- સિધ્ધિ

નરેશ કનોડિયાઃ ગુજરાતના આ અસલી ‘હીરો’ છે

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા એવું વ્યક્તિત્વ છે કે જે ફિલ્મોમાં તો ચાલ્યા જ પણ પછી ધારાસભ્ય પણ બન્યા. ગુજરાતી ફિલ્મોમાં સફળ થયેલા કલાકારોમાંથી ઉપેન્દ્ર ત્રિવેદી પછી એ માત્ર બીજા એવા અભિનેતા છે કેજે ધારાસભ્ય બન્યા હોય. 

નરેશ કનોડિયાની જીવનકથા ગુજરાતના દરેક યુવા માટે પ્રેરણારૂપ છે. નરેશ કનોડિયા મહેસાણા જિલ્લાના નાનકડા કનોડા ગામે 20 ઓગસ્ટ 1943ના રોજ જન્મ્યા. કનોડા વતની હોવાથી તેમણે કનોડિયા અટક અપનાવી.  નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ મિલ કામદાર હતા. 

દલિત પરિવારમાં જન્મેલા નરેશભાઈએ બાળપણમાં બહુ ગરીબ જોઈ. તેમના પિતા અમદાવાદમાં મિલ કામદાર હતા પણ આવક ટૂંકી હતી અને પરિવાર મોટો હતો તેથી માંડ ડ પૂરું થતું. હાલત એ હતી કે, પરિવારનાં સંતાનોને ભણાવી પણ ના શકાયા. નરેશ કનોડિયા ક્યારેય સ્કૂલ ગયા જ નથી. 

નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાને કુદરતી રીતે જ સારા ગળાની બક્ષિસ મળ હતી. એ નાની ઉંમરથી જ બધે ગાવા જતા. તેમના બીજા ભાઈ સુરેશ પણ પછી તેમાં જોડાયા ને બહુ નાની ઉંમરે નરેશ કનોડિયાએ પણ ભાઈ સાથે કામ કરવા માંડ્યું. નાનકડા નરેસ કનોડિયા જોની જુનિયરના નામે લોકોને હસાવવાનું કામ કરતા. 

મહેશ કનોડિયાએ થોડા સમય પછી મહેશકુમાર એન્ડ પાર્ટી નામે પોતાની અલગ પાર્ટી બનાવીને કાર્યક્રમો આપવા માંડ્યા. હિન્દી ફિલ્મી ગીતો, મિમિક્રી, જોક્સ વગેરેનું મિશ્રણ કરીને અપાતા આ પ્રોગ્રામ લોકોને પસંદ પડ્યા. જો કે હજુ સફળતા મળી જ હતી ત્યાં તેમના ભાઈ સુરેશનું અવસાન થતાં મોટો આઘાત આવ્યો. 

આ આઘાતને પચાવીને બંને ભાઈ સંઘર્ષ કરતા અને પરિવારને ઉંચો લાવવા મથ્યા કરતા. ધીરે ધીરે તેમના કાર્યક્રમોની લોકપ્રિયતા વધવા માંડી. તેના કારણે ગુજરાતી ફિલ્મ સર્જકોનું તેમના તરફ ધ્યાન ખેંચાયું. નરેશ કનોડિયાને પોતાની પહેલી ફિલ્મ વેલીને આવ્યાં ફૂલ મળી. 

આ ફિલ્મ બહુ સફળ નહોતી પણ નરેશ કનોડિયા તરફ લોકોનું ધ્યાન ખેંચાયું. સાથે સાથે તેમની સંગીતકાર તરીકેની નોંધ પણ લેવાઈ.  એ પછી વણઝારી વાવ આવી અને તેના સંગીત દ્વારા મહેશ-નરેશ છવાઈ ગયા. નરેશ કનોડિયા હીરો તરીકે પણ સફળ થયા. 

નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ ચાર દાયકા કરતાં વધારે છે. આ દરમિયાન તેમણે ઘણી ટોચની અભિનેત્રીઓ સાથે કામ કર્યું.  સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે તેમની હીરોઈન બની. નરેશ કનોડિયાએ 72 અભિનેત્રીઓના હીરો તરીકે કામ કર્યું હોવાનું કહેવાય છે.  

જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણઝારી વાવ, જુગલ જોડી વગેરે તેમની સફળ ફિલ્મો છે. તેમણે 70  જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 60 જેટલી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. 

મહેશ-નરેશે ગુજરાતી ફિલ્મ સંગીતને નવી દિશા આપી છે. સાથે સાથે વિદેશમાં પણ તેને પહોંચાડ્યું. વિદેશમાં સ્ટેજ શો કરનારા પહેલા ગુજરાતી હોવાનું બહુમાન તે ધરાવે છે. આફ્રિકાના દેશોમાં બોલીવુડના કલાકારો પણ જતા નથી ત્યારે મહેશ-નરેશે ત્યાં પણ શો કર્યા છે. 

મહેશ અને નરેશ કનોડિયા 1990ના દાયકાની શરૂઆતમાં ભાજપમાં જોડાયા. મહેશ કનોડિયાની રાજકીય કારકિર્દી તો બહુ લાંબી રહી પણ નરેશ કનોડિયા પણ 2002માં કરજણ વિધાનસભા બેઠક પરથી જીતીને ધારાસભ્ય બન્યા. નરેશ કનોડિયા હજુ ભાજપમાં સક્રિય છે જ અને તેમના પુત્ર હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે. 

નરેશ કનોડિયા કમનસીબે શિક્ષણ ના મેળવી શક્યા પણ પોતાની મહેનત અને કલાના જોરે તેમણે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. માણસ મહેનત કરે તો હીરો બની શકે છે એ સાબિત કરનારા નરેશ કનોડિયા ગુજરાતની યુવા પેઢી માટે પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે. 

0Shares