- સિધ્ધિ

સમીર મહેતાઃ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન તરીકે આક્રમક વ્યૂહરચના અપનાવીને ઘણી કંપનીઓને ટેકઓવર કર

એક સાથે કામ કરનારા બે ભાઈ એક જ છત નીચે બે અલગ અલગ બિઝનેસને વિકસાવે ને બંનેમાં સફળ થાય એવું બહુ ઓછા કિસ્સામાં બને. ગુજરાતના મહેતા બંધુઓના કિસ્સામાં એવું બન્યું છે. ટોરન્ટ ગ્રુપને એક મોટા ગ્રુપમાં ફેરવનારા સુધીર મહેતા અને સમીર મહેતાએ સાથે કામ કર્યું પણ બંનેએ અલગ અલગ બિઝનેસ પર ધ્યાન આપ્યું. 

ટોરન્ટ ફાર્મા ફાર્માસ્યુટિકલ્સ અને પાવર એ બંને સેક્ટરની ટોચની કંપની મનાય છે. સુધીર મહેતાએ એક વાર શરૂઆતમાં ફાર્મા સેક્ટર પર ધ્યાન આપ્યું પણ એક વાર નાના ભાઈ સમીરની એન્ટ્રી થયા પછી તેમણે ગિયર બદલીને પાવર સેક્ટર પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. તેના કારણે આજે ટોરન્ટ ગ્રુપ બંને ક્ષેત્રોમાં દેશની ટોચની કંપનીઓમાં સ્થાન પામે છે. 

ટોરન્ટ ગ્રુપની સ્થાપના સુધીર મહેતાના પિતા ઉત્તમભાઈએ ટ્રિનિટી ફાર્મા તરીકે કરી હતી. સમીર મહેતા ઉત્તમભાઈના નાના પુત્ર છે. સમીર મહેતાએ ગુજરાત યુનીવર્સીટીમાં આવેલી વિખ્યાત મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એમ.બી.એ. કર્યું અને 1980ના દાયકામાં ટોરન્ટ ગ્રુપમાં જોડાયા ત્યાં સુધીમાં ટોરન્ટ ગ્રુપ સ્થાપિત થઈ ચૂક્યું હતું.  

જો કે તેમનું મુખ્ય બજાર ભારત હતું. સમીર મહેતાના પ્રવેશ પછી કંપનીએ પોતાની પ્રોડક્ટની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સમીર મહેતાએ એ વખતે સોવિતેત યુનિયન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમાં તે સફળ પણ થયા.  એક સમયે એ સ્થિતી હતી કે, ટોરન્ટનું 70 ટકા વેચાણ સોવિયેત યુનિયનમાં થતું હતું અને 90 ટકા નફો પણ સોવિયેત યુનિયનમાંથી આવતો હતો. 

સોવિયેત યુનિયનનું વિભાજન થયું ને એ ધંધો બંધ થઈ ગયો ત્યારે ટોરન્ટને બહુ મોટો ફટકો પડ્યો હતો. એ વખતે ટોરન્ટને ભારે ખોટ ગઈ હતી. સમીર મહેતાએ એ વખતે હતાશ થયા વિના મોટા ભાઈ સુધીર મહેતા સાથે મળીને નવાં બજારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બીજા દેશોમાં તેમણે નિકાસ શરૂ કરી અને ધીરે ધીરે ટોરન્ટ ફરી બેઠી થઈ ગઈ. સમીર મહેતાએ રીસર્ચ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું ને એ પ્રકારની પ્રોડક્ટ વિકસાવી કે જેના કારણે ટોરન્ટનો માર્કેટ શેર વધે. 

દરમિયાનમાં સુધીર મહેતાએ પાવર સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરતાં ફાર્માસ્યુટિકલ્સની મોટા ભાગની જવાબદારી સમીર મહેતા પર આવી ગઈ. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમણે આ કામગીરી સારી રીતે નિભાવી. તેના કારણે બે દાયકામાં કંપનીએ બહુ પ્રગતિ કરી. આ કારણે જ 2014માં સુધીર મહેતાએ પોતે ગ્રુપના ચેરમેનપદેથી ખસી જવાનું નક્કી કર્યું. ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેનપદે સમીર મહેતાને મૂક્યા અને પોતે ટોરન્ટ પાવરના ચેરમેન બન્યા. 

સમીર મહેતાએ ટોરન્ટ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન તરીકે આક્રમક વ્યૂહરચના અપનાવીને ઘણી કંપનીઓને ટેકઓવર કરી છે. સમીર મહેતાએ ચેરમેન બન્યા પહેલાં જ 2013માં એલ્ડર ફાર્મા હસ્તગત કરીને તેની શરૂઆત કરી દીધી હતી. એ રીતે તેમણે યુ.એસ. માર્કેટમાં કંપનીની સ્થિતી મજબૂત કરી. 

એ પછી અનડા ડ્રગ્સ, ઝીગ ફાર્મા, ગ્લોકેમ ઈન્ડસ્ટ્રીઝનું એપીઆઈ હસ્તગત કર્યાં છે. નોવાર્ટિસ એજી પાસેથી બે વીમેન હેલ્થકેર હોર્મોન બ્રાન્ડ્સ પણ તેમણે હસ્તગત કરીને વૈશ્વિક બજારમાં ટોરન્ટની સ્થિતી મજબૂત કરી છે. એ પછી તેમણે યુનિકેમનો ભારતનો બિઝનેસ પણ હસ્તગત કર્યો છે. 

સમીર મહેતા ટોરન્ટને વિશ્વમાં ફાર્મા સેક્ટરની ટોચની કંપની બનાવવા માગે છે. સમીર મહેતા જે રીતે કામ કરે છે એ જોતાં આ સપનું સાકાર કરીને જ જંપે એવું બને. 
 

0Shares