- સિધ્ધિ

સુધીર મહેતાઃ પાવર સેક્ટરમાં સફળ પાવરફુલ ઉદ્યોગપતિ

ભારતમાં ફાર્માસ્યુટકિલ્સ અને પાવર બંને ક્ષેત્રે ટોચની કંપનીઓની વાત નિકળે ત્યારે ટોરન્ટ ગ્રુપનો ઉલ્લેખ કરવો જ પડે. ટોરન્ટ ગ્રુપની સ્થાપના સુધીર મહેતાના પિતા ઉત્તમભાઈએ ટ્રિનિટી ફાર્મા તરીકે કરી હતી. યુ.એન. મહેતા તરીકે જાણીતા ઉત્તમભાઈએ ટોરન્ટને સફળ ગ્રુપ બનાવેલું. 

સુધીર અને સમીર મહેતાએ પિતાના એ વારસાને આગળ વધારીને ટોરન્ટને રાષ્ટ્રીય સ્તરે ટોચનાં ગ્રુપમાં સ્થાન અપાવ્યું છે. ઉત્તમભાઈએ માત્ર 25 હજાર રૂપિયાની મૂડીમાંથી શરૂ કરેલું ટોરન્ટ જૂથ આજે 2800 કરોડ રૂપિયાનું ગ્રુપ બની ગયું છે તેમાં સુધીર મહેતા અને સમીર મહેતા એ બંને ભાઈનું મોટું યોગદાન છે. 

સુધીર મહેતાનો જન્મ 1954માં થયો ત્યારે તેમના પિતાની કંપની નવીસવી હતી. એ વખતે ઉત્તમભાઈ પોતાની કંપનીને જમાવવ મહેનત કરતા હતા. 1970ના દાયકાની શરૂઆતમાં ટોરન્ટે બનાવેલી ટ્રાન્ક્વિલાઈઝરે ભારતીય બજારમાં ઘૂમ મચાવી પછી ટોરન્ટે પાછું વળીને ના જોયું પણ ત્યાં લગીમાં ઉત્તમભાઈએ ભારે મહેનત કરવી પડેલી. 

બાળક તરીકે સમીર મહેતાએ એ મહેનત અને સંઘર્ષ જોયેલો તેથી તેમનામાં પણ મહેનતના સંસ્કાર આવ્યા. સમીર મહેતા પોતે ગ્રેજ્યુએટ થયા પછી પિતાના બિઝનેસમાં જોડાયા અને તેમણે ટોરન્ટ ફાર્માને નવી દિશા આપવાની શરૂઆત કરી. ભારતમાં એ વખતે મલ્ટિનેશનલ ફાર્મા કંપનીઓનું જોર બહુ હતું. 

સુધીર મહેતાએ તેમની સામે ઝીંક ઝીલીને ટોરન્ટને આગવું સ્થાન અપાવ્યું.  સુધીર મહેતાએ જ નિકાસ પર ધ્યાન આપીને કંપનીને પ્રગતિ કરાવી. બીજી બધી કંપનીઓ પશ્ચિમના દેશો અને અમેરિકા પર ધ્યાન કેન્દ્રિત કરતી ત્યારે સુધીર મહેતાએ સોવિયેત યુનિયનમા નિકાસ શરૂ કરાવીને ટોરન્ટને મજબૂત બનાવી. 

સુધીર મહેતા વિઝનરી બિઝનેસમેન છે તેથી બહુ પહેલાં સમજી ગયેલા કે, ભારતમાં જે ઝડપે વિકાસ થઈ રહ્યો છે એ જોતાં ઉર્જાની જરૂરીયાત વધવાની છે અને પાવર સેક્ટરમાં ઉત્તમ તક છે. દેશમાં બીજાં ઔદ્યોગિક જૂથ હજુ એ ક્ષેત્ર તરફ જોતાં નહોતાં ત્યારે તેમણે પાવર સેક્ટરમાં ઝંપલાવીને ટોરન્ટ પાવરની સ્થાપના કરી. 

ગુજરાતમાં એ વખતે પાવર સેક્ટર સરકારી તંત્રના હાથમાં હતું અને જંગી ખોટ કરીને સરકાર લોકોને  પાવર આપતી. સુધીર મહેતાએ અમદાવાદ અને ગાંધીનગરમાં પાવર આપતી અમદાવાદ ઈલેક્ટ્રિસિટી કંપની (એઈસી) અને સુરતમાં પાવર આપતી સુરત ઈલેક્ટ્રિસિટી કંપની (એસઈસી) પોતાને સોંપવાની સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી. 

આ બંને જંગી ખોટ કરતી કંપની હતી. શરૂઆતમાં તેમને પ્રતિસાદ ના મળ્યો પણ શંકરસિંહ વાઘેલા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને આ વાત ગળે ઉતરી. તેમણે આ બંને કંપની ટોરન્ટ પાવરને સોંપી અને બહુ ટૂંકા ગાળામાં જ સુધીર મહેતાએ આ બંને કંપનીને નફો કરતી કરી દીધી. 

આ ત્રણેય શહેરોમાં વારંવાર લાઈટ જવાની સમસ્યા પણ બંધ થઈ ગઈ. ટોરન્ટ પાવરે એ પછી તો ઉર્જા ઉત્પાદનમાં પણ ઝંપલાવ્યું અને આજે ટોરન્ટ પાવર દેશની ટોચની ખાનગી પાવર કંપનીઓમાં એક છે. ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં 50 લાખ કરતાં વધારે ઘરોમાં આજે તેમની કંપની પાવર આપે છે. 

સુધીર મહેતા પહેલાં સમગ્ર ટોરન્ટ ગ્રુપના ચેરમેન હતા પણ 2014માં તેમણે સ્વેચ્છાએ પોતાના બિઝનેસના બે ભાગ કરી દીધા. ટોરન્ટ ફાર્મા તેમણે પોતાના નાના ભાઈ સમીર મહેતાને સોંપી દીધી અને પોતે ટોરન્ટ પાવરના ચેરમેન બન્યા. હવે તેમના બંને દીકરા જિનલ અને વરૂણ આ કંપનીને સંભાળવા સજ્જ છે. 

સુધીર મહેતા  સમાજસેવામા પણ સક્રિય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેમના પિતાની સ્મૃતિમાં બનાવેલી યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા તે  હૃદયરોગની સારવારમાં યોગદાન આપે છે. આ હોસ્પિટલે ઘણાં લોકોના જીવ બચાવ્યા છે. 

0Shares