મતદાર. નપાણિયા મુલકમાં વોટર વિના શાદી નહીં અને વિપક્ષોને વોટર વિના ગાદી નહીં.' કાકા બોલ્યા ઓલી મોટામાં મોટી પાર્ટીના પચાસેક વરસના યુવાનેતાને પણ 'વોટર' વિના વાંઢા જ રહેવું પડે છેને? લગ્નના ઉમેદવારોને વોટર વિના શાદી નહીં અને ચૂંટણીના ઉમેદવારોને વોટર વિના ગાદી નહીં.'

મેં પૂછયું  પણ આ યુવા નેતા શાદી અને ગાદીથી  દૂર રહ્યા એનું શું કારણ? મને તો ભાઈ કંઈ સમજાતું નથી હો?' પથુકાકા ખોંખારો ખાઈને પોતાનું રાષ્ટ્રભાષાનું જ્ઞાાન પ્રગટ કરતા બોલ્યા કે હિન્દીમાં  વહુને બહુ કહે છે બરાબરને? હવે ચૂંટણીના પ્રચાર  વખતે નેતાના મમ્મી લોકોને અપીલ કરતા હતા કે  મેરે બેટે કો બહુમત દો… પણ વોટરો ેમ સમજ્યા કે 'બહુ-મત' દો… એટલે પછી 'વોટરો'ની ગેરસમજને લીધે ક્યાંથી લગનની શરણાઈ વાગે?

અંત-વાણી

વાંઢા ક્યાંથી લાવે

વહુ શાણી

જ્યાં ગામમાં ન હોય

ટીપુંય પાણી

જ્યારે પિયર જાય ચોટલા

ત્યારે ધણી ઘડે રોટલા

પાણી વિના ઉપાધીના પોટલા

વોટરને 'વોટર'ના વચનથી ભરમાવતા

નેતાઓ કહે કે બસ વોટ-લા.

કૈંકની પતિ થવાની આશા ગઈ પતી

'વોટર' વિના બન્યા નહીં શાદી-પતિ

'વોટર' વિના બન્યા નહીં ગાદી-પતિ.

સપનામાં જુએ

પાણીના ફુવારા

નપાણિયા મલકમાં 

રહી જાય જે કુ

અડધા પોણા ગામ વાંઢાના

કેવી નવાઈ

પણ કચ્છમાં એક

ગામ છે વાંઢાઈ.

વાંઢાજનક સ્થિતિ કેવી હોય છે એ દર્શાવતી દો-લાઈના:

બહાર નીકળે તો લૂ લાગે

ઘરમાં બેસે તો એક-લુ લાગે.

ઊંઘ ન જુએ ઓટલો

ભૂખ ન જુએ રોટલો

ગાય ન જુએ ગોટલો

વાંઢો ન જુએ ચોટલો.

સ: કુંવારી કન્યાના ચુંબનને અંગ્રેજીમાં શું કહેવાય?

જ: કિસ-મિસ.

સાડી વેંચતો ફેરિયો: લ્યો બસોમાં બે…સાડી

ટીખળી ગ્રાહક: બસોમાં ભલે બેસાડી, પણ કહે  તો ખરો કોને બેસાડી?

બેચલર દશા જ એવી છે કે બધામાં

રસ પડે. આ દશાનો પડઘો પાડતું

એક જ્યુસ સેન્ટર જોયું. બોર્ડ માર્યું

હતું બેચલર જ્યુસ સેન્ટર.

ચોમાસામાં ક્યારેક થાય અતિવૃષ્ટિ. પણ મહાભારત કાળમાં દ્રૌપદીએ શેનો સામનો કર્યો ખબર છે? પતિ-વૃષ્ટિનો.

ફોનમાં ટિવટર

પોલિટિક્સમાં ચીટર

અંડરવર્લ્ડમાં હિટર

જેલમાં હિસ્ટ્રી-સીટર

સાધુ ચલતા ભલા

તક-સાધુ મ-ચલતા ભલા.

રમૈયા વસ્તા વૈયા

નેતાજી ભસતા ગયા.

ગંદી રાજનીતિ

આજ ઈસ મોડ પે હૈ

પત્તા નહીં ચલતા વો

કુર્સી પે યા ક-મોડ પે હૈ.

જૂની કહેવત: લંકાની લાડીને ઘોઘાનો વર

નવી કહેવત: શંકાશીલ લાડી, ઘોઘા જેવો વર

ક્યાંક સગાબાજી છે

તો ક્યાંક દગાબાજી છે

નીતિ-મૂલ્યો પર કેવી ધૂળ બાજી છે?

એટલે જ ડગલેને પગલે

ખુલ્લી સોદાબાજી છે.

નશો કરવાવાળા ભેગા થાય એને કોકટેલ પાર્ટી કહેવાય તો ચૂંટાયા પછી વચનો ફોક કરી સત્તાનો નશો કરવા ભેગા થાય એને શું કહેવાય? ફોક-ટેલ પાર્ટી?

આમને આમ લોકશાહી બચાવી છે

લોક-મોઢે તાળા, નેતા પાસે આવી છે

ગંદા રાજકારણની બોલબાલાના સમ

કોઈ સત્તા પચાવી, તો કોઈએ પચપચાવી છે.

યોગમાં રાજકારણ ભળે એ રાજ-યોગ

સત્તાનો મુગટ મેળવવા થાય એ તાજ-યોગ

વિપક્ષો દાઝ ઉતારે એ દાઝ-યોગ

રાજકારણમાં પદ મેળવવા જે આસન

કરવું પડે એને કહેવાય: પદમાસન.

ધ્યાન ધરે યોગી

ધ્યાન રાખે ડોગી

ધ્યાન ચૂકે ભોગી.

0Shares