વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ક્રિકેટના દિગ્ગજોથી લઈને બોલીવૂડની હસ્તીઓ સુધી તમામે કોહલીને કેપ્ટન તરીકેની શાનદાર કારકિર્દીની શુભેચ્છા પાઠવી છે. આ દરમિયાન વિરાટની પત્ની અનુષ્કા શર્માએ એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કેપ્ટન બનવાથી લઈને અત્યારસુધીની વિરાટની તમામ યાદોને શેર કરી છે.
અનુષ્કાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, મને 2014નો એ દિવસ યાદ છે જ્યારે તમે મને કહ્યું હતું કે તમને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. કારણ કે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. મને યાદ છે કે તે દિવસે ધોનીએ અમારા બંને સાથે વાત કરી હતી અને મજાકમાં કહ્યું હતું કે જુઓ કેટલી જલ્દી તમારી દાઢી સફેદ થવા લાગશે. અમે બધા તે દિવસે ખૂબ હસ્યા હતા.
અનુષ્કાએ ઉમેર્યું કે, તે દિવસથી મેં તમારી દાઢીને ગ્રે થવા સાથે ઘણું બધું જોયું છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનના રૂપમાં તમારો વિકાસ અને તમારા નેતૃત્વમાં ટીમની ઉપલબ્ધીઓ પર મને ગર્વ છે. પરંતુ તમે તમારી અંદર જે વિકાસ હાંસલ કર્યો છે તેના પર મને વધારે ગર્વ છે.
અનુષ્કાએ આગળ લખ્યું કે, વર્ષ 2014માં તું એકદમ યુવાન હતો, તું જીવનમાં સારા ઈરાદા, હકારાત્મકતા તથા લક્ષ્યને લઈને ચાલતો હતો. આ બધાની સાથે અનેક પડકારો હોય છે. બહુ બધા પડકારોનો તે સામનો કર્યો. તે માત્ર ફિલ્ડમાં જ નહોતા, પરંતુ તેની બહાર પણ હતા, પણ કદાચ આ જ જીવન છે. નહીં?
મને તારી પર વિશ્વાસ છે કે તું તારા સારા ઈરાદઓ આગળ કોઈ પણ મુશ્કેલીને ટકવા નહીં દે. તે ઉદાહરણ સેટ કર્યું અને એક એક જીત માટે બધું જ દાવ પર લગાવી દીધું. પોતાની પૂરી એનર્જી લગાવી અને હાર બાદ પણ તારી બાજુમાં બેસીને મેં તારા આંસુઓ જોયા છે. તારા મનમાં અફસોસ હતો કે ક્યાં ભૂલ રહી ગઈ અને કેવી રીતે આને સારું કરી શકાય. આ તું છો અને તે આવી જ અપેક્ષા બધા પાસે રાખી. તું હંમેશાંથી અપરંપરાગત તથા બેબાક છે.
અનુષ્કાએ આગળ લખ્યું કે, દેખાડો તારો દુશ્મન રહ્યો છે. મારી નજરમાં તારી આ જ વાત તને મહાન બનાવે છે. આ તારી પ્યોરનેસ છે, આમાં કોઈ જાતની ચાપલુસી નથી. દરેક વ્યક્તિ આ વાતને સમજી શકશે નહીં. મેં પહેલાં પણ કહ્યું હતું કે જે લોકો તને સારી રીતે સમજી જશે તે લોકો ધન્ય છે. તું પર્ફેક્ટ નથી અને તારી અંદર પણ ઊણપ છે, પરંતુ તે ક્યારેય આને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી.
તે હંમેશાં જે સાચું લાગ્યું તેનો સાથ આપ્યો. તે હંમેશાં અઘરા માર્ગને પસંદ કર્યો. તે ક્યારેય કોઈ વાત માટે ભીખ માગી નથી. આ પોઝિશન માટે પણ નહીં. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વાતને મજબૂતીથી પકડી લે છે તો તે પોતાને સીમિત કરી લે છે. માય લવ તું તો અસીમિત છો, આપણી દીકરી પોતાના પિતાની આ 7 વર્ષની બાબતને શીખશે. તે સારું કર્યું.