- સિધ્ધિ

પંકજ પટેલઃ પિતાનો સેવાનો વારસો જાળવીને બેઠેલા ઉદ્યોગપતિ

રાષ્ટ્રીય સ્તરે જે ઉદ્યોગપતિઓએ ગુજરાતની ઓળખ ઉભી કરી છે તેવા ઉદ્યોગપતિઓમાં પંકજ પટેલનું નામ લેવું જ પડે. ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંથી એક પંકજ પટેલ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિક કંપની કેડીલા હેલ્થકેરના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે. 

આ ઉપરાંત બીજાં પણ ઘણાં ઉચ્ચ સ્થાનોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. દેશના ઉદ્યોગપતિઓની  પ્રતિનિધી મનાતી સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (ફિક્કી)ના પ્રમુખ રહી ચૂકેલા પંકજ પટેલ અમદાવાદની  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની ફાઈનાન્સ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. 

પંકજ પટેલને કેડિલા હેલ્થકેર વારાસામાં મળી છે પણ તેને એક સામ્રાજ્યમાં ફેરવવાનું શ્રેય પંકજ પટેલને જાય છે. પંકજ પટેલ મૂળ દક્ષિણ ગુજરાતના પટેલ છે. તેમના પિતા રમણભાઈ પટેલ સુરત પાસેના કઠોરમાં જન્મેલા પણ પછી અમદાવાદ આવીને વસ્યા. રમણભાઈ પટેલ અમદાવાદની એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાં લેક્ચરર હતા. 

જો કે તેમને સંશોધનમાં વધારે રસ હતો તેથી સતત કંઈક ને કંઈ સંશોધન કર્યા કરતા. એ દરમિયાન તેમનો પરિચય ઈન્દ્રવદન મોદી સાથે થયો ને મિત્રતા બંધાઈ. બંનેના શોખ સરખા હતા તેથી છેવટે બંનેએ 1952માં કેડિલા કંપનીની સ્થાપના કરી. આ કંપનીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી.
 
પંકજ પટેલ કરમસદમાં જન્મ્યા છે. 1953માં એ જન્મ્યા પછી તેમના પિતાની કંપનીએ સારી પ્રગતિ કરી. પટેલ પોતે જાણીતી સી.એન. વિદ્યાલયમાં ભણ્યા ને આઠ વર્ષની ઉંમરથી ફેક્ટરીમાં જતા. કર્મચારીઓને ટેબ્લેટ્સ બનાવતી જોતા ને તેનું આકર્ષણ થતું. એટલા માટે જ એ પોતે પિતાના રસ્તે ચાલ્યા ને પહેલાં ફાર્મસીમાં બેચલર ડીગ્રી મેળવીને બી.ફાર્મ. કર્યું. એ પછી તેમણે માસ્ટર એફ ફાર્મસી કર્યું.  

આ બંને ડીગ્રી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. એ કોલેજમાં ભણતા ત્યારે ચીમનભાઈ પટેલ સરકારની સામે થયેલા ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય હતા પણ પછી નેતાગીરી છોડી દીધી. એ પછી 1976માં પિતાના બિઝનેસમાં જોડાયા અને કેડિલાને આગળ વધારવાનું અભિયાન શરૂ કર્યું. 

બે દાયકા લગી કામ કર્યા પછી 1995માં બંને ભાગીદારો છૂટા પડ્યા અને પંકજ પટેલના હાથમાં નવી કંપની કેડિલા હેલ્થકેર આવી. તેમણે તેનું નામ ઝાયડસ કેડિલા રાખ્યું. એ વખતે કંપનીનું ટર્નઓવર 200 કરોડ રૂપિયા હતું ને ખર્ચ 400 કરોડ હતો કેમ કે મોટા ભાગના કર્મચારી નવી કંપનીમાં તેમની સાથે આવ્યા હતા. 

બીજો કોઈ હોય તો ડરી જાય પણ પંકજ પટેલે તેને તક માની અને નવા બિઝનેસ કોન્સેપ્ટ સાથે મેનેજમેન્ટ સંભાળ્યું. એ વખતે તેમણે ટાર્ગેટ નક્કી કર્યો કે, 2000ની સાલ સુધીમાં કંપનીનું ટર્નઓવર 1000 કરોડ કરીશું. એ લક્ષ્ય તેમણે હાંસલ પણ કર્યું ને એ પછી પાછા વળીને જોયું નથી.  

આજે તેમનું ગ્રુપ છ હજાર કરોડ રૂપિયા કરતાં વઘારેનું ટર્નઓવર ધરાવે છે ને 11 હજાર કરતાં વધારે કર્મચારી છે. પંકજ પટેલે ગુજરાતમાં ફાર્મા રીસર્ચ પણ શરૂ કરાવ્યું. આજે તેમની સંસ્થામાં 1000 કરતા વધારે ડોક્ટરો તથા સંશોધકો કામ કરે છે.  

પંકજ પટેલે પોતાના ફાર્મા બિઝનેસને વળગી રહ્યા છે પણ લોકોન સેવા કરવા માટે તેમણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે. તેમણે શરૂ કરેલી સ્કૂલ આજે અમદાવાદની શ્રેષ્ઠ સ્કૂલોમાં એક છે જ્યારે ઝાયડ્સ કેડિલા હોસ્પિટલ અમદાવાદમાં ઓછા દરે સારવાર આપતી હોસ્પિટલ તરીકે ખ્યાતિ ધરાવે છે. રમણભાઈ સફળ બિઝનેસમેનની સાથે કવિ પણ હતા ને સેવામાં માનતા. પિતાનો એ વારસો પણ પંકજ પટેલ જાળવ્યો છે. 

0Shares