ગીર સોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. જેમા ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના મહામંત્રી ઉષાબેન કુસકીયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા રાજકારણમાં હવે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં થોડાક સમયમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઇ અત્યારથી જ તમામ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી પહેલા ઠેર-ઠેર બેઠકોનો દોર શરૂ કર્યો છે. કાર્યકર્તાઓ પણ હાલમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી પહેલા આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાના પક્ષમાંથી રાજીનામું આપી અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે. કાર્યકર્તાઓની માંગણીઓ ન સંતોષાતા હાલ પોતાનો પક્ષ છોડી અન્ય પક્ષમાં જતા દેખાઈ રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના મહામંત્રી ઉષાબેન કુસકીયાએ તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. આપને જણાવી દઈએ કે, ઉષાબેને પોતાનું રાજીનામું ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઈ ગોહેલને મોકલ્યું છે.
તેમણે રાજીનામાં જણાવ્યું છે કે, હું ઉષાબેન કે. કુસકીયા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી પદની જવાબદારી નિભાવું છું, જે જવાબદારી હાલ હું સંભાળી શકું એમ નથી. જેથી ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી પદેથી તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું તાત્કાલિક અસરથી આપું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉષાબેન કુસકીયા એડવોકેટ & નોટરી તરીકે ફરજ બજાવે છે. તેઓ અગાઉ ગીર સોમનાથ જિલ્લા મહીલા કોગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અચાનક જ કોગ્રેસ પક્ષના તમામ હોદા પરથી રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
રિપોર્ટઃ મિતેશ પરમાર, ગીર સોમનાથ