- સિધ્ધિ

ભદ્રેશ શાહઃ વિદેશી બજારમાં ડંકો વગાડનારા ગુજરાતી ઉદ્યોગપતિ

ભારતમાં બહુ ઓછી કંપનીઓ એવી છે કે જેમની 75 ટકા કરતાં વધારે આવક માત્ર નિકાસમાંથી થતી હોય.  અમદાવાદની એઆઈએ એન્જિનિયરિંગ આવી જ એક કંપની છે. ભારતની બીજા ક્રમની સૌથી મોટી મેટલ કંપની એઆઈએ એન્જિનિયરીંગ આજે દુનિયાભરમાં પોતાની પ્રોડક્ટસની નિકાસ કરે છે.  

તેના ગ્રાહકોમાં નાની કંપનીઓ પણ છે અને આર્સેલર મિત્તલ જેવી વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની પણ છે. ભદ્રેશ શાહે સ્થાપેલી આ કંપની મુખ્યત્વે ગ્રાઈન્ડીંગ અને ક્રશિંગ મશીનરીના પાર્ટ્સ બનાવે છે અને 105 દેશોમાં તેની નિકાસ કરે છે. એઆઈએ એન્જિનિયરિંગ દરેક ગુજરાતી ગર્વ લઈ શકે એવી કંપની છે પણ આ કંપની ઉભી કરવામાં ભદ્રેશ શાહે બહુ મહેનત કરવી પડી છે. 

ભદ્રેશ શાહ ડોક્ટરોના પરિવારમાંથી આવે છે પણ તેમણે પોતે એન્જીનિયર બનવાનું પસંદ કર્યું. 1975માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરથી એન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા પછી ભદ્રેશ શાહ અમદાવાદ પાછા આવ્યા ત્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું લઈને જ આવેલા. 

પરિવાર સુખી હતો પણ એટલો પણ નહીં કે બહુ મોટુ રોકાણ કરી શકે. જો કે એક લાખ રૂપિયા તરત ભેગા થઈ ગયા ને ભદ્રેશ શાહે એક નાનકડી ફાઉન્ર્ડી શરૂ કરી. ડાઈ કાસ્ટિંગ બનાવવાથી શરૂઆત કરી પણ પ્રથમ સાહસમાં જ નિષ્ફળતા મળી. એક લાખ રૂપિયા એક વર્ષમાં પતી ગયા ને હવે શું કરવું એ સવાલ આવીને ઉભો રહી ગયો. 

ભદ્રેશ શાહે પોતાની ફેક્ટરી ચાલુ રાખવા માટે અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની (હાલની ટોરન્ટ પાવર)ના સપ્લાયર તરીકે કામ શરૂ કર્યું. શાહ જે પાર્ટ્સ આપતા તે પલ્વરાઈઝર્સ અને બોઈલર્સમાં વપરાતા. શાહે તેની કામગીરી કઈ રીતે સુધારી શકાય તે વિશે વિચારવા માંડ્યું ને તેમાં સફળતા મળી એટલે તેમનો આત્મવિશ્વાસ વધ્યો. 

શાહે એ પછી બેલ્જિયમની કંપની સ્લેગ્ટેન સાથે ટાઈ-અપ કર્યું. પછીથી બીજી મોટી કંપની મેગોટીક્સ સાથે સંયુક્ત કંપની બનાવી કે જેમાં શાહની ભાગીદારી 49 ટકા હતી. આ કંપનીના માધ્યમથી તેમણે ક્રોમિયલ એલોય બનાવવાની શરૂઆત કરી. આ કંપની જામી ગઈ પછી મેગોટિક્સે 1996માં શાહને બેલ્જિયમમાં એન્જીનિયર તરીકે કામ કરવાની ઓફર કરી. 

શાહ આ ઓફર સ્વીકારીને બેલ્જિયમ ગયા પણ દોઢ વર્ષમાં તેમને લાગ્યું કે, તેમણે ભૂલ કરી છે. બીજી કંપની માટે મહેનત કરવાના બદલે પોતાની કંપનીને આગળ લાવવા પ્રયત્ન કરવા જોઈએ. આ વિચાર સાથે તે નોકરી છોડીને ભારત પાછા આવી ગયા. શાહના આ નિર્ણયના કારણે કંપનીએ ભાગીદારી ખતમ કરી પણ શાહે તેનાથી ગભરાયા વિના પોતાનું એકમ સંભાળ્યું ને વિદેશમાં નિકાસ શરૂ કરી. 

શરૂઆતમાં થોડી તકલીફ પડી પણ પછી બીજી કંપનીઓએ સાથે આપવા માંડ્યો તેથી ધીરે ધીરે જમાવટ થતી ગઈ. ધીરે ધીરે નિકાસ પણ વધતી ગઈ ને આજે શાહ જે કંપનીએ તેમની સાથે ભાગીદારી ખતમ કરી હતી તે જ કંપનીને હંફાવી રહ્યા છે. 

ભદ્રેશ શાહ લો પ્રોફાઈલ છે અને તેમનો બિઝનેસ બીજા દેશો સાથે છે તેથી લોકો તેમના વિશે બહુ જાણતા નથી પણ તેનાથી તેમને બહુ ફરક પડતો નથી. ભારતના સૌથી ધનિકોના લિસ્ટમાં સ્થાન પામતા ભદ્રેશ શાહ પોતાનું કામ કર્યા કરે છે અને દેશને બહુમૂલ્ય વિદેશી હૂંડિયામણ કમાવી આપી દેશની મોટી સેવા કરે છે.    

0Shares