- સિધ્ધિ

તુલસી તંતીઃ કંઈક નવું જ કરવાની ધગશવાળો ગુજરાતી ભાયડો

ગુજરાતીઓ બિઝનેસમેન છે અને સાહસિક પ્રજા છે. જો કે મોટા ભાગના ગુજરાતીઓ હવા જે પ્રમાણે ચાલતી હોય એ પ્રમાણે ચાલવામાં ને ધંધો કરવામાં માને છે. કંઈક નવું અને કોઈએ કલ્પના પણ ના કરી હોય એવું કરવાની સાહસવૃત્તિ બહુ ઓછા ગુજરાતીઓમાં જોવા મળે. 

જેમણે એ કરવાની સાહસવૃત્તિ બતાવી એવા અંબાણી, અદાણી, મહેતા વગેરે બહુ મોટા થઈ ગયા. આ યાદીમાં તુલસી તંતીનું નામ પણ લેવું પડે. તુલસી તંતી અદાણી કે અંબાણી જેટલા મોટા ઉદ્યોગપતિ નથી ગણાતા પણ તેમણે વિન્ડ એનર્જી જેવા ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં જ સાવ વણખેડાયેલા ક્ષેત્રમાં ઝંપલાવીને પોતાની સાહસિક વૃત્તિનો પરચો તો આપ્યો જ છે. 

તુલસી તંતી મૂળ રાજકોટના છે પણ તેમની કર્મભૂમિ સુરત રહી છે. રાજકોટમાં 2 ફેબ્રુઆરી, 1958ના રોજ જન્મેલા તુલસી તંતી કોમર્સ ગ્રેજ્યુએટ થયા ને પછી ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જીનિયરિંગ કર્યું. સુરતમાં તેમણે કાપડની મિલોમાં કામ કરવાથી શરૂઆત કરીને પછી પોતાના સાંચા નાંખેલા. 

વીસેક કારીગરો સાથે એ સાંચા ચલાવતા અને પોતાના પરિવારના ખપ પૂરતું કમાઈ લેતા હતા. તંતી મહેનત બહુ કરતા પણ બહુ કમાણી થતી નહોતી તે અંગે વિચારતા. રો મટીરિયલ કે મજૂરી બહુ મોંઘી નહોતી છતાં માંડ માંડ નફો થતો. તંતીએ તેનું વિશ્લેષણ કર્યું ને તેમે સમજાયું કે, તેનું કારણ વીજળીનો ખર્ચ છે. વીજળી બહુ મોંધી પડતી અને રો મટીરિયલ પછી સૌથી મોટો ખર્ચ વીજળીના બિલનો જ હતો.   

આ વિશ્લેષણમાંથી તંતીને સમજાયું કે, સસ્તી વીજળી મળે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે. તેમણે બહુ વિકલ્પો વિચારી જોયા. દુનિયાના બીજા દેશોમાં ક્યા વિકલ્પો અજમાવાય છે તે પણ વિચાર્યું ને તેમને લાગ્યું કે, વિન્ડ એનર્જી શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાતમાં અને ભારતમાં પણ લાંબો દરિયાકિનારો છે ત્યારે દરિયાઈ પવનોમાંથી વીજળી પેદા કરવી બહુ સસ્તી પડે. 

આ વીજળી પેદા કરવામાં પ્રદૂષણ પણ ના ફેલાય તેથી પર્યાવરણની પણ રક્ષા થાય. તંતીએ પહેલાં પોતાના ટેક્સટાઈલ યુનિટ માટેજ સસ્તી વીજળી પેદા કરવાનું વિચારેલું પણ પછી તેમને આ બિઝનેસમાં જ પડવાનો વિચાર આવ્યો. આ વિચાર સાથે તેમણે 1995માં પૂણે ખાતે સુઝલોન એનર્જી કંપનીની સ્થાપના કરી.

તંતીએ પહેલાં થોડી વિન્ડ મિલ ઉભ કરી અને પછી કંપનીઓનો સંપર્ક કરવા માંડ્યો. જેને વીજળી જોઈતી હોય તે કંપની 25 ટકા રોકાણ કરે અને બાકીની 75 ટકા લોન સુઝલોન લે એવું મોડલ તેમણે બનાવ્યું. આ વિચાર નવો હતો તેથી બેંકો શરૂઆતમાં ખચકાતી પણ ધીરે ધીરે વીજળી મળવા માંડી પછી બેંકોને પણ તેમાં રસ પડી ગયો. 

આ સફળતાના કારણે 2001માં તંતીએ પોતાનો ટેક્સટાઈલ બિઝનેસ વેચી દીધો અને વિન્ડ એનર્જી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.  ધીરે ધીરે આ બિઝનેસ જામ્યો. સુઝલોનની વિન્ડ ટર્બાઈનની દુનિયાભરમાં માગ વધી અને સુઝલોન રીન્યુએબલ એનર્જીમાં વિશ્વની ટોપ ટેન કંપનીઓમાં આવી ગઈ. કંપનીએ પોતે વિન્ડ પાર્ક ઉભા કર્યા અને અત્યારે 17 હજાર મેગા વોટ વીજળી પેદા કરે છે. 

જો કે 2008માં આવેલી વૈશ્વિક મંદીના કારણે કંપનીને અસર થઈ અને કંપનીનો નફો ઘટવા માંડ્યો. થોડાંક વરસો પછી કંપની ખોટ કરવા લાગી. એ વખતે સૌને લાગતું હતું કે, તુલસી તંતી પતી ગયા પણ તંતીએ હાર માન્યા વિના મહેનત ચાલુ રાખી. 2016માં સાત વર્ષ લગી ખોટ કર્યા પછી તેમણે કંપનીને ફરી નફો કરતી કરી દીધી. 

વિશ્વમાં વીજળીની માગ વધી રહી છે ત્યારે સુઝલોન હવે મોટીછલાંગ લગાવવા સજ્જ છે. 

0Shares